સુરત: (Surat) સ્પીનર્સ દ્વારા સતત કૃત્રિમ ભાવવધારો ઝીંકવામાં આવી રહ્યો છે. તેના લીધે યાર્ન ડીલર્સ પણ સતત ભાવો વધારી રહ્યા હોવાનો આક્ષેપ ફોગવા દ્વારા કરવામાં આવ્યો છે. ફોગવાના (Fogva) પ્રમુખ અશોક જીરાવાલાએ કેન્દ્રના ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાનીને પત્ર લખી યાર્નના ભાવ અંકુશમાં લેવા રજૂઆત કરી છે. ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ ટેક્સટાઇલ મંત્રીને લખેલા પત્રમાં યાર્નના ભાવો અંકુશમાં લેવા સાથે યાર્નને આવશ્યક ચીજવસ્તુની શ્રેણીમાં લેવાની માંગ કરી છે. જીરાવાળાએ જણાવ્યું હતું કે, સ્પીનર્સ અને યાર્ન ડીલર સિન્ડિકેટ બનાવી કાર્ટેલ રચીને ભાવો વધારી રહ્યા છે. ટૂંકા સમયગાળામાં યાર્નના (Yarn) ભાવો કાપડની ડિમાન્ડ નહીં હોવા છતાં 25થી 40 રૂપિયા સુધી વધી ગયા છે. તેથી વિવર્સ દ્વારા પોલિયેસ્ટર, નાયલોન અને કોટન યાર્નને આવશ્યક ચીજવસ્તુઓની શ્રેણીમાં સામેલ કરવા માંગ કરવામાં આવી છે.
ફોગવાનું માનવું છે કે યાર્નના ભાવો અંકુશમાં લેવા ટેક્સટાઇલ મંત્રાલયે ભાવ નિયંત્રણ ધારો લાગુ કરવા કાર્યવાહી કરવી જોઇએ. કોરોના અને લોકડાઉનના લીધે વિવર્સની હાલત કફોડી બની છે. દેશભરમાં તૈયાર કાપડના બજારો લાંબા સમય સુધી બંધ રહેવાના લીધે ગ્રેની ખરીદી અટકી પડી છે. આવા સંજોગોમાં વિવર્સના કારખાને ગ્રેનો ભરાવો થઈ રહ્યો છે. ત્યાં બીજી તરફ આવી વિકટ પરિસ્થિતિમાં પણ સ્પીનર્સ યાર્નની કિંમતોમાં અસાધારણ ભાવવધારો ઝીંકીને કમાવાની તક છોડી રહ્યા નથી. એપ્રિલમાં મિની લોકડાઉન હોવા છતાં વિતેલા ત્રણ મહિનામાં યાર્નની વિવિધ જાતોમાં કિલોદીઠ સરેરાશ 25થી 40 રૂપિયા સુધીનો ભાવવધારો થયો છે. ગયા વર્ષે પણ લોકડાઉન પૂરું થયા બાદ આ જ રીતે 40થી 100 રૂપિયા સુધીનો ભાવવધારો થયો હતો. સ્પીનર્સની મનમાનીથી વિવર્સ હેરાન-પરેશાન થઈ ગયા છે. ત્યારે હવે આ મામલે સરકાર મધ્યસ્થી કરે તેવી અમારી માંગ છે.
છેલ્લા 2 મહિનામાં 20 રૂપિયાના વધારો, પરંતુ પાંચનો ઘટાડો પણ થયો
યાર્ન વ્યવસાયીઓનું કહેવું છે કે, ફોગવા દ્વારા યાર્નના ભાવવધારા અંગે જે આંકડા આપવામાં આવ્યા છે તે ભ્રામક છે. છેલ્લા બે મહિનામાં યાર્નના ભાવો 20 રૂપિયા વધ્યા હતા અને ડિમાન્ડ નહીં જોવા મળતાં તેમાં પાંચ રૂપિયાનો ઘટાડો પણ થયો છે. તે હિસાબે છેલ્લા બે મહિનામાં 15 રૂપિયા જ યાર્નના ભાવ વધ્યા છે. કોરોનાની બીજી લહેરમાં યાર્નના ભાવો બોટમ પર પહોંચ્યા હતા, તેની રિકવરી કરવા માટે યાર્નના ભાવો ગણતરીપૂર્વક વધારવામાં આવ્યા હતા.