સુરત: (Surat) કાપડ માર્કેટમાં (Textile Market) કોરોના સંક્રમણના કેસો મોટી સંખ્યામાં વધતા મનપા દ્વારા શનિવારે અને રવિવારે માર્કેટ બંધ રાખવાની અપીલ કરવામાં આવી હતી. જોકે વેપારીઓની માંગને લીધે મનપાએ માર્કેટ ચાલુ રાખવાની મંજૂરી તો આપી છે પરંતુ માલની અવર-જવર નહી થઇ શકે. વેપારીઓનું (Traders) કહેવુ છે કે પહેલાથી કોરોનાને લીધે વેપાર 50 ટકા થઇ ગયો છે. તેમાં પણ મનપા દ્વારા વારંવાર માર્કેટ બંધ રાખવાથી અન્ય રાજ્યોના વેપારીઓમાં ખોટો મેસેજ જાય છે અને જે વેપાર રહી ગયો છે તે પણ ધોવાઇ જવાનો ભય છે.
- કાપડ માર્કેટમાં વારંવાર ‘બંધનો માહોલ’ ઉભો કરાતા વેપાર ડામડોળ થવાની શક્યતાથી વેપારીઓમાં નારાજગી
- કોરોનાની સ્થિતિ વકરતા શનિવાર- રવિવારે કાપડ માર્કેટમાં માલની અવર-જવર બંધ રહેશે
કાપડ માર્કેટમાં કોરોનાના કેસોમાં લગાતાર વધારો થઇ રહ્યો છે. કાપડ માર્કેટ વિસ્તારમાં દરરોજ મોટી સંખ્યામાં લાખો વેપારીઓની અવર-જવર હોવાથી કોરોના ઝડપથી ફેલાવાની શક્યતા રહી છે. જેને લીધે મનપા કમિશનર દ્વારા ગઇકાલે શનિવારે અને રવિવારે માર્કેટો બંધ રાખવા માટે ફોસ્ટાને અપીલ કરવામાં આવી હતી. જો કે ફોસ્ટાએ વારંવાર માર્કેટો બંધ રાખવામાં આવશે તો વેપારને મોટુ નુકશાન થવાનો ભય દર્શાવતા શનિવારે અને રવિવારે માર્કેટ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ માલની અવર-જવર બંધ રાખવામાં આવશે.
વેપારીઓનું કહેવું છે કે વારંવાર માર્કેટ બંધ રાખવાથી વેપારને મોટુ નુકશાન થઇ રહ્યુ છે. હાલ સુરતમાં કોરોનાના કેસો વધતા અન્ય રાજ્યોના વેપારીઓ સુરત આવવાનું ટાળી રહ્યા છે અને તેમાં પણ જો વારંવાર મનપા દ્વારા માર્કેટ બંધ રાખવા માટે દબાણ કરાશે તો હાલ જે ઓર્ડર મળી રહ્યા છે. તેનાથી પણ હાથ ધોવા પડશે. અગાઉ પણ શનિવારે અને રવિવારે માર્કેટ બંધ રહેતા હજ્જારો પાર્સલ અટવાઇ ગયા હતા. હાલ પણ આજ પરિસ્થિત સર્જાશે. તો અન્ય રાજ્યોમાં સમય પર ઓર્ડર નહીં પહોંચે તો વેપારીઓ ઓર્ડર રદ્દ કરાવી દે છે.
સુરતમાં યોજાનાર યાર્ન એક્સપો સ્થગિત
સુરત: સુરતમાં કોરોના સંક્રમણની સ્થિતિ વકરતાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત યાર્ન એક્સ્પો સ્થગિત કરવામાં આવ્યો છે. 17થી 19 એપ્રિલ દરમિયાન યોજાનારા યાર્ન એક્સ્પો માટે બુકિંગ પણ નોંધવામાં આવ્યું હતું. પરંતુ સુરતની વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી આ એક્સ્પો સ્થગિત રાખવામાં આવ્યો છે અને તેની નવી તારીખો હવે પછી સુરતમાં કેવી સ્થિતિ રહે છે તેના આધારે નક્કી કરવામાં આવશે. ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી યાર્ન એક્સ્પો હાલ પૂરતો સ્થગિત રાખવામાં આવ્યો છે. જો કે, અગાઉ ચેમ્બર દ્વારા રાજ્ય સરકારની મંજૂરી લઇ ટેક્સટાઇલ મશીનરી(સીટેક્સ) અને સ્પાર્કલ એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું. જો કે, ત્યારે સુરતમાં કોરોનાની સ્થિતિ અંકુશમાં હતી.