સુરત: (Surat) વેસુમાં રહેતા કાપડના વેપારીએ તેના કર્મચારીનો પગાર (Salary) વધાર્યો ન હતો, આ ઉપરાંત કર્મચારીના મિત્રના અવસાન સમયે પણ તેને મદદ નહીં કરતા દુ:ખમાં સરી પડેલા કર્મચારીએ શેઠની સાથે બદલો લેવાનું વિચારીને મુંબઇની ‘ડી’ગેંગના નામે પિસ્તોલ મોકલીને રૂા. 2 કરોડની ખંડણી (Ransom) માંગી હતી. જો કે, શહેર પોલીસે કર્મચારી અને તેના મિત્રોને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યા હતા. રિંગરોડની શિવશક્તિ માર્કેટના વેપારીને એક અજાણ્યા કિશોર દ્વારા અપાયેલા પાર્સલમાંથી પિસ્તોલ (Pistol) અને કારતુસ નીકળ્યા હતા. તેમાં એક ચિટ્ઠી હતી જેમાં 2 કરોડની ખંડણી માંગી હોવાની માહિતી મળી છે.
મૂળ રાજસ્થાનના ઉદયપુરના ગોગુંદા તાલુકાના જશવંતગામના વતની અને સુરતમાં વેસુ કેનાલ રોડ ડી.જી.ગોયેન્કા સ્કુલની પાસે ઓમદર્શન ઍપાર્ટમેન્ટમાં રહેતા લોકેશભાઈ લક્ષ્મીલાલ સિંધવી રીંગરોડની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં વેપાર કરે છે. તેઓ દુકાને હતા ત્યારે એક સગીર તેમની પાસે આવ્યો હતો અને પાર્સલ આપ્યુ હતું. ‘સગીરે લોંકેશભાઇને કહ્યું કે, ઇન્દરભાઇનું પાર્સલ છે, બોમ્બેથી આવેલ છે’લોંકેશભાઇએ પાર્સલ ચેક કરતા તેમાંથી પિસ્તોલ અને ચાર કાર્ટિઝ મળી આવ્યા હતા, આ ઉપરાંત અંગ્રેજી ભાષામાં લેટર લખ્યો હતો જેમાં મુંબઇની ‘ડી’ગેંગની નામે ખંડણી માંગવામાં આવી હતી. આ બાબતે લોકેશભાઇએ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ કરી હતી.
પોલીસે ગણતરીના કલાકોમાં જ લોકેશભાઇને ત્યાં કામ કરતા અને લિંબાયતના ગોડાદરામાં વિઠ્ઠલ મંદિરની સામે રહેતા સાગર ભગવાન મહાજનને પકડી પાડ્યો હતો. પોલીસે તેની પુછપરછ કરતા સાગરે તેના મિત્ર કિરણ પિતાંબર મહાજનની સાથે મળીને ખંડણીનો પ્લાન બનાવ્યો હતો. સાગરનો માત્ર 10 હજાર જ પગાર હતો, વારંવાર પગાર વધારવાની માંગણી છતાં પણ લોકેશભાઇએ પગાર વધાર્યો ન હતો, આ ઉપરાંત બે મહિના પહેલા સાગરના મિત્રનું અવસાન થયુ હતુ. તેની માટે પણ રૂા. 10 હજારની મદદ માંગી હતી. લોકેશભાઇએ આ રૂપિયાની મદદ પણ નહી કરતા લોકેશે એક પાર્સલમાં પિસ્તોલ મોકલી તેમાં 2 કરોડની ખંડણી માંગી હતી. આ ખંડણી માટે તેને મુંબઇની ડી ગેંગના નામની મદદ લઇને સમગ્ર પ્લાન બનાવ્યો હતો. સાગરે ઓનલાઇન ગુગલ ટ્રાન્સલેટ ઉપરથી અંગ્રેજીમાં લેટર લખ્યો હતો. જેમાં લખ્યુ હતુ કે, તમામ તમામ પરિવારના સભ્યોને નુકસાન નહીં થાય, જો તમે 2 કરોડ આપશો તો તમે અને તમારો પરિવાર શાંતિથી રહી શકશે. આ ઉપરાંત અંતમાં લખ્યુ હતુ કે, આજ શામ તક તુમ્હારા સમય હે, શામ કે બાદ હમારા સમય આયેગા’કહીને ખંડણી માંગવામાં આવી હતી.
— વર્ષોથી કામ કરતા સાગરનો માત્ર 10 હજાર પગાર અને નવા આવનાર યુવકોને 9500 અપાતા હતા
પોલીસના જણાવ્યા પ્રમાણે સાગર છેલ્લા આઠ વર્ષથી લોકેશભાઇની દુકાનમાં સાડી પેકીંગનું કામ કરતો હતો. તેનો પગાર માત્ર રૂા. 10 હજાર જ હતો. બીજી તરફ દુકાનમાં જે કોઇ નવા કર્મચારી આવે તેઓને રૂા. 9500નો પગાર આપતા હતા. સાગર વારંવાર લોકેશભાઇને કહીને પગાર વધારવાનું કહેતો હતો પરંતુ લોકેશભાઇ પગાર વધારતા ન હતા. જેનું મનદુ:ખ થયુ હતુ. લોકેશભાઇ સાગરની કોઇ વાતમાં ધ્યાન પણ આપતા ન હતા. વારંવારની રજૂઆતથી સાગર કંટાળી ગયો હતો અને આખરે ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો હતો.
મુંબઇની ખંડણી ઉઘરાવતી ડી ગેંગની માહિતી મેળવી તેના નામથી જ ધમકી આપી
શેઠ લોકેશભાઇના નિવેદન બાદ સાગરે બદલો લેવાનું નક્કી કર્યું, સાગરે યુ-ટ્યુબમાં ખંડણી અને બીજા વીડિયો જોયા. તેમાં ડી-ગેંગના નામે ઘણા બધાએ મુંબઇમાં ખંડણી માંગી હતી અને તેઓને જોઇતી રકમ પણ મળી હતી. ત્યારે આ ગેંગના નામે જ સાગરે રૂા. 17 હજારની કિંમતની પિસ્તોલ ખરીદી હતી અને તેને પાર્સલમાં મોકલીને ડી-ગેંગના નામે રૂા. 2 કરોડની ખંડણી માંગી હતી.
કેવી રીતે પ્લાન બનાવ્યો?
સાગરે રજાના દિવસોમાં લોકેશભાઇના ઘર તેમજ ફાર્મ હાઉસના ફોટા પાડી લાવ્યો હતો. આ ઉપરાંત ઇન્ટરનેટ ઉપરથી ડી-ગેંગ મુંબઇના ખંડણી ઉઘરાવતા અને ગાડી ઉપર ફાયરીંગ કર્યું હોય તેવા ફોટા ડાઉનલોટ કર્યા હતા. આ ફોટાને સંજયનગરના એક સ્ટુડિયોમાં પ્રિન્ટ કઢાવી હતી. ત્યારબાદ ગુગલ ટ્રાન્સલેટથી પોતે બોલી તેનું અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કર્યું હતું. આ લેટરની પણ સ્ટુડિયોમાં જ પ્રિન્ટ કાઢ્યુ હતુ. ત્યારબાદ એક બોક્સમાં પિસ્તોલ, કાર્ટિઝ અને અંગ્રેજીમાં લખેલો લેટર લોકેશભાઇને મોકલી આપીને 2 કરોડ માંગ્યા હતા. આ ઉપરાંત પાર્સલમાં લોકેશભાઇના ફાર્મ હાઉસ અને તેના ઘરના ફોટાઓ પણ મોકલ્યા હતા.