સુરત: (Surat) 23 દિવસના મીની લોકડાઉન પછી કાપડ માર્કેટ (Textile Market) ખૂલતાની સાથેજ વિવર્સ, પ્રોસેસર્સ અને એમ્બ્રોઇડરી કારખાનેદારોએ પેમેન્ટની વસૂલાત માટે કાપડના વેપારીઓ પર દબાણ કરવાનુંનું શરૂ કર્યુ છે. તેને લઇને જે વેપારીઓએ બહારગામ માલ મોકલ્યો છે અને પેમેન્ટ મળ્યુ નથી તેવા વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. ત્યારે સુરત મર્કેન્ટાઇલ એસોસિયેશને (Mercantile Association) મિલમાલિકો અને કારખાનેદારોને એક મહીના સુધી ધીરજ રાખવા અને પેમેન્ટ સાયકલ (Payment) ચાલવા દેવા વિનંતી કરી છે.
સુરત મર્કન્ટાઇલ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર સાબુએ વિવર્સ, પ્રોસેસર્સ અને એમ્બ્રોઇડરી કારખાનેદારોને અપીલ કરી છે કે જે વેપારીઓ વર્ષોથી એક બીજા સાથે પરસ્પરના સંબંધોથી વેપાર કરે છે. તેવી સ્થિતિમાં વેપારી પર વિશ્વાસ રાખવામાં આવે અને એક મહીના સુધી બાકી પેમેન્ટ મામલે તેમને રાહત આપવામા આવે જેથી માર્કેટની પેમેન્ટ સાયકલ ફરી કાર્યરત થાય જો ત્રણેય સેક્ટર એક સાથે પેમેન્ટ માટે દબાણ વધારશે તો વેપારીને ઉઠમણું કરવાની નોબત આવશે અને સરવાળે બધાને નુકશાન થશે. વેપારી ચોર નથી. તેણે પણ ઉત્તર અને દક્ષિણભારતના રાજ્યોમાં માલ આપ્યો છે અને તેનું પણ પેમેન્ટ ફસાયું છે. આ પેમેન્ટ રિલિઝ થશે અને નવો વેપાર શરૂ થશે તો દરેકની બાકી ચૂકવણી થઇ શકશે. કડક ઉઘરાણી કરવાથી પ્રશ્નોનો ઉકેલ નહીં આવે. બધાજ રાજ્યોની મંડીઓમાં આ પ્રકારનો માહોલ છે. આ મામલે આજે એસએમએની કોર કમિટિની બેઠક મળી હતી. જેમાં વેપારીઓને પેમેન્ટ મામલે લેણદારોને એટલે કે વિવર્સ, પ્રોસેસર અને એમ્બ્રોઇડરી કારખાનેદારોને મેસેજ મોકલવામાં આવશે તેવુ નક્કી કરાયું છે.
દક્ષિણ ભારતના રાજ્યોમં લોકડાઉન લંબાતા સુરતમાં જરીનું 90 ટકા ઉત્પાદન બંધ
શહેરમાં એક તરફ કાપડ માર્કેટ અને હીરા બજારો સહિત રિટેલ માર્કેટ ખુલી છે ત્યારે જરી ઉદ્યોગમાં વિપરીત સ્થિતિ જોવા મળી છે. દક્ષિણ ભારતના રાજ્ય કર્ણાટક, તામિલનાડૂ, આંધ્રપ્રદેશ અને કેરળમાં કોરોનાની બીજી લહેરમાં મૃત્યુઆંક વધતા 7 જૂન સુધી જુદા-જુદા શહેરોમાં લોકડાઉન લાગૂ થતા સિલ્ક સાડીનું ઉત્પાદન કરતા હજારો કારખાનાઓ બંધ થયા છે. તેની સીધી અસર સુરતના જરી ઉદ્યોગ પર પડી છે. છેલ્લા 20 દિવસથી દક્ષિણ ભારતના રાજ્યોની સ્થિતિ કથળતા સુરતમાં 90 ટકા જરીના કારખાનાઓ બંધ થઇ ગયા છે. કારખાના બંધ થવાનું એક કારણ જૂનુ પેમેન્ટ આવી રહ્યુ નથી અને માલની ડિમાન્ડ પણ નથી. બીજી તરફ જરીના રૉ-મટીરિયલ્સ સોના, ચાંદી અને તાંબાના ભાવો આસમાને પહોંચ્યા છે. તેને લઇને ઉત્પાદકો જોખમ ખેડવા માંગતા નથી.