SURAT

ગુજરાત, ઉત્તર ભારતના રાજ્યોમાં કોરોના વધતાં લગ્નસરામાં સુરતના કાપડ વેપારને પાંચ હજાર કરોડની અસર

સુરત: (Surat) ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કોરોનાના કેસો લગ્નસરાની સીઝન (Marriage Season) સમયે જ તેજીથી વધતા સુરતના કાપડ માર્કેટના વેપારને મોટી અસર થશે. કાપડના વેપારીઓએ કરોડોનો વેપાર ગુમાવવાની નોબત આવે તેમ છે. 5 એપ્રિલથી 15 મે સુધીની રમઝાન, લગ્નસરા, અખાત્રીજ અને સ્કૂલ યુનિફોર્મની સિઝનનો દર વર્ષે 5 હજાર કરોડનો વેપાર સુરતના કાપડ માર્કેટને (Textile Market) મળે છે. તેનાથી હાથ ધોવાનો વારો આવ્યો છે. કોરોનાની બીજી લહેર દેશભરમાં કાતિલ રીતે ફેલાઇ રહી છે. મહારાષ્ટ્ર, દિલ્હી, યુપી, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં મોટી સંખ્યામાં કેસો આવી રહ્યા છે, દિલ્હીમાં સાત દિવસનું લોકડાઉન લાગ્યું તો મહારાષ્ટ્રમાં અનેક પ્રતિબંધો મુકવામાં આવ્યા છે. યુપીમાં મોટા શહેરોમાં કોરોનાની હાલત ગંભીર બની છે અને લોકડાઉન જેવી પરિસ્થિત બની છે. મધ્યપ્રદેશની પણ એવી જ સ્થિતિ છે. દરમિયાન સુરતમાં કોરોનાના કેસ વધી રહ્યાં હોય અનેક નિયંત્રણોના પગલે વેપાર કરવું મુશ્કેલ બન્યું છે. અન્ય રાજ્યોમાં પણ કોરોનાને લીધે લોકો ખરીદી કરવા બજાર જવાનું ટાળી રહ્યા છે. જેને લીધે રિટેલ બજાર પણ ઠંડુ છે.

800 કરોડ રૂપિયાનો માલ ટ્રાન્સપોર્ટ-વેપારીની દુકાનોમાં છે
ફોસ્ટાના ડિરેક્ટર રંગનાથ શારડાએ જણાવ્યું હતું તે ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કોરોનાને લીધે વેપારીઓને લગ્નસરા, રમઝાન અને સ્કૂલ યુનિફોર્મનો વેપાર ગુમાવવો પડશે. 5 એપ્રિલથી 15 મે સવા મહિનો વેપારની સિઝન હોય છે. આ સમયગાળામાં રમઝાન, લગ્નસરા, અખાત્રીજ અને સ્કૂલ યુનિફોર્મની સિઝન હોય છે. તે માટે સુરતમાં બે મહિના પહેલાં કપડાનું ઉત્પાદન થતું હોય છે અને વેપારીઓ દ્વારા એક-સવા મહિના પહેલાં માલ પરપ્રાંતિય બજારોમાં મોકલી દેવાતા હોય છે. માર્ચ અંતથી એપ્રિલના પહેલા અઠવાડિયામાં પાર્સલ મોકલવા આવે છે. જે હાલ ખુબ ધીમી ગતિએ ચાલુ છે. 800 કરોડ રૂપિયાનો માલ ટ્રાન્સપોર્ટ અને વેપારીની દુકાનોમાં જ પડ્યો છે. વળી જે માલ પરપ્રાંતિય વેપારીઓ પાસે પહોંચી ગયો છે, તેમાંથી પણ કેટલો વેચાય તેનો અંદાજ હાલ મુકી શકાય નહીં.

કામદારોને હિજરત નહીં કરવા ઉદ્યોગકારોની સતત અપીલ
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી કામદારો વાપી, વલસાડમાંથી પલાયન કરી રહ્યાં છે. સુરતમાં મિલ, વણાટ એકમો અને કાપડ માર્કેટમાં મજૂરી કરતા કામદારો તેમજ હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારો કોરોનાને લીધે લોકડાઉન લાગશે. તેવા ભયથી બસ અન ટ્રેન અથવા પોતપોતાની વ્યવસ્થા પ્રમાણે વતન જઇ રહ્યા છે. ઉદ્યોગકારો દ્વારા કારીગરોને સોશિયલ મીડિયાના માધ્યમથી સમજાવવાનું શરૂ કરાયું છે. સુરતમાં સારી સારવાર મળી રહેશે. વેક્સિન પણ 1મેં બાદ ઉપલ્બ્ધ થશે. વળી, મોટી સંખ્યામાં હિજરત કરવાથી રસ્તામાં તથા વતનમાં કોરોનાનો ચેપ લાગવાનો ડર રહેલો છે. આ સાથે વતન રહેતા પરિવારજનોનું જીવન પણ જોખમમાં મુકાઈ શકે છે તેવી સમજાવટ કરી કારીગરોને સુરતમાં જ રોકી રાખવામાં આવી રહ્યાં છે. જોકે રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશન પર લોકોની ભીડ જોઇએ તેઓ રોકાવાના મુડમાં હોય તેવું જણાતું નથી.

Most Popular

To Top