સુરત: (Surat) હોળી (Holi) અને રમજાનઇદના (Ramzan) પર્વ ઉપરાંત આગામી લગ્નસરાની સીઝનની ખરીદી ચાલી રહી છે. એવા સમયે શનિવારે અને રવિવારે કાપડ માર્કેટ (Textile Market) બંધ રાખવાનો નિર્ણય લેવાતા શુક્રવારે રાતથીજ કાપડ માર્કેટોના પાર્કિંગ અને પેસેજમાં કાપડના પાર્સલોનો ઢગલો થયો હતો. ટ્રાન્સપોર્ટર માલ લેવા માટે માર્કેટમાં આવ્યા હતા. પરંતુ કાપડના પોટલા અને પાર્સલ ઉચકતા 20000થી વધુ કામદારો માર્કેટમાં નહીં આવતા 70 હજારથી 1 લાખ જેટલા પાર્સલોનો ઢગલો થયો હતો. એક અંદાજ પ્રમાણે 250 કરોડના કાપડના પાર્સલ હવે સોમવારે સવારેજ રવાના થઇ શકશે.
સુરતના અઠવા અને રાંદેર ઝોનમાં કોરોના સંક્રમણ વધ્યુ છે. કાપડ માર્કેટના મોટાભાગના વેપારીઓ આ બે ઝોનમાં વસવાટ કરે છે. પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા માર્કેટમાં કોવિડ-19ના રેપિડ ટેસ્ટ લેવામાં આવતા વેપારીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. તેને લીધે 10થી વધુ માર્કેટની દુકાનો સીલ કરવી પડી હતી. આજે પાર્સલો લેવા માટે ટ્રાન્સપોર્ટરના 400 જેટલા ટ્રક અને ટેમ્પો માર્કેટમાં આવ્યા હતા. પરંતુ કામદારોન અભાવે બહારગામ અને સ્થાનિક મિલોમાં કાપડની ડિલિવરી થઇ શકી નહતી.
ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલે જણાવ્યું હતુ કે શુક્રવારે રાતથીજ માર્કેટ પરિસરમાં પાર્સલો મુકવામાં આવ્યા હતા. તે ઉઠાવવા માટે આજે લેબર આવ્યા નહતા. શુક્રવારે જે પાર્સલો મુકવામા આવ્યા હતા. સવારે તે પૈકીના 10 ટકાની ડિલિવરી બહારગામ મોકલવામાં આવી હતી. ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સંજય પાટિલે જણાવ્યાં મુજબ તહેવારોની સીઝનમાં રોજની 400 જેટલી ટ્રકો મુંબઇ,દિલ્લી, પંજાબ,હરિયાણા,કોલકાતા, ચેન્નાઇ, યુપી, બિહાર જતી હોય છે. માર્કેટ બંધને લીધે કામદારો નહીં આવતા બે દિવસ ડિલિવરીને અસર થશે. જેને લીધે સોમવારે પાર્સલના ડિસ્પેચિંગ અને ડિલિવરી માટે માલનો ભરાવો થશે. એક અંદાજ પ્રમાણે એક ટ્રકમાં સરેરાશ 40થી 60 લાખના પાર્સલની ડિલિવરી થતી હોય છે.
કાપડ માર્કેટમાં ઓન સ્ટ્રીટ પે એન્ડ પાર્કના નામે ટેમ્પોચાલકો પાસે પાર્કિંગ ચાર્જ વસૂલાતાં વિરોધ
સુરત: રિંગ રોડની ટ્રાફિક સમસ્યાનો ઉકેલ માટે સુરત મનપા દ્વારા શહેર ટ્રાફિક પોલીસ સાથે મળી પીળા પટ્ટા દોરી પાર્કિંગની જગ્યા ઊભી કરવામાં આવી હતી. જ્યાં માલની હેરફેર કરતાં ટેમ્પોચાલકો પાસે અત્યાર સુધી કોઇ ચાર્જ વસૂલવામાં આવતો ન હતો. પરંતુ હવે ઓન સ્ટ્રીટ પે એન્ડ પાર્કનાં બેનરો લગાવી પાલિકા દ્વારા પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવતાં માર્કેટના ત્રણેય ટેમ્પો એસોસિયેશને વિરોધ નોંધાવ્યો છે.
સુરત જિલ્લા ટેક્સટાઇલ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયન, ટેમ્પોમાલિક ડ્રાઇવર વેલફેર એસોસિયેશન અને ગ્રે ફિનિશ્ડ ડિલિવરી કોન્ટ્રાક્ટર વેલફેર એસોસિયેશનના અગ્રણીઓ ઉમાશંકર મિશ્રા, શ્રવણસિંહ ઠાકુર, સંજય પાટીલ અને શાન ખાને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રોડની બંને સાઇડ દોરવામાં આવેલા પીળા પટ્ટાની અંદર ઊભા રહેતા ટેમ્પોચાલકો પાસેથી પાર્કિંગ ચાર્જ નહીં લેવા માંગ કરી છે. જો કે, પાલિકાએ આ ચાર્જ માટે ખાનગી પાર્ટીઓને ઇજારો સોંપી દીધો છે. તે જોતાં ટેમ્પોચાલકોએ ચાર્જ રદ નહીં થાય તો હડતાળ પાડવાની ચીમકી આપી છે.