રાજ્ય સરકાર દ્વારા મિની લોકડાઉનની (Lock Down) મર્યાદામાં વધારો કરાયો છે. જેને લઇને સુરત ફેડરેશન ઓફ ટેક્સટાઈલ એસોસિએશન (Fosta) દ્વારા કેટલાક મહત્વના મુદ્દે પોલીસ કમિશનર સાથે બેઠક કરી હતી. જેમાં એસોસિએશનના હોદ્દેદારો દ્વારા મિની લોકડાઉન દરમિયાન ઉદ્યોગ માટે થોડી છૂટછાટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જોકે ટેક્સટાઇલ (Textile) એસોસિએશન દ્વારા કરવામાં આવેલી માંગણીને પોલીસ કમિશનરે ફગાવી દીધી છે. ફેડરેશન ઓફ ટેક્સટાઈલ એસોસિએશને આ મામલે સહયોગ આપવાની બાંહેધરી આપી છે. ત્યારે હવે હાલની પરિસ્થિતિને જોતા સુરતના કાપડ ઉદ્યોગને વધુ નુકસાન વેઠવું પડે તેવું લાગી રહ્યું છે. સુરત (Surat) ફેડરેશન ઓફ ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના કહેવા પ્રમાણે કોરોનાકાળમાં અત્યાર સુધીમાં કાપડ ઉદ્યોગને 12થી 15 હજાર કરોડ જેટલું નુકસાન થયું છે. મિની લોકડાઉન દરમ્યાન અંદાજે 6 હજાર કરોડનું નુકસાન સમગ્ર કાપડ ઉદ્યોગને થઈ રહ્યું છે.
28મી માર્ચથી રાજ્યમાં મિનિ લોકડાઉનની સ્થિતિ પ્રવર્તી રહી છે. તે દિવસથી જ શહેરની 165 કાપડ માર્કેટની 75 હજાર દુકાન બંધ છે. બીજી તરફ દક્ષિણમાં કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઉત્તરમાં યુપી, બિહાર, દિલ્હી આ તરફ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત દેશભરનાં મુખ્ય બજારોમાં લોકડાઉન છે. ક્યાંક 18 તો ક્યાંક 24 મે સુધી લોકડાઉન છે. જેના લીધે સુરતમાંથી રવાના થયેલું ફિનિશ્ડ કપડું છેલ્લાં 20 દિવસથી ટ્રાન્સપોટર્સના ગોડાઉનમાં પડ્યું છે. વેપારીઓ માલની ડિલિવરી પણ લઈ રહ્યાં નથી. અંદાજે 6 હજાર કરોડનું નુકસાન સમગ્ર કાપડ ઉદ્યોગને થઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં કાપડ માર્કેટની દુકાનો ખોલવાથી વેપારીઓને નવા ઓર્ડર મળે કે જૂનો સ્ટોક ક્લિયર થાય અને પેમેન્ટ આવે તેવી હાલ કોઈ શક્યતા દેખાતી નથી. તેથી વેપારીઓ હજુ સુધી દુકાનો ખોલવાના મૂડમાં જણાતા નથી. ત્યારે ફરી એકવાર રાજ્ય સરકારે મિનિ લોકડાઉન 18 મે સુધી લંબાવ્યું હોવાથી હવે શું કરવું તે પ્રશ્ન ઊભો થયો છે.
આ તરફ વિવર્સ, પ્રોસેસર્સ આર્થિક સંકટમાં મુકાયા છે. નવા જોબવર્ક નહીં મળવા સાથે જૂનાં પેમેન્ટ પણ આવી રહ્યાં નહીં હોવાથી ઉત્પાદકો વેળાસર કાપડ માર્કેટ ખૂલી જાય એ માટે પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ સરકારી નિયમો સામે મજબૂર છે. ફોસ્ટાના પ્રવક્તા રંગનાથ શારડાએ કહ્યું કે, સમગ્ર દેશનાં બજારો ખૂલે તો જ કાપડના વેપારીઓને ફાયદો છે, અન્યથા દુકાન ખોલી સંક્રમણને ઉત્તેજન આપવાની જ સ્થિતિ ઊભી થશે. એસજીટીટીએ (સાઉથ ગુજરાત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશન) દ્વારા વર્ચ્યુઅલ મીટિંગનું આયોજન કરાયું હતું. તેમાં મોટા ભાગના વેપારીઓએ કાપડ માર્કેટ બંધ રાખવાના જ પક્ષમાં મત વ્યક્ત કર્યો હતો. એસોસિએશનના પ્રમુખ સાંવરપ્રસાદ બુધિયાએ કહ્યું કે, દેશનાં મોટા ભાગનાં બજાર બંધ હોવાથી માર્કેટ ખોલવાનો કોઈ લાભ નથી.