સુરત: (Surat) રાજ્યના ગૃહ મંત્રાલયના (Gujarat Home Minsitry) અશાંત ધારાને (Ashant Dhara) લગતા એક પરિપત્રને લીધે જૂના સુરતના રિંગ રોડની બંને તરફ કાપડ માર્કેટ (Textile Market) વિસ્તારમાં ભાડાની દુકાનો (Rented Shop) રાખવી મુશ્કેલ બની છે. સુરતની 165 કાપડ માર્કેટમાં આવેલી 70,000 દુકાન પૈકી 90 ટકા ભાડાની દુકાનોમાં કાપડનો વેપાર 11 મહિનાના લિવ લાઇસન્સી ધોરણે ચાલે છે. અશાંતધારાની નવી જોગવાઈને લીધે એક જ સમાજ અને ધર્મના લોકો પણ ભાડાની દુકાન રાખી શકતા નથી.
- ગૃહમંત્રાલયના પરિપત્રના લીધે કાપડ માર્કેટ વિસ્તારોમાં ભાડાની દુકાનો રાખવી મુશ્કેલ બની
- સુરત મર્કન્ટાઈલ એસોસિએશને કલેક્ટરને આવેદનપત્ર આપી માર્કેટ વિસ્તારને અશાંતધારાની જોગવાઈથી મુક્ત રાખવા માંગ કરી
સુરત મર્કન્ટાઈલ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સાબુના નેતૃત્વમાં વેપારીઓના પ્રતિનિધિમંડળે સુરતના કલેક્ટર આયુષ ઓકની મુલાકાત લઈ આપેલા આવેદનપત્રમાં કાપડ માર્કેટ વિસ્તારને અશાંતધારાની જોગવાઈથી બહાર રાખવા માંગ કરી છે
એસએમએના વડા નરેન્દ્ર સાબુએ જણાવ્યું હતું કે, કોમર્શિયલ પ્રોપર્ટીમાં કોઈપણ રીતે અશાંતધારાનો ભંગ થતો નથી. તે ફક્ત રહેણાક મિલકત સુધી મર્યાદિત હોવી જોઈએ. વેપારી વર્ગનો કોઈ ધર્મ હોતો નથી. વેપારી સવારે 9 વાગે આવે છે અને રાત્રે 9 વાગે વેપાર કરી નીકળી જાય છે. આમાં કોઈ ધાર્મિક બળજબરી ઊભી થતી નથી. લિવ લાઇસન્સી એગ્રીમેન્ટમાં દર 11 મહિને નવો એગ્રીમેન્ટ કરવો પડે છે. એમાં પોલીસની એનઓસી અને કલેક્ટર વિભાગની મંજૂરી લેવામાં લાંબો સમય જશે. કાપડ માર્કેટ વિસ્તારમાં કોઈ વિવાદ અત્યાર સુધી સામે આવ્યો નથી. નવી જોગવાઇથી વેપારને નુકસાન થશે. કલેક્ટરે પ્રતિનિધિમંડળને જણાવ્યું હતું કે, પરિપત્ર રાજ્યના ગૃહ વિભાગનો છે. તેમ છતાં વેપારીઓની લાગણી સરકાર સમક્ષ મોકલવામાં આવશે.
સુરત મર્કન્ટાઈલ એસોસિએશને આ માંગણીઓ કરી
- વેપારના વિસ્તરણમાં અશાંતધારો વ્યાજબી નથી. કારણ કે, વેપારીનો કોઈ ધર્મ હોતો નથી, દરેક ધર્મના વ્યક્તિ વેપાર કરે છે અને કાપડના વેપાર વિસ્તરણમાં 11 મહિનાના ભાડા કરારો હોય છે, પરંતુ તેમાં પણ અશાંતધારો લાગુ પડે છે. તેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં ઘણો સમય લાગે છે
- રહેણાક વિસ્તારોમાં જો વિવિધ ધર્મના લોકો મિલકત ખરીદી અને વેચાણ કરે છે, ભાડા કરાર કરે છે ત્યાં આ જોગવાઈ યોગ્ય ગણાવી શકાય
- સુરતમાં 90 % કાપડની દુકાનો ભાડા પર ચાલે છે અને તેમાં બધા મધ્યમ વર્ગના વેપારીઓ છે. જેમનું વાર્ષિક ટર્ન ઓવર ઘણું ઓછું છે. GST નંબર મેળવવા માટે તેમણે ભાડા કરાર માટે નોટરી પણ કરાવવી પડે છે, જેની પરવાનગી મેળવવામાં ઘણો સમય લાગે છે. નોટરી હવે ભાડા કરારની નોંધણી કરતા નથી.
વેપારીઓનું કહેવું છે કે, લિવ લાઇસન્સ, લીઝ ડીડ, ગિફ્ટ-બક્ષિસ એગ્રીમેન્ટમાં પણ અશાંતધારો લાગુ કરી દેવામાં આવ્યો છે, જેમાં એક જ ધર્મની બે વ્યક્તિને પણ દુકાન રાખવામાં મુશ્કેલીઓ નડી રહી છે. કોઈ મિલકતમાં બે અલગ-અલગ ધર્મના લોકો વચ્ચેની લેવડદેવડમાં અશાંતધારો લાગી શકે. પણ એક જ પરિવારના સંબંધોમાં જેમ કે (મા અને પુત્ર) જો પોતાની કોઈ મિલકતમાં કોઈ વ્યવહાર અથવા ભેટ કરે તો પણ અશાંતધારાની મંજૂરી લેવાની જોગવાઈ વધારે પડતી છે. કલેક્ટરને નરેન્દ્ર સાબુ, આત્મારામ બજારી, સુરેન્દ્ર અગ્રવાલ, અશોક બજારી અને કેવલ અસીજાએ રજૂઆત કરી હતી.