Business

સુરતમાં કોરોના બીજી લહેર સમાપ્તિ છતાં ટેક્સ્ટાઇલ માર્કેટમાં માત્ર 70 ટકા સુધીનું પ્રોડક્શન

સુરત: કોરોના (Corona)નો કપરોકાળ શરૂ થયો ત્યારથી જ સુરત (Surat)ના વેપારીઓ માટે જાણે કપરાં દિવસો આવી ગયા છે જે હજી પણ યથાવત છે. કોરોનાની બીજી લહેર (second wave) પછી પણ માર્કેટ (textile market) તો ખૂલી ગઇ પરંતુ એક્સપોર્ટ અટકી જવાના કારણે વેપારીઓએ મોટા નુકસાન (big loss)નો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન નવરાત્રી અને દિવાળી આડે હવે માંડ 2 મહિના જ બાકી રહ્યાં છે ત્યારે સુરતના ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ તેમના પ્રોડક્શન ક્ષમતા કરતાં 70 ટકા સુધીનું પ્રોડક્શન કરી રહ્યાં છે.

કોરનાની બીજી લહેર બાદ હવે ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓને હવે તહેવારોની સિઝન શરૂ થતાં ડિમાન્ડ વધે તે માટે નવી આશા દેખાઈ રહી છે. દિવાળીના તહેવારો માટે ટેક્સટાઈલ માર્કેટની પ્રોડક્ટોની વધારે ડિમાન્ડ હોય છે. ત્યારે ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ દ્વારા નવરાત્રી અને દિવાળીના તહેવારોની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં વેપારીઓ દ્વારા કુર્તિ, લહેંગા, સાડી અને ડ્રેસ મટીરીયલ્સ બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ વેપારીઓને કોરોનાની ત્રીજી લહેરોનો ડર હોવાથી જરૂર પુરતું જ પ્રોડક્શન કરી રહ્યા છે. ઓવર પ્રોડક્શનથી વેપારીઓ બચી રહ્યા છે અને ખાસ કરીને જે વેપારીઓને ઓર્ડર મળી રહ્યા છે પ્રમાણે માલ તૈયાર કરીને સુરત બહારના વેપારીઓને મોકલી રહ્યા છે.

ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ કહે છે કે, ‘શહેરના વેપારીઓ દ્વારા હવે તહેવારોની તૈયારીઓ શરૂ કરી દિધી છે. પરંતુ વેપારીઓ વધારે પ્રોડક્શન કરી રહ્યા નથી. હાલ વેપારીઓ દ્વારા નવરાત્રી અને દિવાળી માટે પ્રોડક્શન શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલ વેપારીઓ 70 ટકા સુધી પ્રોડક્શન કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર ગુજરાતમાં પૂર્ણ થઇ ગઇ છે પરંતુ સાઉથના રાજ્યમાં લોકડાઉનની સ્થિત યથાવત રહેતાં ત્યાંના બજારો બંધ હતા જેના કારણે પણ સુરતના વેપારીઓને વેપારમાં મોટો ફટકો પડ્યો હતો. હવે આગામી દિવસોમાં સારો વેપાર મળે તેવી આશા વેપારીઓ રાખી રહ્યાં છે.

Most Popular

To Top