સુરત: સુરતમાં (Surat) કાપડ ઉદ્યોગનો (Textile Industries) જેમ જેમ વિકાસ થઇ રહ્યો છે તેમ તેમ વેપારમાં પેમેન્ટ અને વેપારધારાને લઇ અનેક સમસ્યાઓ ઉભી થઇ છે. ચોક્કસ લેભાગુ ટોળકીઓ માર્કેટમાં બેસીને અથવા બહારગામથી ઓર્ડર આપી સુરતના કાપડના વેપારીઓ (Traders) સાથે કરોડોની ઠગાઇ કરી રહ્યા છે. તેની સામે બાથ ભીડવા માટે સુરત મર્કન્ટાઇલ એસો. દ્વારા પ્રત્યેક અઠવાડિયે રવિવારે ભોગ બનેલા વેપારીઓ માટે લોક દરબાર યોજી કાનૂની નિષ્ણાંતોની મદદથી વેપારીઓના ફસાયેલા નાણા પરત અપાવવા પ્રયાસ કરવામાં આવ્યા છે. છેલ્લા 40 રવિવાર દરમિયાન એમએમએને 5668 ફરિયાદો મળી હતી જેમાં વેપારીઓની 1200 કરોડની મૂડી ફસાઇ હતી.
મોટા ભાગે બોગસ વેપારીઓ દ્વારા સુરતના નવા અને અનુભવી બંને પ્રકારના વેપારીઓને છેતરવામાં આવ્યા હતા. સુરત મર્કન્ટાઇલ એસો.ના પ્રમુખ નરેન્દ્ર સાબુએ જણાવ્યું હતું કે સુરતના વેપારીઓએ જેમને માલ આપ્યો હતો તેમાં મોટા ભાગના જેન્યુઇન કાપડના વિપારીઓ જ નહોતા. એક પ્રકારે તેઓ ઠગ ટોળકીના સભ્યો હતા. જે ચોક્કસ મોડસ ઓપરેન્ડીથી સુરતના વેપારીઓને છેતરતા આવ્યા છે. આજે રવિવારે યોજાયેલા લોક દરબારમાં પણ 235 ફરિયાદો મળી હતી. જેમાં 23 ફરિયાદોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો છે.
છેતરાયેલા એક વેપારીમાં મહિલા ઉદ્યોગ સાહસિકનો પણ સમાવેશ થાય છે. જેમનું ગયા વર્ષે ફસાયેલુ 4 લાખનું પેમેન્ટ આજે છૂટુ કરવામાં આવ્યું હતું. એવી જ રીતે સુરતની એક પાર્ટીનું પૂનાના વેપારીએ 7 લાખનું પેમેન્ટ બે વર્ષથી દબાવી રાખ્યુ હતું તે હવે દિવાળી પહેલા ચુકવવાની ખાતરી આપવામાં આવી છે. એસએમએ એપ અને વેબસાઇટ બનાવી સુરતમાં સ્થાનિક લેવલે અને બહારગામમાં જે વેપારીઓ પેમેન્ટ દબાવી રાખવા માટે કુખ્યાત છે અને જે વેપારીઓ વાસ્તવમાં ઠગ છે તેની યાદી વેપારીઓની જાણ માટે મુકવામાં આવી છે. તે પછી ઠગાઇના બનાવો ઓછા થયા છે.
માત્ર વેપારી નહીં પરંતુ કેટલાક એજન્ટોની પણ ચીટર ટોળકી બની છે તેનો પણ પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે. સાબુએ વધુમાં જણાવ્યું હતું કે વેપારીઓને સમજાવવામાં આવે છે કે જેમની પણ સાથે વેપાર કરો પછી ભલે તે વેપારી હોય કે એજન્ટ તેનો આધારકાર્ડ પાનકાર્ડ મેળવી લેવો જોઇએ અને આવા લોકો સાથે કાચામાં કોઇપણ પ્રકારનો વ્યવહાર કરવો ન જોઇએ. જે એજન્ટો ખરેખરનો વેપાર કરે છે તેમને પણ વિનંતી કરાઇ છે કે થોડા ટકા કમિશન માટે વેપારીઓની મૂડી ફસાવવામાં ન આવે.