SURAT

કાપડ ઉદ્યોગમાં ચાઇના ઇફેક્ટના નામે કલર, કેમિકલ, ડાઇઝના મેન્યુફેક્ચર્સ ધૂમ નફો રળવાની દિશામાં

સુરત: (Surat) 2021ની દિવાળીની સિઝન (Diwali Season) કાપડ ઉદ્યોગ (Textile Industries) માટે પૂર્ણ થવાને આરે છે. ત્યારે કલર, કેમિકલ અને ડાઇઝ બનાવતી કંપનીઓએ કાપડ ઉદ્યોગની તેજીમાં હાથ ધોઇ નાંખવા ફરી એકવાર રો-મટિરિયલના ભાવમાં 7થી 12 ટકાનો વધારો ઝીંક્યો છે. મંગળવારે ફરી ડાઇંગ, પ્રિન્ટિંગ અને પ્રોસેસિંગ એકમો માટે રો-મટિરિયલ બનાવનાર ડાઇઝ કેમિકલ કંપનીઓએ સરેરાશ 7થી 12 ટકાનો વધારો લાગુ કર્યો છે. સુરત રિજયનની 350 ડાઇંગ પ્રિન્ટિંગ અને પ્રોસેસિંગ મિલોને નવા ભાવવધારાના મેસેજ મોકલવામાં આવ્યા છે.

  • ચાઇના ઇફેક્ટના નામે કલર, કેમિકલ અને ડાઇઝના મેન્યુફેક્ચર્સ ધૂમ નફો રળવાની દિશામાં
  • છેલ્લા એક વર્ષમાં ડાઇંગ, પ્રિન્ટિંગ અને પ્રોસેસિંગનાં રો-મટિરિયલમાં 50થી 70 ટકાનો વધારો નોંધાયો

સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જિતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે, ડાઇઝ કલર અને કેમિકલના ભાવમાં 1 નવેમ્બરથી લાગુ થાય એ પ્રકારે રો-મટિરિયલની નવી ડિલિવરી પર પ્રોડક્ટ પ્રમાણે 7થી 12 ટકા ભાવ વધ્યા છે. તેના લીધે કાપડની ઇનપુટ કોસ્ટ અને જોબચાર્જ ફરી વધી શકે છે. કંપનીઓ તરફથી એવા સંકેત મળ્યા છે કે, દિવાળી વેકેશન પછી મિલો ખૂલશે ત્યારે પણ 12થી 15 ટકાનો બીજો વધારો આવી શકે છે. કંપનીઓ દ્વારા ચાઇનામાં કાચું રો-મટિરિયલ બનાવનાર કંપનીઓ પર્યાવરણનાં કારણોસર શટડાઉન થતાં કલર, કેમિકલ અને ડાઇઝના ભાવ વધ્યા છે.

એસજીટીપીએ દ્વારા રો-મટિરિયલના સતત વધી રહેલા ભાવવધારાને જોતાં 15 નવેમ્બરે ફરી રિવ્યુ બેઠક બોલાવવાનું નક્કી કર્યું છે તેને લગતી જાહેરાત અગાઉ કરી દેવામાં આવી છે. દિવાળી સિઝન પહેલાં જાન્યુઆરીથી અત્યાર સુધી પ્રોસેસર્સ દ્વારા જોબચાર્જમાં 3 વાર 10-10 ટકા જોબચાર્જ વધારી 30 ટકા સુધી ચાર્જ વધારવામાં આવ્યા છે. દિવાળી વેકેશન પછી જો બીજીવાર 7થી 12 ટકાનો વધારો આવશે તો જોબચાર્જ ફરી 10થી 20 ટકા વધી શકે છે. આ મામલે વર્ષો જૂના વેપારીઓ સમક્ષ રો-મટિરિયલના ભાવવધારાનાં બિલો રજૂ કરી બધાની સહમતીથી નિર્ણય લેવાશે.

  • છેલ્લા એક વર્ષમાં ડાઇઝ, કલર અને કેમિકલના ભાવમાં 50થી 70 ટકાનો વધારો
  • પ્રોડક્ટ વધારો (ટકામાં)
  • ડાઇઝ 50
  • કલર 50
  • કેમિકલ 60થી 70

Most Popular

To Top