સુરત: (Surat) ચાઈના ક્રાઈસિસની અસર સુરતના ડાઈંગ પ્રોસેસિંગ એકમોમાં (Dyeing processing units) ઉપયોગમાં લેવાતાં રો-મટિરિયલ પર પડી છે. કોલસા અને કેમિકલ સહિતના મહત્વના રો-મટિરિયલના ભાવ અનેક ગણા વધી ગયા છે. તેને લઈને પ્રોસેસર્સને મિલો ચાલુ રાખવા બે વાર 20 – 20% નો જોબ ચાર્જ વધારો કરવો પડયો છે. રો-મટિરિયલની અછત જોતાં ડિલરો દ્વારા એડવાન્સ પેમેન્ટની સિસ્ટમ લાગું કરાતાં ક્રેડિટ બેઈઝ પર ચાલતી 20% થી વધુ મિલો સંકટમાં મૂકાઇ છે. ઉદ્યોગની સ્થિતિ સામી દિવાળીએ ખરાબ છે ત્યાં ડોમેસ્ટિક ડાઈઝ એન્ડ કેમિકલના સાત જેટલા ઉત્પાદકોએ સિન્ડિકેટ બનાવી ચીન અને વિયેતનામથી ઈમ્પોર્ટ થતાં રેંગોલાઈટ અને સેફોલાઈટ જેવા પ્રોસેસિંગ કેમિકલ પર એન્ટી ડમ્પિંગ ડયુટી (Anti dumping duty) લાગુ કરવા માટે ઓથોરિટી સમક્ષ પિટિશન ફાઈલ કરતાં ઓથોરિટીએ યુઝર્સ અને પ્રોસેસર્સ સંગઠનોને વિશ્વાસમાં લીધા વિના એક તરફી ભલામણ નાણાં મંત્રાલયને મોકલતા મિલ માલિકોમાં ફફડાટ ફેલાયો છે.
સાઉથ ગુજરાત ટેકસટાઈલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે, રેંગોલાઈટ અને સેફો લાઈટ સહિતના કેમિકલ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીમાં કિ-રો-મટિરિયલ ગણાય છે. તેના પર એન્ટી ડમ્પિંગ ડયુટી લાગુ થશે તો ડોમેસ્ટિક માર્કેટમાં રો-મટિરિયલના ભાવો અત્યારે ત્રણ થી ચાર ગણા વધી ગયા છે. તેમાં કાર્ટેલ થી હજી વધારો થશે આ મામલે કેન્દ્રના નાણાં મંત્રીને રજુઆત કરતાં પહેલા સુરતના સાંસદો અને ટેકસટાઈલ રાજ્યમંત્રીને રજુઆત કરવામાં આવશે.
પ્રોસેસિંગના રો-મટિરિયલ ડોમેસ્ટિક લેવલે માત્ર 7 કંપનીઓ બનાવે છે. જ્યારે 15 ટકા સુધી કેમિકલ ચીન જેવા દેશોમાંથી ઈમ્પોર્ટ થાય છે. ચાઈના ક્રાઈસિસને લીધે ભાવો અત્યારે ખૂબ વધી ગયા છે. તેવી સ્થિતિમાં રો-મટિરિયલ પણ એટલું ઈમ્પોર્ટ થતું નથી કે એન્ટી ડમ્પિંગ ડયુટી લાગી શકે. નિયમ પ્રમાણે 20 ટકાથી વધુ રો-મટિરિયલ ઈમ્પોર્ટ થતું હોય તો જ એન્ટી ડમ્પિંગ ડયુટી લાગું થઈ શકે.
પ્રોસેસિંગ ઉદ્યોગમાં કોલસો, હાઈડ્રો, પોલિસોલ, એસિટિક એસિડ, સાઈટ્રિક એસિડ અને કોસ્ટિક સોડાના ભાવ 2 થી 5 ગણા વધી ગયા છે. તેને લીધે મિલોનું કોસ્ટિંગ ખૂબ ઊંચુ આવી ગયું છે. રો-મટિરિયલની સંગ્રહખોરી કરી કૃત્રિમ અછત ઉભી કરવામાં આવી છે. તેને તોડી પાડવા માટે કેટલાંક મિલ માલિકોએ આખો નવેમ્બર મહિનો મિલો બંધ રાખવા રજુઆત કરી છે.
રો-મટિરિયલનાં ભાવો સતત વધી રહ્યા હોવાથી 25% મિલોએ ગ્રે-કાપડની ડિલિવરી લેવાનું બંધ કર્યુ
સુરતમાં 350 માંથી 80 ટકા કાપડની મિલો જોબ વર્ક પર કામ કરે છે. કાપડના વેપારીઓ જે દિવસે મિલમાં ગ્રે-કાપડ પ્રોસેસ માટે મોકલાવે તે દિવસનો જોબ ચાર્જ લાગુ પડતો હોય છે. પરંતુ ચાઈના સંકટની સ્થિતિમાં રો-મટિરિયલના ભાવો સતત વધી રહ્યાં હોવાથી 25 ટકા મિલોએ ગ્રે-કાપડની ડિલિવરી લેવાનું બંધ કર્યુ છે. કારણકે તેમની પાસે ચાર થી પાંચ મહિના જેટલો સ્ટોક થઈ ગયો છે. બીજી તરફ 70 ટકા મિલમાલિકો અને માસ્ટરોએ ટ્રેડર્સને સ્પષ્ટ કર્યુ છે કે મિલમાંથી જે દિવસે કાપડની ડિલિવરી થશે તે દિવસમાં રો-મટિરિયલમાં ભાવ પ્રમાણે જોબ ચાર્જની વસુલાત થશે. મિલોએ જે વેપારી રો-મટિરિયલની વધઘટ પ્રમાણે જોબ ચાર્જ ચૂકવવા સહમતી આપે છે. તેમની પાસેથી જ ગ્રે-કાપડ સ્વીકારવાની રણનીતિ અપનાવી છે.
પાંચ મહિના અગાઉ 4000 રૂપિયા ટનના ભાવે વેચાતો કોલસો 14500 પર પહોંચ્યો
ચાઈના સંકટ અને દેશભરમાં અતિ ભારે વરસાદને લીધે કોલસાની ખાણોમાં ઉત્પાદન ઓછું થતાં કોલસાના ભાવો આસમાને પહોંચ્યા છે. પ્રોસેસર્સ અગ્રણીએ જણાવ્યું હતું કે પાંચ મહિના પહેલા એક ટન કોલસાનો ભાવ 4000 રૂપિયા હતો જે હવે 14500 થયો છે. માત્ર 4 દિવસમાં 1000 રૂા.નો વધારો નોંધાયો છે. હાઈડ્રોનો કિલો દિઠ ભાવ 70 રૂા. હતો જે હવે 220 રૂા. થયો છે. જ્યારે પાંચ મહિના પહેલા પોલિસોલનો ભાવ 50 રૂા. હતો જે વધીને 105 રૂા. થયો છે. એસિટિક એસિડનો ભાવ 45 રૂા. થી વધી 160 રૂા. અને સાઈટ્રિક એસિડનો ભાવ 45 રૂા. થી વધી 200 રૂા. થયો છે. છેલ્લાં 5 મહિનામાં કોસ્ટિક સોડાનો ભાવ બમણો થઈ ગયો છે. 1500 રૂા.માં મળતું કોસ્ટિક સોડા 3000 થી વધુ ભાવે મળી રહ્યું છે. મિલ માલિકોને આશા છે કે ચાલુ સપ્તાહમાં વરસાદ બંધ થઈ જતાં ગુજરાતની કોલસાની ખાણો ઉપરાંત બિહાર, ઝારખંડ અને ઓરિસ્સાની કોલસાની ખાણો ફરી શરૂ થતાં કોલસાના ભાવો થોડાંક ઘટશે.