SURAT

15 દિવસમાં નિકાલ નહીં આવે તો મેયર બંગલે રહેવા જઇશું: સુરતના આ ટેનામેન્ટવાસીયોની ચિમકી

સુરત: (Surat) સુરત મનપાના શાસકોના ભરોસે ટેનામેન્ટ (Tenement) રિ-ડેવલોપમેન્ટ સ્કીમ (Redevelopment Scheme) માટે સહમતિ આપીને રસ્તા પર આવી ગયેલા ગોતાલાવાડી ટેનામેન્ટના 1304 પરિવારોની હાલત કફોડી બની ગઇ છે. એક બાજુ ઇજારદાર અને મનપા વચ્ચે કોર્ટકેસ ચાલી રહ્યો છે. ત્યારે બીજી બાજુ આ અસરગ્રસ્તોને ભાડું પણ ચૂકવાતું નહી હોવાથી હવે અસરગ્રસ્તોને આર્થિક ભારણ પણ વધી રહ્યું છે. સોમવારે ગોતાલાવાડી ટેનામેન્ટની મહિલાઓ તેમજ આગેવાનોનો મોરચો વધુ એક વખત મનપા ખાતે રજુઆત કરવા આવ્યો હતો અને જો હવે 15 દિવસમાં આ મુદ્દે કોઇ નકકર ઉકેલ નહી આવે તો અસરગ્રસ્તો મેયર બંગલા પર રહેવા ચાલ્યા જશે તેવી ચિમકી પણ રહીશો (Resident) દ્વારા આપવામાં આવી છે.

  • 1304 પરિવારને રસ્તા પર લાવી દેનારા શાસકોની અનિર્ણાયકતા સામે ભારે રોષ સાથે મહિલાઓની મોરચા સાથે ઉગ્ર રજૂઆત
  • ઘણા પરિવારો તો કતારગામ ફલાય ઓવર બ્રિજ નીચે રહેવા મજબુર બની ગયા છે

મનપાના તમામ પદાધિકારીઓ તેમજ કમિ.ને રજૂઆત માટે આવેલી મહિલાઓએ જણાવ્યું હતું કે, ઘણા પરિવારો તો એવા છે, જે કતારગામ ફલાય ઓવર બ્રિજ નીચે રહેવા મજબૂર બની ગયા છે. સુરત મનપાના વિશ્વાસે આ સ્કીમમાં સહમતી આપી હતી પરંતુ હવે લોકોની ધીરજ ખૂટી રહી છે. સુરત મનપાના સ્લમ વિભાગ દ્વારા એવા પણ જવાબ આપવામાં આવે છે કે, ટેનામેન્ટવાસીઓ અને ઇજારદાર વચ્ચે કરારો થયા છે. તેમાં મનપાની કોઇ જવાબદારી નથી. જેના કારણે લોકોમાં રોષ અને અવિશ્વાસની લાગણી વધી રહી છે.

Most Popular

To Top