સુરત : બીઆરટીએસ બસના ડ્રાઇવરે બસમાં જ સવાર એક યુવતીની ઓઢણી ખેંચીને કહ્યું કે, આજે તો હું તારું મોંઢુ જોઇને જ રહીશ. છેડતી કરનાર ડ્રાઇવરની સામે કતારગામ પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ કતારગામ વિસ્તારમાં રહેતી એક યુવતી કોલેજમાં અભ્યાસ કરે છે. દરરોજ સવારે સાતથી સાડા સાત વાગ્યાના અરસામાં કોલેજ જવા માટે યુવતી બીઆરટીએસ બસનો ઉપયોગ કરે છે. દરમિયાન બીઆરટીએસ બસના ડ્રાઇવર કરણ કાતરોડીયા (રહે. ઓલપાડ)ની વિદ્યાર્થિની ઉપર દાનત બગાડી હતી. કરણ વારંવાર તેનો પીછો કરીને વિદ્યાર્થિની જ્યાં ઊભી રહેતી કે બેસતી હતી તે સીટની પાસે આવીને ઊભો રહી જતો હતો. બુધવારે સવારના સમયે વિદ્યાર્થિની બસમાં ચઢી ત્યારે કરણ પણ ચઢ્યો હતો અને વિદ્યાર્થિનીએ મોંઢા ઉપર બાંધેલી ઓઢણી ખેંચી નાંખી હતી, કરણે વિદ્યાર્થિનીને કહ્યું કે, ‘આજે તો હું તારુ મોંઢુ જોઇને જ રહીએ’. કરણે વિદ્યાર્થિનીની ઓઢણી ખેંચી નાંખતા વાતાવરણ ગરમાઇ ગયું હતું. લોકોએ કરણને પકડી પાડીને મેથીપાક પણ આપ્યો હતો. આ મામલે કતારગામ પોલીસને ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધીને કરણની ધરપકડ કરી હતી.
‘તું મારી સાથે કેમ બોલતા નથી..?’ કહીને મહિલાની છેડતી કરનાર રત્નકલાકાર પકડાયો
સુરત : સરથાણામાં મહિલાની છેડતી કરીને યુવકે ‘તું મારી સાથે કેમ બોલતી નથી’ કહી હાથ પકડી લીધો હતો. યુવકના ત્રાસથી મહિલાએ ઘર પણ બદલી નાંખ્યું હતું. તેમ છતાં યુવક હેરાન કરતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ પૂણાગામમાં દિપમાલા સોસાયટીમાં રહેતા વિપુલભાઇ મગુનભાઇ સેલડીયા હીરાના કારખાનામાં કામ કરે છે. બે વર્ષ પહેલા પૂણા વિસ્તારમાં જ રહેતી એક મહિલા સાથે તેને પ્રેમસંબંધ થયો હતો. વિપુલે મહિલાનો મોબાઇલ નંબર લઇને તેને મેસેજ કરીને ફોન કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ આ બાબતે મહિલાના પતિને જાણ થઇ હતી. બંને વચ્ચે ઝઘડો થયો હતો. મહિલાએ પોતાનું ઘર પણ બદલી નાંખ્યું હતું, તેમ છતાં પણ વિપુલ મહિલાનો પીછો કરતો હતો અને હેરાન કરતો હતો. વિપુલે મહિલાનો હાથ પકડીને કહ્યું કે, ‘તું કેમ મારી સાથે બોલતી નથી.’ આ બનાવ અંગે મહિલાએ પોતાના પતિને જાણ કરીને સરથાણા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.