સુરત: (Surat) સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે શનિવારે ફરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના (Department of Food and Drugs) માથે વિવાદનું ઠીકરું ફૂટ્યું છે. સુરત શહેર અને જિલ્લા માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘે આ વિભાગ સામે વિરોધનો સૂર વ્યક્ત કયો છે. સવારે નીકળ્યા બાદ આ શિક્ષકોને (Teachers) રાઉન્ડ ધી ક્લોક ડ્યૂટી કરવાની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી ફરમાન થતાં શિક્ષકો વિફર્યા છે. શિક્ષકોને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપે છે. જેને લઇને શિક્ષક આલમમાં ઊકળતો ચરૂ જેવી સ્ફોટક સ્થિતિ જોવા મળી છે.
સુરત શહેરમાં કોરોના સામે સરકારી પ્રશાસને ઘૂંટણીયાં ટેકવી દીધાં છે. શહેર અને જિલ્લામાં કોરોનાને લઇને બદ્દતર હાલાત છે. લોકોને દવા કે ઇન્જેક્શન નથી મળતાં તેની વચ્ચે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની વધુ એક દાદાગીરી સામે આવી છે. સુરત શહેર અને જિલ્લા માધ્યમિક તેમજ ઉચચ્તર માધ્યમિક શિક્ષક સંઘે વિરોધ સાથે જણાવ્યું હતું કે, ડીઇઓએ કલેક્ટરના નામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ડ્યૂટીના ઓડર કાઢ્યા છે. વિતેલા બે દિવસથી શિક્ષકો આ ઓર્ડરનો આદર કરી ડ્યૂટી ઉપર ગયા હતા. પરંતુ બે દિવસ સુધી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં આ શિક્ષકોને નવરાધૂપ બેસાડી રાખ્યા બાદ આજે ઓક્સિજન સપ્લાયરને કોલ કરવા સહિત ફેક્ટરી તપાસ માટે મોકલ્યા હતા. સવારથી અલગ અલગ શિક્ષકો સચિન જીઆઇડીસી, પલસાણા જીઆઇડીસી તેમજ હજીરા સહિત દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ જીઆઇડીસીમાં મોકલ્યા હતા. સવારે નીકળ્યા બાદ આ શિક્ષકોને રાઉન્ડ ધી ક્લોક ડ્યૂટી કરવાની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી ફરમાન થતાં શિક્ષકો વિફર્યા છે. શિક્ષકોને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપે છે. જેને લઇને શિક્ષક આલમમાં ઊકળતો ચરૂ જેવી સ્ફોટક સ્થિતિ જોવા મળી છે. આગામી સોમવારે શિક્ષક સંઘ આ મામલે ઉચ્ચ સ્તરે રજૂઆતો કરશે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સ્થાનિક બાબુઓ પાસે ફોન ઉપાડવાનો સમય નથી
સુરત શહેર અને જિલ્લામાં કોરોના લઇને સરકારી તંત્ર કામે લાગી ગયું છે. દિનબદિન બનતી અપડેટ માટે મીડિયા દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને કોલ કરાય છે. પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મદદનીશ કમિશનર આર.એમ.પટેલ સવાયા કલેક્ટર બની ગયા છે. તેઓ કોઇપણ વિગતો અંગે માહિતી આપતાં ફોન ઊંચકતા નથી. આજે પણ શિક્ષકોની ફરિયાદો અંગે તેમને ફોન કોલ કરાયો હતો. પરંતુ રાબેતા મુજબ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આ અધિકારી મહાશયે ફોનનો રીપ્લાય આપ્યો ન હતો.