SURAT

તો.. શહેરના 80 હજાર રહેણાંક અને 1.60 લાખ કોમર્શિયલ મિલકતના માલિકોને 40 કરોડની વેરામાં રાહત મળી શકે..

સુરત: (Surat) કોરોના અને ઉપરથી મોંઘવારીના સમયમાં સુરત મહાપાલિકાના (Corporation) ભાજપ (BJP) શાસકો ગરીબ અને નાના મિલકતદારોને હવે વધુને વધુ રાહત આપવા તરફ આગળ વધી રહી છે. હાલમાં જ સુરત મહાપાલિકાના સ્થાયી સમિતીના ચેરમેન પરેશ પટેલ દ્વારા સુરતના 15 ચો.મી. સુધી મિલકત ધરાવતા હોય તેવા મિલકતદારોને વેરામાંથી (Tax) રાહત આપ્યા બાદ હવે ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ સીઆર પાટીલે આજે મેયરને એક પત્ર લખી સુરતમાં 25 ચો.મી. સુધીની મિલકતોમાં પણ વેરા તેમજ યુઝર્સ ચાર્જમાં રાહત આપવા માટે ભલામણ કરી છે

ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મેયરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સુરત મહાપાલિકાની સ્થાયી સમિતી દ્વારા 15 ચો.મી. સુધીની મિલકતોને વેરામાંથી રાહત આપીને રૂપિયા 21.99 કરોડની રાહત આપવામાં આવી છે. જોકે,હજુ પણ અનેક એવા ગરીબ પરિવારો છે કે જેમને રાહતની જરૂરીયાત છે. જેથી 15થી 25 ચો.મી. ક્ષેત્રફળ ધરાવતી મિલકતોને પણ વેરા તેમજ યુઝર ચાર્જમાં 50 ટકાની રાહત આપવા તેમજ બિનરહેણાંક હોય તેવી મિલકતોમાં 25 ટકાની રાહત આપવા માટે મારી ભલામણ છે. સીઆર પાટીલ દ્વારા મેયરને લખવામાં આવેલા આ પત્રને પગલે હવે સુરતમાં આ મિલકતદારોને પણ વેરામાં મોટી રાહત મળવાની સંભાવના છે.

હાલમાં બજેટને સ્થાયી સમિતીમાં મંજૂરી આપી દેવામાં આવી છે પરંતુ સામાન્ય સભામાં બજેટ મંજૂરી માટે આવશે ત્યારે સીઆર પાટીલ દ્વારા કરવામાં આવેલી આ ભલામણને આધારે હવે સામાન્ય સભામાં સુધારો લાવવામાં આવે તેવી સંભાવના છે. સામાન્ય સભામાં આ સુધારો મંજૂર થયા બાદ આગામી વર્ષથી એટલે કે નાણાંકીય વર્ષ 2021-22માં આ તમામ મિલકતદારોને મોટી રાહત મળશે. અત્રે ઉલ્લખનીય છે કે 15 ચોરસ મીટર સુધીની મિલકતોમાં વેરા-યુઝર ચાર્જ માફ થતા 1,11,381 મિલકતદારોને લાભ થનાર છે. આ રાહતનો આંક 21.99 કરોડ થશે. જ્યારે આ નવી જોગવાઇથી શહેરની 25 ચોરસ મીટર સુધીની 80 હજાર રહેણાંક મિલકતો અને કોર્મસીયલ 1.60 લાખ મિલકતો મળીને કુલ 2.40 લાખ મિલકતોને 40 કરોડ જેટલી રાહત મળશે.

આમ આદમીનો ઉદય સુરતવાસીઓને તો ફળવા માંડયો

સુરત : સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 120 બેઠક જીતવાના અહંકારી સપનાને ચુર-ચુર કરીને 27 બેઠકો સાથે દિલ્હી મોડેલનું વચન આપી ચૂંટણી જીતી લાવેલા ‘આમ આદમી પાર્ટી’નો ભય સુરત ભાજપને એક એક પગલે લાગી રહ્યો હોય તેવી સ્પષ્ટ પ્રતિતિ થઇ રહી છે, સ્થાયી સમિતિએ બે દિવસ પહેલા મંજુર કરેલા બજેટ મુસદ્દામાં આમ આદમી પાર્ટીના મેનિફેસ્ટોનો અમલ કરતા હોય તેમ, ભાજપ શાસકોએ શહેરમાં 15 ચોરસ મીટર સુધીની રહેણાંક મિલકતોમા વેરો અને યુઝર ચાર્જ માફ કરી દેવાની જોગવાઇ કર્યા બાદ, હવે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ જોગવાઇને આવકારીને 25 ચોરસ મીટર સુધીની રહેણાંક મિલકતોમાં 50 ટકા અને કોર્મર્શીયલ મિલકતોમાં 25 ટકા વેરા-યુઝર ચાર્જ માફ કરવાની ભલામણ કરતો પત્ર સ્થાયી સમિત ચેરમેનને લખતા સુરતના અનેક ગરીબ મધ્યમવર્ગીય મિલકતદારોને પણ મોટી રાહત મળે તેવી સંભાવના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top