સુરત: (Surat) શહેરમાં આ વખતે ચોમાસાની (Monsoon) શરૂઆતથી જ ભરપુર વરસાદ (Rain) વરસ્યો છે. ચોમાસાની વિદાય પછી પણ વરસાદ વરસવાનું ચાલું રહેતા આજે ઉકાઈ ડેમમાં (Ukai Dam) 70 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાતા એટલું જ પાણી ડેમમાંથી છોડવાનું ચાલું રખાયું હતું. જ્યારે જિલ્લાના ચોર્યાસી તાલુકામાં સવારે બે કલાકમાં સવા ઇંચ વરસાદ નોંધાયો હતો.
- ચોમાસાના વિદાય પછી પણ વરસાદને પગલે ઉકાઈ ડેમમાં 70 હજાર ક્યુસેક આવક-જાવક
- ચોર્યાસી તાલુકામાં સવારે બે કલાકમાં સવા ઇંચ વરસાદ વરસ્યો
- ઉકાઈ ડેમની સપાટી 345.28 ફુટ નોંધાઈ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં વરસાદની કોઈ સિસ્ટમ નહીં હોવા છતાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડી પરથી લોપ્રેશર સિસ્ટમને કારણે ઉકાઈ ડેમના ઉપરવાસમાં તથા કેચમેન્ટમાં સામાન્ય વરસાદ યથાવત રહેતા આજે હથનુર ડેમમાંથી 42 હજાર અને પ્રકાશામાંથી 54 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. ઉકાઈ ડેમમાં 70 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જેની સામે ડેમમાંથી 70 હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલું રખાયું હતું. ઉકાઈ ડેમની સપાટી 345.28 ફુટ નોંધાઈ હતી.
શહેર અને જિલ્લાની વાત કરીએ તો આજે સવારે સૂર્યનો તડકો જોઈને શહેરીજનોએ હાશકારો લીધો હતો. પરંતુ બપોર થતા શહેરને કાળા વાદળો ઘેરી વળ્યા હતાં. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ વરસાદની કોઈ સિસ્ટમ નથી. પરંતુ મધ્યપ્રદેશ પાસેની સિસ્ટમ નબળી પડ્યા બાદ વાદળોનો સમુહ અરબ સાગરમાંથી આવતા કેટલાક વિસ્તારમાં છુટાછવાયા તો ક્યાયક ધોધમાર વરસાદ પડે છે. જેને કારણે આજે સવારે બે કલાકમાં જિલ્લાના ચોર્યાસી તાલુકામાં સવા ઇંચ અને કુલ દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉમરપાડામાં 5 મીમી અને ઓલપાડમાં 4 મીમી વરસાદ નોંધાયો હતો.
45 હજાર હેક્ટરમાં વાવેતર પાકને જીવતદાન મળ્યું
સુરત શહેર અને જિલ્લામાં ગત શુક્રવાર અને શનિવાર બે દિવસ મુશળધાર વરસાદ વરસતા ખેડૂતોનું ટેન્શન વધી ગયું હતું કે ખેતી પાકને ભારે નુક્સાન થશે. આ બે દિવસમાં સુરત જિલ્લામાં 500 મી.મી અને સરેરાશ બે ઇંચ વરસાદ નોંધાયો હતો.જેમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડા તાલુકામાં પાંચ ઇંચ પડ્યો હતો. આ સિવાય અન્ય તાલુકા પૈકી પલસાણા અને ઓલપાડ માં 2.5 ઇંચ, મહુવા કામરેજમાં 2, બારડોલીમાં 1.75 માંડવીમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ વરસાદ ના કારણે સુરત જિલ્લા ખેતીવાડી અધિકારી ની કચેરી દ્વારા સર્વે કરતા 33 ટકા થી વધુ નુકસાન કોઈ ગામ માં થયું નથી.મોટાભાગના ગામ માં ડાંગર નો પાક આડો પડી ગયો છે. બાકી હાલ કોઈ નુકસાન નથી. તેમજ માત્ર ઉમરપાડા તાલુકા ને બાદ કરતાં ક્યાંય વધુ વરસાદ પડ્યો નથી.આથી હાલ તો 45 હજાર હેક્ટરમાં વાવેતર પાકને જીવતદાન મળ્યું છે.આગામી દિવસોમાં વરસાદ વરસશે તો ખેતી પાક ને નુકસાન થવાની શક્યતાઓ છે