સુરત: હાલમાં વરસાદની પરિસ્થિતિ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના (Heavy Rain) કારણે ઉકાઇ ડેમમાં (Ukai Dam) પાણીની આવક વધતા તાપી (Tapi) નદીમાં ઉકાઇ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થતા આજ રોજ મેયર (Mayor) દક્ષેશભાઇ માવાણી, ડે. મેયર ડો.નરેશ પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી રાજન પટેલ, મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ, શાસકપક્ષ નેતા શશીકલાબેન ત્રિપાઠી, દંડક શ્રી ધર્મેશ વાણિયાવાળા અને સ્થાનિક મ્યુ. સદસ્યશ્રીઓ અને અધિકારીઓ રાંદેર ઝોન વિસ્તારના હનુમાન ટેકરી, રેવા નગર, અડાજણ ખાતે અને સેન્ટ્રલ ઝોન વિસ્તારના ધાસ્તીપુરા સ્થિત ફલડગેટની સ્થળ મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. વધુમાં ઉકાઇ ડેમમાંથી ગઇકાલે 2.89 લાખ કયુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવતા રેવાનગર ખાતે ભરાયેલા પાણીની સમસ્યા અંતર્ગત સ્થાનિકોની પરિસ્થિતી અંગે જાતમાહિતી મેળવી હતી.
- રેવાનગરના 11 પરિવારોના ઘરોમાં પાણી ભરાતા 48 વ્યકિતઓનો રેસ્ક્યુ કરાયુ
- સુરક્ષાના કારણોસર સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 110 વ્યકિતઓને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા
ઉકાઇ ડેમમાંથી ગઇકાલથી તાપી નદીમાં છોડવામાં આવેલ પાણીના કારણે તાપી નદી બંને કાંઠે વહેતી થઇ છે, જેથી સાવચેતીના ભાગરૂપે શહેરમાં પાણી ન પ્રવેશે તે માટે સેન્ટ્રલ ઝોન અને રાંદેર ઝોન વિસ્તારના કુલ 5 ફલડ ગેટ બંધ કરવામાં આવ્યા છે. તાપી નદી કિનારેથી નીચાણવાળા વિસ્તારોના સ્થાનિક રહીશોને સલામતીપૂર્વક સ્થળાંતર કરાવાયુ છે. જે પૈકી રેવાનગરમાં રહેતા 11 પરિવારોના ઘરોમાં પાણી ભરાતા 48 વ્યકિતઓ તેમજ સુરક્ષાના કારણોસર સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 110 વ્યકિતઓને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા છે.
ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવેલા પાણી તથા ફલડ ગેટનું મનપા તંત્ર દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. મનપાની ટીમ મારફત નીચાણવાળા વિસ્તારોમાં અસરગ્રસ્ત લોકોને ફુડપેકેટ, પીવાના પાણી અને આરોગ્ય સુવિધા સહિતની જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે. તાપી નદીમાં પાણીનો પ્રવાહ વધારે હોય ત્યારે તાપી નદી કિનારાના વિસ્તારોમાં અવર-જવર ટાળવા તંત્ર દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે.
ઉકાઈ ડેમમાંથી (Ukai Dam) છોડાતું પાણી દર વર્ષે સુરતીઓના જીવ અદ્ધર કરી દે છે. ત્યારે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં તબક્કાવાર પાણી છોડવાનું શરૂ કરાયું છે. જેને પગલે તાપી નદી ફરી બે કાંઠે થશે. ઉકાઈ ડેમ તંત્ર તરફથી મળેલા રવિવારે બપોરે 3 વાગ્યાના આંકડા પ્રમાણે 4,73,405 ક્યૂસેક પાણીની આવક સામે હાલ ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 2,46,408 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. બપોરે 3 વાગ્યાની સ્થિતિ પ્રમાણે ડેમ 341.89 ફૂટ ભરાયો છે જ્યારે ડેમનું રૂલ લેવલ 345 ફૂટ છે. જ્યારે રાત્રે 8 વાગ્યાના આંકડા પ્રમાણે 4,93,104 ક્યૂસેકની સામે 2,48,548 ક્યૂસેક પાણી તાપીમાં છોડાઈ રહ્યું છે. રાત્રે 8 કલાકે ડેમની સપાટી 342.58 નોંધાઈ હતી.