સુરત: (Surat) કતારગામ વોટરવર્ક પાસે આવેલા તાપી નદીના (Tapi River) કિનારે રવિવારે સવારે પાણીમાં નહાવા માટે પડેલા ત્રણ કિશોરોમાંથી એકનું નદીમાં (River) ડુબી જવાથી મોત થયું હતું. કતારગામ પાળા નજીકની વસાહતમાં રહેતા અને ભેંસની રખેવાળી કરતા પિતા સાથે તેના ત્રણ સંતાનો પણ ગયા હતા. અને તાપી નદીમાં ડૂબકી લગાવ્યા બાદ ત્રણમાંથી એક સંતાનને કાળ ભરખી જતા આખા પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો.
- કતારગામ વોટર વર્કસ નજીક તાપી નદીમાં નહાવા માટે પડેલા ત્રણ ભાઈ-બહેનમાંથી 8 વર્ષના ભાઈને કાળ ભરખી ગયો
- પિતા નિયમિત રીતે રવિવારે ભેંસોને નવડાવવા માટે તાપી નદીના કિનારે જાય, તેમની પાછળ ત્રણેય સંતાનો પણ ચાલી નીકળ્યા હતા
- 12 વર્ષની બહેન સાથે બંને નાનાભાઈ પાણીમાં આનંદ કરી રહ્યાં હતા ત્યારે વચલો 8 વર્ષનો મેહુલ ક્યારે પાણીમાં ગરક થઈ ગયો તેનું કોઈને ધ્યાન જ ન રહ્યું
ફાયર સૂત્રો અને પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી મુજબ કતારગામ પાળા પાસે રાઠોડ વસાહતમાં રહેતા મુકેશભાઈ રાઠોડ ભેંશોના તબેલામાં ઢોરોના રખેવાળ તરીકે કામ કરે છે. રવિવારે સવારે 10 કલાકે તેઓ નિયમિત રીતે ઢોરને લઇ કતારગામ વોટર વર્કસ નજીક આવેલા તાપી નદીના ઓવારે નવડાવવા માટે ગયા હતા. રવિવારની રજા હોવાને કારણે તેમના પિતા સાથે બે પુત્રો પૈકી આઠ વર્ષીય મેહુલ મુકેશભાઈ રાઠોડ,પાંચ વર્ષીય અનમોલ રાઠોડ અને તેની 12 વર્ષીય બહેન મનીષા રાઠોડ પિતાની પાછળ પાછળ ચાલી નીકળ્યા હતા. નદીના ઓવારે પિતા ઢોરને નવડાવવામાં મઝગુલ હતા, તે દરમિયાન ત્રણે બાળકો નદીના છીછરા પાણીમાં મજા કરી રહ્યાં હતાં. એવામાં 8 વર્ષનો મેહુલ પાણીમાં આગળ નીકળી ગયા બાદ ઊંડાણમાં જઈને ગરકાવ થઇ ગયો હતો.
નાહ્યાં બાદ અનમોલ અને મનીષા પાણીમાંથી બહાર આવી ગયા હતા પણ મેહુલનો કોઈ પત્તો લાગ્યો ન હતો તેથી પિતા મુકેશભાઇને લાગ્યું હતું કે કદાચ મેહુલ પાણીમાંથી બહાર નીકળીને ઘરે પહોંચી ગયો હશે, પિતાએ ઘરના દરેક સભ્યોને ફોન કરીને પૂછતાછ કરી દીધી હતી. પરંતુ મેહુલના કોઈ વાવડ મળ્યા ન હતા. અંતે તેમણે ફાયર કંટ્રોલને જાણ કરતા કતારગામ ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ કરવાની કવાયતમાં લાગી ગયા હતા. ફાયર ઓફિસર દિનુ પટેલે જણાવ્યું હતું કે, નદીના ઓવારાએ થી થોડે જ દૂરથી કિશોરનો મૃત દેહ 15 મિનિટમાં શોધી ને પાણીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યો હતો. મેહુલની લાશ જોઈને આખા પરિવારના સભ્યોમાં શોકનો કાલિમા છવાઈ ગઈ હતી. ઘટના સ્થળે પહોંચેલી કતારગામ પોલીસે કિશોરની લાશનો કબ્જો લઇને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની તપાસ શરુ કરી હતી.