સુરત: (Surat) ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં (Tapi River) ભલે 2 લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું હોય પરંતુ શહેરમાં હાલ વરસાદી (Rain) આફત સુરત માટે ચિંતાનો વિષય છે. એક તરફ વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યાં છે તો બીજી તરફ ક્યારે પુરનું પાણી શહેરમાં પ્રવેશે તે નક્કી નથી. જેને જોતા લોકોએ જાતે જ પોતાની સુરક્ષાનો વિચાર કરી સ્થળાંતર શરૂ કર્યું છે. પાલિકાના (Municipal Corporation) અધિકારીઓનું કહેવું છે કે એકાદ બે સ્થળને છોડી હાલ તંત્ર દ્વારા સ્થળાંતરના કોઈ નિર્દેશ અપાયા નથી પરંતુ જે વિસ્તારમાં પુરના પાણી પ્રવેશવાની આશંકા છે ત્યાંના લોકો જાતે જ સ્થળાંતર કરી રહ્યાં છે. જોકે આ વિસ્તારોમાં પાલિકાની ટીમ સતત હાજર છે. અને પરિસ્થિત પર નજર રાખી રહી છે. ડેપ્યૂટી કમિશનર એન.વી.ઉપાધ્યાયે જણાવ્યું કે હાલ શહેરમાં ફક્ત એક જ ફ્લડ ગેટ (Flood Gate) બંધ કરાયો છે. બાકી બધાજ ખુલ્લા છે. કતારગામ ખાતેનો સ્લૂઇસ ગેટ બંધ થયો છે. આ ફ્લડ ગેટ ઓટોમેટિક હોવાથી તેની જાતે બંધ થયો છે.
જોકે કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પાલિકાએ શહેરના 16 ફાયર સ્ટેશનોની ટીમોને એલર્ટ કરી દીધી છે. સાથે જ બોટની વ્યવસ્થા પણ કરી દેવાઈ છે. સેન્ટ્રલ ઝોનમાં ધાસ્તીપુરા અને મક્કાઈ ફ્લડ ગેટ ખાતે સુરત મનપા દ્વારા ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. કોઈ પણ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર એલર્ટ થઈ ગયું છે. પાણીનું લેવલ વધે તો ધાસ્તીપુરાનો ગેટ બંધ કરવો પડે તેની તૈયારી પાલિકા દ્વારા કરી લેવામાં આવી છે. અહીં પાણી કાઢવા માટે વોટરીંગ પમ્પ મુકી દેવાયા છે. રાંદેર વિસ્તારમાં આવેલી હનુમાન ટેકરી ખાતે પણ પાલિકાની ટીમ તૈનાત છે. જ્યારે કાદરશાની નાળ વિસ્તારમાં પણ મનપા દ્વારા ડીવોટરીંગ પમ્પ મુકી દેવાયા છે.
તાપી નદીમાં હાલ 3 લાખ ક્યૂસેક પાણી વહી રહ્યું છે- એન.વી.ઉપાધ્યાય, ડેપ્યૂટી કમિશનર (સુરત મનપા)
ઉકાઈ ડેમમાંથી ભલે તાપી નદીમાં 2 લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું હોય પરંતુ હાલ તાપી નદીમાં 3 લાખ ક્યૂસેક પાણી વહી રહ્યું છે. એનું કારણ વરસાદ છે. ઉકાઈ ડેમ તાપી નદીથી ઘણું દૂર છે પણ ઉકાઈ ડેમથી સુરત સુધીના માર્ગ પર જે ગામડાઓ આવે છે ત્યાં થયેલા વરસાદનું પાણી તેની સાથે જોડાતું જાય છે. અને આ પાણી તાપીમાં ઠલવાય છે. તેને કારણે હાલ તાપી નદી પરનાં મનપાનાં સિગ્નલ પર 3 લાખ ક્યૂસેક પાણી વહી રહ્યું હોવાની દર્શાવી રહ્યું છે.
સુરતમાં ભારે વરસાદ છે તેથી હાલ ફ્લડ ગેટ નહીં બંધ કરાય
સુરતમાં છેલ્લા કેટલાય દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉપરાંત આવનારા બે દિવસ હજી ભારે વરસાદની આગાહી છે. જેને કારણે પાલિકા તંત્રને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવાની જરૂર પડે છે. પાલિકાના ડેપ્યૂટી કમિશનર એન.વી.ઉપાધ્યાયે જણાવ્યું કે ભારે વરસાદ વચ્ચે હાલ જો ફ્લડ ગેટ બંધ કરવામાં આવશે તો શહેરમાં વરસાદી પુરની પરિસ્થિતિ સર્જાશે. એટલે જ્યાં સુધી ફ્લડગેટમાંથી તાપી નદીનું પાણી બેક મારવાનું શરૂ ન થાય ત્યાં સુધી ફ્લડ ગેટ બંધ નહીં કરાશે.
બે વર્ષ પહેલા તાપીની વહન ક્ષમતા પોણા બે લાખ હતી હવે વધી ગઈ
આજે તાપી નદીમાં 3 લાખ ક્યૂસેક પાણી વહી રહ્યું છે છતાં નિચાણવાળા વિસ્તારોમાં ગટરમાંથી કે તાપીના કિનારાઓ પરથી પાણી શહેરમાં પ્રવેશ્યા નથી. તેનું કારણ એ છે કે તાપીની વહન ક્ષમતા વધી ગઈ છે. આજથી 2-3 વર્ષ પહેલાં પોણા બે લાખ પાણી આવતા તાપી નદી પરના ફ્લડ ગેટ બંધ કરવા પડતા હતાં. પરંતુ તાપી ઉંડી થવાને કારણે તેની વહન ક્ષમતા વધી છે જેનો લાભ સુરતવાસીઓને મળ્યો છે.