સુરત: (Surat) સુરતીઓએ અનેક પૂર જોયા છે. અનેકવાર ડૂબીને સુરત ફરી કોરુંકટ થયું છે. પણ જ્યારે સુરત ડૂબે છે ત્યારે… ત્યારે ભલભલાને હચમચાવી નાંખે છે.. ફરી હાં.. અને ના.. ની વચ્ચે સુરત ઝોલા ખાઈ રહ્યું છે.. સુરતના પૂરની (Flood) સંપૂર્ણ સ્થિતિ ઉકાઈ ડેમમાંથી (Ukai Dam) છોડાતા પાણી પર નિર્ભર છે અને ઉકાઈ ડેમની સંપૂર્ણ સ્થિતિ કેચમેન્ટ એરિયામાં થતા વરસાદ અને ત્યાંથી આવતા પાણી પર નિર્ભર છે. જ્યારે સુરતીઓ ડેમની સ્થિતિ પર નિયંત્રણ રાખતા તંત્ર અને શહેરમાં સ્થિતિને પહોંચી વળવા તૈયાર મહાનગર પાલિકા પર નિર્ભર છે. ત્યારે હાલ તો સુરત મનપાનું તંત્ર બે દિવસથી એક જ રાગ આલાપી રહ્યું છે કે પૂર નહીં આવે.. સુરતીઓને (Surties) ચિંતા નહીં કરવાનું આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. પણ સુરતીઓનો એક પ્રશ્ન એ છે કે જો પૂર આવે તો સુરત શહેર અને સુરતવાસીઓને તેની ખાનાખરાબીમાંથી બચાવવા પાલિકા (Corporation) તંત્ર કેટલું તૈયાર છે?
ડક્કા ઓવારા
અનુભવી લોકોની ખોટ
આ વખતે પૂરની સંભવિત પરિસ્થિતિ સુરતીઓ માટે ચિંતાનો વિષય છે. તેનું મુખ્ય કારણ સુરત મહાનગર પાલિકામાં અનુભવી જુના અધિકારીઓની ખોટ. સુરત મહાનગર પાલિકાનાં અનેક દિગ્ગજ અને અનુભવી અધિકારીઓ જેમણે વર્ષો વર્ષ સુરતની પુરની પરિસ્થિતમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે તેવા મોટાભાગના અધિકારીઓ નિવૃત્ત થઈ ગયા છે. બીજી તરફ પાલિકા કમિશનર બંછાનિધિ પાની અને કલેક્ટર આયુષ ઓક પણ સુરતમાં પુરની પરિસ્થિતથી અજાણ છે. તેમને સુરતના પુરનો વહિવટી અનુભવ નથી. ત્યારે લોકો જાતે જ પરિસ્થિતિનો તાગ મેળવી યોગ્ય સમયે પોતાના અને પોતાના પરિવારની સુરક્ષા અંગે સતર્કતા વર્તે તે જરૂરી થઈ પડ્યું છે.
- બપોરે 4 કલાકે ઉકાઈ ડેમની સ્થિતિ
- UKAI DAM Dt.29/09/2021 16:00 hrs
- Dam Level – 341.53 ft
- Inflow – 2,75,974 cusec
- Outflow – 2,06,129 cusec
- Danger level- 345.00 ft
જોકે હવે વર્ષોના અનુભવ બાદ સુરતીઓ જ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ બન્યા છે. ઉકાઈની રજેરજની સ્થિતિ પર નજર રાખતા સુરતીઓ પોતાની સુરક્ષા માટે સમય રહેતા જ સ્થળાંતર કરી દેવાની તૈયારી છે. બીજી તરફ લોકો ભૂતકાળના અનુભવોને જોતા જરૂરી સાધન સામગ્રી અને ખાદ્ય ચીજ વસ્તુઓ પણ સંગ્રહ કરતા શીખી ગયા છે. પુરની શક્યતાઓની વાત આવતા જ સુરતીઓ સૌથી પહેલા બેંક, ડોક્ટર કે ધંધાને લગતા જરૂરી કામકાજ પતાવી રહ્યાં છે.
જણાવી દઈએ કે બુધવાર બપોર સુધીની સ્થિતિમાં તાપી નદી બે કાંઠે વહી રહી છે. તાપી નદીમાં ખડખડાટ પાણી વહી રહ્યું છે. જોકે આ વખતે પાણી જોવા માટે પહેલા જેવી સુરતીઓની ભીડ જોવા નથી મળી રહી. હવે સોશિયલ મીડિયા પર જ બધી પરિસ્થિતિનો તાગ મળી જતો હોવાથી સુરતીઓ નદીમાં પાણી જોવાને બદલે પોતાના જરૂરી કાર્ય પૂરી કરવામાં વ્યસ્ત રહ્યા હતાં.