SURAT

સુરતના અમરોલી પુલ નીચે ગેરકાયદે રેતીખનન કરનારાઓ ઉપર ભૂસ્તરની ટીમ ત્રાટકી

સુરત: (Surat) સુરત શહેરના તાપી નદીના (Tapi River) પ્રતિબંધિત વિસ્તારો રેતીચોરી કરનારા તત્વો ઉપર ફરી એક વખત ભૂસ્તર વિભાગની ટીમ ત્રાટકી છે. ભૂસ્તરની ટીમે અમરોલી બ્રિજની (Bridge) નીચે ચાલતા રેતીખનનની (Sand mining) પ્રવૃતિને અટકાવવાની સાથે બે ટ્રકને કબ્જે કરતા રેતીચોરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

સુરત શહેરના અમરોલી બ્રિજ નીચે છેલ્લા કેટલાક સમયથી રેતીચોરો દ્વારા બેફામ રીતે રાત્રીના સમયે રેતીચોરી કરવામાં આવી રહી હોવાની બાતમીના આધારે ભૂસ્તરની ટીમ અમરોલી બ્રિજ ખાતે પહોંચી હતી દરોડા દરિમયાન ભૂસ્ત વિભાગે બે ટ્રકને ઝડપી પાડી હતી, જયારે નદીમાંથી ઉલેચવામાં આવેલી રેતી ફરી નદીમાં નાંખી દીધી હતી. તેમજ રેતીચોરી કરવા માટે તૈયાર કરવામાં આવેલો રસ્તો, પાળો પણ તોડી પાડવામાં આવ્યો હતો. અંત્યત આધારભુત સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ અમરોલી વિસ્તારમાં બ્રિજ નીચેથી ઇલેક્ટ્રિક બોટ કે પછી પાઇપ મુક્યા વગર રેતીચોરો જૂની સિસ્ટમનો ઉપયોગ કરી મજૂરો મારફતે રેતી કઢાવતા હતાં, જેમાં ભૂસ્તર વિભાગ દ્વારા અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉલલેખનીય છે કે, સુરત શહેરમાં કેટલાંક સમયથી રેતીચોરો બેફામ થઇ ગયા હતાં. અમરોલી સહિત પાલ આરટીઓ પાસે પણ નદી કિનારે બેફામ રેતીખનન ચાલી રહ્યું છે. પરંતુ ભૂસ્તર વિભાગના કેટલાક લાંચિયા કર્મચારીઓને પ્રતાપે રેતીચોરોને ઘી કેળા થઇ ગયા હતાં. ભૂસ્તર અધિકારી ડી.કે.પટેલે ગયા અઠવાડિયે ફૂટેલી કારતૂસ જેવા આવા કર્મચારીઓને ઘરે બેસાડી દીધા હતાં.

હીરા કારખાનાના મેનેજરની હત્યા કરાયેલી લાશ નો ભેદ ઉકેલાયો

સુરત: અમરોલી તાપી નદીના કિનારે મંદિરના પગથિયા પાસે ગત સપ્ટેમ્બર મહિનામાં હીરા કારખાનાના મેનેજરની હત્યા કરાયેલી લાશ મળી હતી. પોલીસે હત્યા કરનાર બે આરોપીઓની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે. અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ છાપરાભાઠા રોડ સ્થિત દેવદીપ સોસાયટીમાં રહેતો 26 વર્ષીય સની નવલકિશોર શર્મા વરાછાના હીરાના કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. ગત 27 સપ્ટેમ્બરે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા થયેલી લાશ મળી આવી હતી. અમરોલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે હત્યારા મુકેશ ઉર્ફે છોટી સુભાષ ગાયકવાડ (ઉ.વ. 24 રહે. સુમુલ ડેરી રોડ ફૂટપાથ પર, મહિધરપુરા) અને સાગર રણજીત દંતાણી (ઉ.વ. 22 રહે. શારદા હોસ્પિટલ પાસે ફૂટપાથ પર, છાપરાભાઠા-અમરોલી) ને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓને અમરોલી પોલીસને સોંપતા પોલીસે તેમની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, બંને આરોપીઓ તાપી નદીના પાળા મંદિરની બાજુમાં બેસી દારૂ પીતા હતા. દારૂના નશામાં ધૂત બંને જણા વચ્ચે ઝઘડો થતા એકબીજાને ગાળ આપી રહ્યા હતા. સનીએ મંદિર નજીક ગાળાગાળી નહીં કરો એમ કહેતા મુકેશે ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ બંને મૂળ વતન અમદાવાદના શહેરકોટડા ખાતે ભાગી ગયા હતા. અને ત્યાં જઈને છુટક મજૂરી કામ કરતા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અને હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

Most Popular

To Top