SURAT

તાપી નદી પર બનનારા આ પુલનો ખર્ચ કાગળ પર જ 200 કરોડ વધી ગયો, વાસ્તવિકતામાં બનશે ત્યારે રામ જાણે કેટલો ખર્ચ થશે?

સુરત: સુરતની સતત વધી રહેલી વસતીની પાણીની જરૂરીયાતને પુરી કરવા માટે એકમાત્ર જળ સ્ત્રોત વિયર કમ કોઝવે છે, ત્યારે તાપી નદીમાં રૂંઢ અને ભાઠાને જોડતા કન્વેન્શનલ બેરેજના પ્રોજેકટને 10 વર્ષથી કાગળ પર ચલાવ્યા બાદ આખરે મનપા દ્વારા તેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પ્રોજેકટને સૈધ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ પણ રાજકીય ખેંચતાણના કારણે જગ્યા બદલવા સુધી વાત પહોંચી ગઇ હતી. બાદમાં જેમ તેમ અંદાજો મંજૂર કરાયા પરંતુ સિંચાઇ વિભાગની આડોડાઇને કારણે હજુ સુધી પ્રોજેકટમાં સતત ફેરફારો આવી રહ્યા હોય ટેન્ડરની પ્રક્રિયા સતત લંબાઇ રહી છે.

  • સિંચાઈ વિભાગના જરૂરી અભિપ્રાયો ગોળ-ગોળ આવતા હોવાથી પ્રોજેકટ શરૂ કરવામાં મુંઝવણ
  • સીધા અભિપ્રાયો નહીં હોવાથી ટેન્ડરની મુદ્ત બીજી વખત વધારવી પડી
  • હાલમાં 700 કરોડ બાદ પણ ડિટેઇલ સરવે બાદ જ ખરી પ્રોજેક્ટ કોસ્ટ નક્કી થશે

ગત તારીખ 22મી ના રોજ ટેન્ડરની મુદત પુરી થઇ રહી હતી. તેને વધારીને 28મી તારીખ સુધીની કરવી પડી છે. આ સાથે પ્રોજેકટ કોસ્ટમાં પણ સતત વધારો થઇ રહયો હોય સૌપ્રથમ બેરેજ માટે 511 કરોડના અંદાજ બનાવાયા હતા પરંતુ ગેરીની સલાહને ધ્યાન રાખીને વિયરની ક્ષમતા 10 લાખ કયુસેક પાણીની જીંક જીલવાથી વધારી 13 લાખ કયુસેક સુધીની થાય તે રીતે ડીઝાઇન વિચારાઇ હોય અંદાજોમાં વધારો કરીને 611 કરોડ કરાયા બાદ હવે ટેન્ડરની વધેલી મુદ્તમાં 698 કરોડ કરવાની નોબત આવી છે. જો કે બરાજ ખરેખર કેટલા કરોડના ખર્ચે બનશે તે તો જે તે એજન્સીનું ટેન્ડર મંજુર થાય અને તેના દ્વારા ડીટેઇલ સર્વે કરવામાં આવે ત્યાર બાદ નકકી થશે. કેમકે સર્વેની કામગીરી પણ આ ટેન્ડર સાથે જ જોડી દેવાઇ છે.

મનપાના સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ, નદીની માલિકી સિંચાઈ વિભાગની હોવાથી તેની મંજૂરી મેળવવી અને તેના અભિપ્રાય મુજબ પ્રોજેકટમાં આગળ વધવું અનિવાર્ય છે. પરંતુ સિંચાઈ વિભાગ દ્વારા સ્પષ્ટ અભિપ્રાયો નહી આપીને મનપાને ગોળ ગોળ ફેરવવામાં આવી રહી છે. જેના કારણે પ્રોજેકટમાં વારંવાર ફેરફાર આવી રહ્યા છે. આખરે મનપાએ હવે ત્રણ પાર્ટમાં ટેન્ડર વહેંચી દીધું છે. જેમાં પ્રથમ પાર્ટમાં બેરેજ માટે તમામ સરકારી મંજૂરીઓ મેળવવાની જવાબદારી પણ ઇજારદારના શિરે મુકવામાં આવી છે. જો ટેન્ડરર જરૂરી મંજૂરી મેળવવામાં નિષ્ફળ રહે તો તે તબક્કેથી જ તેનું ટેન્ડર અટકી જાય તેવી જોગવાઇ કરાઇ છે.

જયારે બીજા પાર્ટમાં આઇટમ રેઇટ અને ત્રીજા પાર્ટમાં 10 વર્ષનું ઓપરેશન મેઇન્ટેનેન્સનો સમાવેશ કરાયો છે. ટેન્ડરની મુદ્ત વધારવા પાછળનુ કારણ વર્ષ 2015-16ના એસઓઆરને બદલે હવે વર્ષ 2021-22ના એસઓઆર મુજબના અંદાજો નક્કી કરવા પણ છે. કેમકે છેલ્લા પાંચ વર્ષમાં સીમેન્ટ અને લોખંડ સહીતના રો મટિરિયલ્સના ભાવ વધ્યા છે. તેથી નવા એસઓઆર મુજબ અંદાજ મુકાતા હાલમાં જે ટેન્ડર 611 કરોડનું હતું તે વધીને 698 કરોડ પર પહોંચી ગયું છે. જો કે હજુ સુધી સિંચાઈ વિભાગની સ્પષ્ટ મંજૂરી મળી નથી કે હજુ સુધી વધુમાં વધુ ઉકાઇ ડેમમાંથી કેટલુ પાણી ડિસ્ચાર્જ થાય તો કેટલી કેપેસિટીનો બેરેજ બનાવવો તે નક્કી કરવા ડિસ્ચાર્જની માત્રા કન્ફર્મ કરી નથી. તેથી જે એજન્સી પ્રોજકેટ સંભાળશે તેને પણ ઘણા પડકારો પાર કરવા પડે તેવી સ્થિતી છે.

પ્રોજેકટ માટે 10થી વધુ સરકારી મંજૂરીઓની જરૂર પડશે
બેરેજનો પ્રોજેકટ તાપી નદી પર સાકાર થનાર છે. નદીની માલિકી સિંચાઈ વિભાગની છે, તેથી પ્રથમ તો સિંચાઈ વિભાગની મંજૂરી ઇજારદારે લેવાની થશે, ત્યાર બાદ ગેરી પાસે ડીઝાઇન નક્કી કરાવવી, સેન્ટ્રલ વોટર કમિશન સહીત રાજય અને કેન્દ્રની મળીને અલગ અલગ 10-10 એજન્સીઓની મંજૂરી મેળવવાની રહેશે ત્યાર બાદ આ પ્રોજેકટનો પાયો નંખાશે.

13 લાખ કયુસેક પાણી ધ્યાને રાખી વિયર બનશે જો કે સર્વે બાદ ખરી પ્રોજેકટ કોસ્ટ નકકી થશે
મનપા દ્વારા સૌપ્રથમ વખત બેરેજ માટે સૈધ્ધાંતિક મંજૂરી અપાઇ ત્યારે મનપાના અધિકારીઓ દ્વારા એવો અંદાજો લગાવાયો હતો કે બેરેજ 500 કરોડમાં બનશે આ વિચારમાં વર્ષ 2006ની રેલમાં તાપીના ઇતિહાસમાં આવેલા સૌથી વધુ આઠ લાખ કયુસેક પાણીને ધ્યાને રાખી વધુમાં વધુ 10 લાખ કયુસેક પાણી આવે તો પણ બેરેજને કોઇ અસર ના થાય તેવુ ધ્યાને રખાયું હતું. પરંતુ જયારે ગુજરાત એન્જીનીયરીંગ રીસર્ચ ઇન્સ્ટીટયુટ (ગેરી) પાસે મોડેલ રેન કરાયવાયું ત્યારે ગેરીની સલાહ ધ્યાને રાખી 13 લાખ કયુસેક પાણી આવી શકે તેવી શકયતા ધ્યાને રાખી તે મુજબ ડિઝાઇન બનાવવાનું નકકી થતા અંદાજો 611 કરોડ પર પહોંચ્યા હતા જો કે હવે 13 લાખ કયુસેકની ક્ષમતા હોવા છતા અંદાજો 698 કરોડ પર પહોંચી ગયા છે. પરંતુ હજુ પણ ડીટેઇલ સર્વે બાકી છે. આ સર્વૈ ઇજારો સંભાળનાર એજન્સી દ્વારા કરાશે અને ત્યાર બાદ પણ ડીઝાઇનમાં ફેરફાર થશે તે તે મુજબ પ્રોજકટ કોસ્ટ નકકી થશે.

10થી વધુ એજન્સીઓ પ્રોજેકટ માટે ઉત્સુક
મનપાના સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ સુરત માટે આ મહત્વનો પ્રોજેકટ છે. અને પ્રોજેકટ કોસ્ટ પણ વધુ છે. તેથી મનપા આ પ્રોજેકટ માટે અનુભવી અને તમામ ક્ષમતા ધરાવતી એજન્સીની શોધમાં છે. જો કે અત્યાર સુધીમાં દેશમાં મોટા મોટા પ્રોજેકટ સાકાર કરનાર 10થી વધુ એજન્સીઓની ઇન્કવાયરીઓ આવી ચુકી છે. તેથી આ વખતે ટેન્ડર પક્રીયા પુર્ણ થઇ જાય અને એજન્સી નકકી થાય તેવી પુરતી શકયતા છે.

Most Popular

To Top