બારડોલી: બારડોલી (Bardoli) સહિત સમગ્ર સુરત (Surat) જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ (Rain) વરસી રહ્યો છે. ગત રાત્રે પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. સમગ્ર જિલ્લામાં 19 જેટલા રસ્તા ઉપર પાણી ફરી વળતાં બંધ કરવામાં આવ્યા છે. જે પૈકી કેટલીક જગ્યાએ ડાયવર્ઝન ધોવાઈ જવાથી કેટલાંક ગામોનો સંપર્ક કપાયો છે. સૌથી વધુ 11 જેટલા માર્ગો બારડોલી તાલુકામાં બંધ કરવા પડ્યા છે.
બારડોલીમાં 11 રસ્તા, પલસાણા તાલુકામાં 5, માંડવીના 2 અને ચોર્યાસીના 1 રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જે પૈકી બારડોલી તાલુકામાં પારડી વાલોડ રોડ, સુરાલી ધારિયા ઓવારા રસ્તો, ઉતારા વધાવા કરચકા રોડ, ખરવાસા મોવાછી રોડ, બાલ્દા જૂનવાણી રોડ, રામપુરા એપ્રોચ રોડ, જૂની કીકવાડ ગભેણી ફળિયા રોડ, સુરાલી કોટમુંડા બેલધા રોડ, સુરાલી ધારિયા ઓવારા 2 રોડ, ખોજ પારડીથી વાઘેચા રોડ, રામપુરાથી બારડોલી મોતા રોડને જોડતો રસ્તો બંધ છે. આ ઉપરાંત પલસાણા તાલુકામાં બગુમરા તુંડી રોડ, બગુમરા બલેશ્વર રોડ, ઓલ્ડ બી.એ.રોડ પાસિંગ થ્રૂ ચલથાણ, બલેશ્વર, પલસાણા વિલેજ રોડ, તુંડી દસ્તાન રોડ, હરિપુરા એપ્રોચ રોડ, માંડવી તાલુકામાં વિરપોર ઘલા રોડ, ઉશ્કેર મુંજલાવ રોડ, તેમજ ચોર્યાસી તાલુકાના ખરવાસા ખાંભસલા રોડ બંધ થઈ ગયા છે.
અતિભારે વરસાદને કારણે તાપી જિલ્લામાં 30 ગ્રામીણ વિસ્તારમાં વાહન વ્યવહાર બંધ કરાયો
વ્યારા: તાપી જિલ્લામાં ગુરુવારે ધોધમાર વરસાદ પડતાં ચારેકોર પાણી પાણી થઈ ગયું હતું. ખેતરોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદને પગલે જિલ્લાની તમામ નદી, નાળાં, કોતરો વરસાદી નવા નીરથી છલકાઈ ઊઠ્યાં છે. કુકરમુંડામાં આવેલા રાજપુર ગામની સીમમાંથી પસાર થતી ઉની નદી છલકાઈ હતી. જેના કારણે કેવડામોઇ, તુલસા અને મોરંબા ગામમાં પાણી ફરી વળ્યા હતા. ઘરવખરીને નુકસાનીના અહેવાલ પણ સાંપડવા મળ્યા છે. ભારે વરસાદને લઈ જનજીવન પર અસર જોવા મળી હતી. કુકરમુંડા, નિઝર, વ્યારા, ડોલવણના નીચાણના વિસ્તારનાં ગામોમાં ૫૦થી વધુ ઘરોમાં પાણી ભરાયા હતા. ઘરોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક તંત્ર ગામોમાં પહોંચ્યું હતું.
તાપી જિલ્લાના સાતેય તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગુરુવારે સાંજે ૪ વાગ્યા સુધીમાં 30 જેટલા ગ્રામીણ વિસ્તારના અંતરિયાળ માર્ગો પરના વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા. વ્યારા કણજા ફાટક પાસે તેમજ ડોસવાડા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા. તે સિવાય મિશન નાકા, જનકનાકા, કાનપુરા, માલીવાડ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા.