સુરત: (Surat) આજે યવમે અશુરાના દિવસે સુરતમાં તાજીયાનું (Tajiya) જુલૂસ નિકળશે. સુરત શહેરનો તાજીયાનો ઇતિહાસ બહુ જુનો છે. તેમાં પણ સુરતમાં તાજીયા બનાવવાની રીત અને તાજીયા ફેરવવા માટેની લારીની વાત પણ દિલચસ્પ છે. સુરત શહેરમાં સલાબતપુરા (Salabatpura) મોમનાવાડ ખાતે વર્ષ 1885માં સૌથી પહેલો તાજીયા બનાવવામાં આવ્યો હતો. 1885 થી સ્થાપના થતું ઐતિહાસિક “બોરાજીવાલા તાજીયા” નો ઇતિહાસ પણ દિલચસ્પ છે. આ તાજીયા માટે તે વખતે ઈંગ્લેન્ડ થી ખાસ લારી (વાહન) બનાવી મંગાવવામાં આવી હતી. આ એન્ટિક વાહન જોવા પણ લોકો દૂર દૂરથી આવે છે.
સુરત શહેરમાં વર્ષો પહેલા જ્યારે તાજીયા બનાવવાની શરૂઆત થઈ હતી તે સમયે ખૂબજ ઉંચા અને પહોળા તાજીયા બનાવવામાં આવતા હતા. લગભગ 25 થી 30 ફૂટ ઉંચા તાજીયા બનાવવામાં આવતા હતા. જ્યારે તાજીયાના પહોળાઈ 10 થી 15 ફૂટની હતી. લગભગ 60-70 વર્ષ સુધી આટલા મોટા તાજીયા બનાવવાની પરંપરા જળવાઈ રહી હતી. જોકે નાના તાજીયા પણ બનાવવામાં આવતા. તે સમયે નાના તાજીયા લોકો ખભા પર ઉંચકીને લઈ જતા હતા. સલાબતપુરા, બેગમપુરા, રાંદેર વિસ્તારમાં વર્ષોથી પારંપરિક તાજીયા બનાવવામાં આવે છે. તાજીયા સાથે જોડાયેલા વર્ષો જુના રિવાજો, કાર્યો અને શ્રદ્ધા આજે પણ અકબંધ છે.
સુરતના સલાબતપુરા મોમનાવાડ મોટી મસ્જિદવાળા રોડ પર આજે પણ 137 વર્ષથી સતત બોરાજીવાલા તાજીયાની સ્થાપના થાય છે. આ અંગેની માહિતી આપતા મોઇનભાઈ ચીનાએ જણાવ્યું હતું કે પહેલીવાર લગભગ 25 થી 30 ફૂટ ઉંચો તાજીયા બનાવવામાં આવ્યો હતો. આ તાજીયાને રાખવા માટેનું વાહન એટલેકે લારી 1885માં ઇંગલેન્ડથી ખાસ બનાવડાવીને લવાઈ હતી. આજે પણ એ લારી ખૂબજ સારી સ્થિતિમાં છે. બોરાજીવાલા તાજીયા ફક્ત મુસ્લિમ શ્રધ્ધાળુઓ માટે નહીં પણ હિન્દુ સમાજનાં લોકો માટે પણ આસ્થાનું કેન્દ્ર છે.