સુરત: (Surat) સ્થાનિક સ્તરે સર્ટિફિકેશન સેન્ટરના અભાવે સિન્થેટિક ડાયમંડ ઉત્પાદકોએ સર્ટિફેકેશન માટે વિદેશમાં હીરાનાં પાર્સલ મોકલવા પડી રહ્યાં છે. જેના લીધે પડતર કિંમત વધી રહી છે. નેચરલ ડાયમંડ જેટલા ઊંચા ચાર્જમાં જ સિન્થેટિક હીરાનું સર્ટિફિકેશન (Synthetic Diamond Certification) થતાં ઉત્પાદકો પર વધારાનો બોજો પડે છે. ઉપરાંત કોરોનાના લીધે હાલ આંતરરાષ્ટ્રીય માલ પરિવહનનો માર્ગ અવરોધાયો હોવાથી સર્ટિફિકેશન માટે મોકલાયેલા હીરા સમયસર પરત આવી રહ્યા નહીં હોવાતી ઉત્પાદકો મુશ્કેલીમાં મુકાયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સિન્થેટિક ડાયમંડના ઉત્પાદકો દ્વારા વર્ષે 2500 કરોડથી વધુના સિન્થેટિક હીરાનું ઉત્પાદન કરવામાં આવે છે. જેના લીધે 350 જોબવર્ક કરતાં યુનિટો અને હજારો રત્નકલાકારોને રોજગારી મળી રહી છે. જો કે, આ સિન્થેટિક ડાયમંડનું સર્ટિફિકેશન એક મોટી સમસ્યા છે. નેચરલ અને સિન્થેટિક ડાયમંડનો ભેદ ગ્રાહકો સમજી શકે તે માટે સર્ટિફિકેશન ફરજિયાત છે. સિન્થેટિક ડાયમંડના વેપાર સાથે સંકળાયેલા ગૌરવ શેઠી કહે છે કે, સમાન ગુણધર્મો ધરાવતા નેચરલ ડાયમંડની કિંમત 5 લાખ હોય તો સિન્થેટિક ડાયમંડની કિંમત 1 લાખ હોય શકે છે. આ બંને હીરાનું સર્ટિફિકેટ કરાવવા માટે એકસમાન ચાર્જ ચૂકવવો પડે છે. જેથી સિન્થેટિકના ઉત્પાદકો, વેપારીઓ પર વધારાનો બોજો પડે છે.
વળી, સિન્થેટિક હીરાનો વેપાર મોટા ભાગે વિદેશમાં થાય છે. ત્યારે તેનું સર્ટિફિકેટ પણ વિદેશી લેબોરેટરીમાં જ બનાવાયું હોય તેવો આગ્રહ રાખવામાં આવે છે. તેથી સિન્થેટિક ડાયમંડને સર્ટિફિકેટ માટે વિદેશ મોકલવા પડે છે. જેને પરત આવવામાં ખૂબ વિલંબ થાય છે અને ખર્ચ પણ વધે છે. લેબગ્રોન ડાયમંડ એન્ડ જ્વેલરીના ઉત્પાદકો કહે છે કે, સિન્થેટિક ડાયમંડ અને નેચરલ ડાયમંડના સર્ટિફિકેશનના ચાર્જ સમાન છે. હાલ કોરોનાના લીધે વિદેશમાં સર્ટિફિકેશન માટે જતાં હીરાનાં પાર્સલો પરત આવવામાં ખૂબ વિલંબ થઈ રહ્યો છે. જેના લીધે વેપારને અસર થઇ છે.