SURAT

સુરતના સુવાલી દરિયામાં પાંચ જણ તણાયા, એકને બચાવી લેવાયો, એકની ડેડ બોડી મળી, ત્રણ લાપતા

સુરત: (Surat) સુરતનો સુવાલી દરિયો (Suvali Beach) ફરી એક વાર જીવલેણ બન્યો હતો. રવિવારના દિવસે દરિયા કિનારે ફરવા ગયેલા લોકોમાંથી પાંચ લોકો દરિયાના પાણીમાં તણાઈ (Drowned) ગયા હતાં. પાંચેય લોકો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જેમાંથી એકને બચાવી લેવામાં આવ્યો છે. જ્યારે એકની ડેડ બોડી બહાર કાઢવામાં આવી હતી. આ સમાચાર લખાય છે ત્યાં સુધી મનપાના ફાયર વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણ લોકો હજી પાણીમાં છે જેઓને શોધવામાં આવી રહ્યા છે. ફાયર વિભાગે જણાવ્યું છે કે જેની ડેડ બોડી મળી છે તેનું નામ સાગર પ્રતાપ સાલ્વે છે. ડેડ બોડી મોડી સાંજે સિવિલ ખાતે લઈ જવાઈ હતી.

  • રાત્રે અંધારૂ થઈ જતા પાલિકાના ફાયર વિભાગે શોધખોળ બંધ કરી
  • ભોગ બનેલા તમામ યુવકો 22 અને 23 વર્ષની ઉમરના છે

સુરતના સુવાલી બીચ સમયાંતરે પર્યટકોનો ભોગ લેતો હોય છે. તંત્રની વારંવારની ચેતવણી છતા લોકો દરિયામાં ન્હાવા માટે જાય છે. દરિયો સુંદર અને અહીંનું વાતાવરણ આહલાદક હોવાથી દરિયો પર્યટકોને આકર્ષે છે. પરંતુ સમયાંતરે અહીં લોકોને પોતાનો જીવ ખોવાનો વારો પણ આવે છે. આવી જ ઘટના રવિવાર 29 મે ના રોજ બની છે. જેમાં પાંચ લોકો દરિયામાં ન્હાવા ગયા હતા અને દરિયાના પાણીમાં ખેંચાઈ ગયા હતા. જેમાંથી એકને મહામહેનતે બચાવી લેવાયો હતો. આ સમાચાર લખાય છે ત્યાં સુધી પાણીમાં ખેંચાઈ ગયેલા ચાર લોકો માંથી એકની ડેડબોડી મળી હોવાનું પાલિકાના ફાયર વિભાગે જણાવ્યું હતું. અન્ય ત્રણ લોકોને પાલિકાના ફાયરના જવાનો દ્વારા શોધવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પાણીમાંથી જેની ડેડ બોડી બહાર કાઢવામાં આવી છે તે આઝાદ નગર ઝુપડપટ્ટી, રસુલાબાદ, ભટાર નિવાસી 23 વર્ષીય મૃતકનું નામ સાગર પ્રતાપ સાલ્વે છે. જ્યારે જે યુવકને બચાવી લેવાયો છે તેનું નામ વિકાસ દિલીપ સાલ્વે રહેઠાણ આઝાદ નગર ઝુપડપટ્ટી નિવાસી છે. સમાચાર લખાયા સુધી ફાયર વિભાગ જે ત્રણ લોકોને શોધી રહી છે તેમા ક્રિષ્ના નગર સોસાયટી ઇચ્છાપોર નિવાસી સચીન કુમાર જાતવ, આઝાદ નગર ઝુપડપટ્ટી નિવાસી શ્યામ સંજય સાઉદકર અને ત્યાંના જ નિવાસી અકબર યુસુફ શેખ છે. તેઓની કોઈ ભાળ ન મળતા પાલિકાના ફાયર વિભાગે રાત્રે 8.30 કલાકે શોધખોળ બંધ કરી દીધી હતી.

Most Popular

To Top