સુરત: (Surat) સુરત મનપાની સામાન્ય સભામાં કાશ્મીર ફાઈલ્સ મુવીનો (Kashmir Files Movie) મુદ્દો ગાજ્યો હતો. સામાન્ય સભામાં ઝીરો અવર્સની ચર્ચા દરમિયાન વ્રજેશ ઉનડકટે જણાવ્યું હતું કે, ‘સુરતના જમરૂખગલીનો મુદ્દો ગુજરાતમાં ગાજી રહ્યો છે. સજ્જુ કોઠારી જેલના સળિયા પાછળ છે. જેમાં સુરત મનપાના (Surat Corporation) સેન્ટ્રલ ઝોનના અધિકારીઓની કામગીરી સરાહનીય છે કે તેઓએ સજ્જુ કોઠારીના ગેરકાયદે બાંધકામો તોડી પાડ્યા હતા અને બડેખાચકલાની મનપાની જગ્યાનો કબજો પણ લેવાયો છે’ તે અંગે ચર્ચા કરવામાં આવી હતી અને હજી પણ મનપાની ઘણી જગ્યાના કબજા લેવાશે તેમ તેઓએ જણાવ્યું હતું.
તે ઉપરાંત વ્રજેશ ઉનડકટે જણાવ્યું હતું કે, ‘ભાજપ દ્વારા કાશ્મીર ફાઈલ્સ લોકોને બતાવી છે’ ત્યારે આપના કોર્પોરેટરોએ કહ્યું હતું કે, ‘અમે તો બાકી રહી ગયા.’ જેથી વ્રજેશ ઉનડકટે જણાવ્યું હતું કે, તમે બાકી જ રહી જશો. જેથી આપના કોર્પોરેટરો કહ્યું હતું કે, ટેક્સ ફ્રી કરવા કરતા, આ ફિલ્મ યુ ટ્યુબ પર મુકી દો. જેમાં સભામાં હોબાળો થયો હતો. અને વ્રજેશ ઉનડકટે કહ્યું હતું કે, કાશ્મીર ફાઈલ્સ જોવાનું તમારૂ કાળજું નથી. જેથી આપના સભ્યો વિફર્યા હતા અને તેઓએ કહ્યું હતું કે, તમારામાં તાકાત હોય તો, ગોધરા કાંડ લોકોને બતાવો અને પાવર ઓફ પાટીદાર રીલીઝ કરાવો. વધુમાં વ્રજેશ ઉનડકટે આપની સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ‘દિલ્હીની સરકારે 500 શાળા શરૂ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ એમાં તો દારૂના ઠેકા જ ચાલે છે. અને દારૂના ઠેકા બંધ કરવાની માત્ર વાતો થાય છે પણ દિલ્હીમાં દારૂના ઠેકા દિવસે ને દિવસે વધી રહ્યા છે.’
સામાન્ય સભામાં વિપક્ષી સભ્ય મહેશ અણઘડ દ્વારા આપમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં આવેલા કુંદન કોઠિયા ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, તેઓ ચાલુ સભામાં મોબાઈલમાં રેકોર્ડિંગ કરી રહ્યા છે. આવા આક્ષેપ સાથે જ સામાન્ય સભામાં હોબાળો થયો હતો. આપ અને ભાજપના કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. દરમિયાન કુંદન કોઠિયાએ આગળ આવી કહ્યું હતું કે, તેઓનો મોબાઈલ ચેક કરી લેવામાં આવે. તેઓ દ્વારા કોઈ રેકોર્ડિંગ કરવામાં આવ્યું નથી. તેમ છતાં આપના કોર્પોરેટરો આક્ષેપ કરતા રહ્યા હતા. જેથી શાસક પક્ષના નેતા અમિત રાજપૂતે વિપક્ષના આ વલણને મહિલાઓનું અપમાન ગણાવી વિપક્ષી સભ્ય પાસે માફી મંગાવવા મેયર સમક્ષ માંગ કરી હતી. જો કે, વિપક્ષી સભ્યએ માફી માંગવાનો ઇન્કાર કરતાં ભાજપનાં મહિલા કોર્પોરેટરોએ હોબાળો મચાવી દીધી હતો. તેથી અધ્યક્ષ સ્થાનેથી મેયર હેમાલીબહેને તમામ કામો એક સાથે મૂવ કરી મંજૂરી આપી દઇ સભા સમાપ્તિની ઘોષણા કરી દીધી હતી. આમ એજન્ડા પરનાં કામો પર કોઇ નક્કર ચર્ચા વગર જ સભાનું સમાપન થઇ ગયું હતું.