સુરત: (Surat) અમરોલી ખાતે રહેતા અને પ્રિન્ટીંગ પ્રેસ જોબવર્કનું કામ કરતા વેપારી (Trader) લોકરમાંથી 2.70 લાખ લઈને ઘરે જતા હતા ત્યારે બાઈક (Bike) પર આવેલા બે અજાણ્યાઓ રોકડની લુંટ (Loot) કરી ભાગી ગયા હતા. અને વેપારીને તીક્ષ્ણ હથિયાર વડે ઇજા પણ પહોંચાડી હોવાની ફરિયાદ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં (Police station) નોંધાઈ હતી.
- કોસાડ રોડ પર બાઈક સવાર બે અજાણ્યાઓ વેપારી પાસેથી 2.70 લાખ રોકડની લુંટ કરી ફરાર
- નંબર પ્લેટ વગરની બાઇક પર બે બુકાનીધારી લૂંટારૂ ઘસી આવ્યા હતા
- લોકરમાંથી રૂપિયા લઈને ઘરે જતી વખતે વેપારીને ચાલુ બાઇકે લાત મારી તીક્ષ્ણ હથિયાર વડે ઇજા પહોંચાડી હતી
અમરોલી ખાતે દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા 37 વર્ષીય ગૌરાંગભાઇ મુકેશભાઇ ટીટીયા મુળ જુનાગઢના વતની છે. તેઓ પ્રિન્ટીંગ પ્રેસ જોબ વર્કનું કામ કરે છે. તેમને ધંધાના પૈસા મુકવા માટે ઉત્રાણ સિલ્વર બીઝનેસ હબમાં શ્રીજી સેઈફ ડીપોઝીટ વોલ્ટમાં લોકર ખોલાવ્યું છે. ગઈકાલે તેઓ પોતાની બાઈક ઉપર ઘરેથી લોકરમાં પૈસા લેવા માટે ગયા હતા. લોકરમાંથી રોકડા 2.70 લાખ રૂપિયા થેલીમાં મુકીને બાઈક ઉપર ઉત્રાણ આદીત્ય કોમ્પલેક્ષમાં આઈસીઆઈસીઆઈ બેંકમાં પૈસા જમા કરવા માટે ગયા હતા.
બેંક બંધ હોવાથી તેઓ કોસાડ તરફથી તેમના ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે નંબર પ્લેટ વગરની બાઇક પર બે બુકાનીધારી લૂંટારૂ ઘસી આવ્યા હતા. ચાલુ બાઇકે લાત મારતા ગૌરાંગ રોડ પર પટકાયો હતો. અને બે પૈકી એક લૂંટારૂએ બાઇકની ચાવી લઇ રોડ સાઇડના ખેતરમાં ફેંકી દીધી હતી. જયારે બીજા લૂંટારૂએ તીક્ષ્ણ વસ્તુ વડે જમણા હાથના બાવડા પર ઇજા પહોંચાડી પેન્ટના ખિસ્સામાંથી રોકડા 2.70 લાખ રુપિયા કાઢી લુંટી લીધા હતા. અને બાઈક લઈને વેણીનાથ રેલવે ગરનાળા તરફ ભાગી ગયા હતા. ગૌરાંગે તાત્કાલિક પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતા પીસીઆર વાન સ્થળ પર પહોંચી ગઈ હતી. ઉત્રાણ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.