સુરત: (Surat) સુરત પોલીસે સચીન એલઆઈજી (LIG) આવાસના મકાનમાં રેડ કરી ગાંજાનું (Cannabis) વેચાણ કરતા આરોપીને ઝડપી પાડ્યો છે. એસઓજીએ અહીંથી પ્રતિબંધિત ગાંજાનો જથ્થો વજન કરવાનું સાધન તથા ગાંજો પીવા માટેના રેઝલા પેપરો, સ્ટીકો તથા ચીલમ સાથેનો મુદ્દામાલ કબ્જે કરીને એકની ધરપકડ કરી છે. એસઓજી પોલીસે બાતમીના આધારે સચિન એલઆઈજી આવાસ ખાતે રહેતા બૈજનાથ શિવનંદન સિંહના ઘરે દરોડા પાડ્યા હતા. જ્યાંથી પોલીસને દોઢ કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને તમામ મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- સુરત પોલીસે સચીન એલઆઈજી આવાસના મકાનમાં રેડ કરી ગાંજાનું વેચાણ કરતા આરોપીને ઝડપી પાડ્યો
- પોલીસે ગાંજાનો જથ્થો, વજન કરવાનું સાધન તથા ગાંજો પીવા માટેના રેઝલા પેપરો, સ્ટીકો તથા ચીલમ સાથેનો મુદ્દામાલ કબ્જે કર્યો
- ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે રેડ કરી હતી જ્યાંથી એક વ્યક્તિ ઝડપાયો
સુરત શહેરમાં અન્ય રાજ્યોમાંથી ચોરી છુપીથી નાર્કોટીક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડવાના પ્રયાસ એસઓજીએ નિષ્ફળ બનાવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની પ્રવૃતી કરતા ઈસમો ઉપર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે. સુરત એસઓજીની ટીમને સચીનના આવાસ તથા સ્લમ વિસ્તારમાં નાર્કોટીક્સનું રેકટ ચલાવતા કેટલાક ઈસમો અંગેની માહિતી મળી હતી. પોલીસને માહિતી મળી હતી કે અહીં ગાંજાનો જથ્થો મંગાવી સંતાડવામાં આવી રહ્યો છે. ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે રેડ કરી હતી જ્યાંથી એક વ્યક્તિ ઝડપાયો હતો.
આ અગાઉ સુરતમાં શનિવારે સુરત ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સના મોટા જથ્થા સાથે રાંદેરના અલ્લારખાં ઉર્ફે લાલાને ઝડપી (Arrest) પાડ્યો હતો. લાલો પોતાના સાગરિતો સાથે વરાછા પર્વત પાટિયા પર આવેલા ડીઆર વર્લ્ડની ઉપરના માળે આવેલી હોટલ ફ્રાન્સના રૂમમાં ડ્રગ્સ વેચતો હતો ત્યારે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે તેને પકડી તેની પાસેથી 7.82 લાખની કિંમતનું 78.220 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આઈમાતા રોડ પર આવેલા ડીઆર વર્લ્ડના ત્રીજા માળે આવેલી હોટલ ફ્રાન્સ (OYO)ના રૂમ નં. 7માં રાંદેરના રાજીવનગર ઈંટની ભટ્ટી પાસે સુલતાનીયા જીમખાનાના ગ્રાઉન્ડની સામે રહેતા ડ્રગ્સ પેડલર 34 વર્ષીય અલ્લારખાં ઉર્ફે લાલા મહમદસફી બરફવાલા રોકાયેલો છે. અલ્લારખાં પાસે ખૂબ મોટા પ્રમાણમાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો છે અને અહીંથી તે ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની પાક્કી બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી, જેના આધારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઓયો હોટલના રૂમમાં રેઈડ કરવામાં આવી હતી.