સુરત: શહેરમાં 24 કલાકમાં ત્રણ વ્યક્તિઓના બેભાન થયા બાદ મોત નિપજ્યું હતું. જેમાં પર્વતગામના કાપડના કારખાનેદારનું અચાનક બેભાન થઈ જતા તેમજ લીંબાયતમાં રિક્ષા ચાલક રાત્રે સૂઈ ગયા બાદ સવારે ઉઠ્યો નહિ અને લિંબાયતમાં ટેમ્પો ડ્રાઈવરનું અચાનક બેભાન થઈ ગયા બાદ મોત થયું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર પર્વતગામ મહાદેવ નગરમાં રહેતા કિશોર મદનલાલ જરીવાલા (45 વર્ષ) કાપડના મશીન ચલાવી પત્ની અને બે સંતાન સહિતના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સોમવારે બપોરે કિશોરભાઈ ઘરે અચાનક બેભાન થઈ ગયા હતા. જેથી પરિવારજનો તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે કિશોરભાઈને મૃત જાહેર કર્યા હતા.
બીજા બનાવમાં, મૂળ મહારાષ્ટ્ર ધુલિયાના વતની અને હાલ લીંબાયત શાંતિનગર સોસાયટીમાં રહેતા ગજેસિંગ નારાયણસિંગ ગીરાશે (40 વર્ષ) રીક્ષા ચલાવી પત્ની, બે પુત્ર તેમજ એક પુત્રી સહિતના પરિવારનું ગુજરાત ચલાવતા હતા. ગજેસિંગ રવિવારે રાત્રે પરિવાર સાથે જમીને સૂઈ ગયા હતા. સોમવારે સવારે પરિવારજનો ગજેસિંગને ઉઠાડવાનો પ્રયાસ કર્યા હતા. પરંતુ તેઓ ઉઠ્યા ન હતા. જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે ગજેસિંગને મૃત જાહેર કર્યા હતા.
ત્રીજા બનાવમાં, મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ વિનોબા નગરમાં રહેતા 46 વર્ષીય જ્ઞાનેશ્વર મહાદુ પાટીલ ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સોમવારે સવારે જ્ઞાનેશ્વર નીલગીરી સર્કલના ગ્રાઉન્ડમાં ટેમ્પો પાસે ઊભા હતા. તે વખતે જ્ઞાનેશ્વર અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતા. પુત્ર મનોહર તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.