સુરત: (Surat) સુમુલ ડેરી (Sumul Dairy) દ્વારા સુરત શહેર જિલ્લો અને તાપી જિલ્લામાં દૈનિક સરેરાશ 75 લાખની વસ્તી સામે રોજ 11.65 લાખ લીટર દૂધનું વેચાણ કરવામાં આવે છે. દિવાળી, મહાશિવરાત્રી, ચંદની પડવો જેવા પર્વ હોય ત્યારે 14લાખ લીટર સુધી દૂધનું વેચાણ થતું હોય છે. કોરોનાની બીજી લહેર પછી સુરત શહેર, સુરત જિલ્લો અને તાપી જિલ્લામાં કામ કરતા 18 લાખથી વધુ કામદારોએ (Workers) વતન પલાયન કરતા સુમુલ ડેરીના દૂધ વેચાણને વ્યાપક નુકશાન થયું હતું. નાણાકીય વર્ષ 2020-21માં 300 કરોડનું દૂધ અને દૂધની બનાવટનું વેચાણ ઓછું થયું હતું.
સુમુલ ડેરી દ્વારા દૂધના વેચાણ માટે માઇક્રો લેવલે આયોજન કરવામાં આવતુ હોય છે. વિતરકો પાસે ઘર સુધીના દૂધના વેચાણના ડેટા હોય છે. આ ડેટા પ્રમાણે સુરત અને તાપી જિલ્લામાં કોરોનાની સ્થિતિમાં વ્યાપક સુધારો થયો છે. કારીગરો સુરત અને તાપી જિલ્લામાં પરત આવી રહ્યા છે. તેમ છતાં સામાન્ય દિવસોમાં રોજના 11.65 લાખ લીટર દૂધના વેચાણ સામે હાલ 10.40 લાખ લીટર દૂધનું વેચાણ થઇ રહ્યુ છે. એટલે કે 1.25 લાખ લીટર દૂધ અત્યારે પણ ઓછું વેચાઇ રહ્યું છે. આ ડેટા પ્રમાણે સુરત-તાપી રિજિયનમાં જે પરપ્રાંતિય પરિવારો રહેતા હતા તે પૈકી 7 લાખ લોકો પરત આવ્યા નથી. જ્યારે 11 લાખ શ્રમિકો સુરત અને તાપી જિલ્લામાં પરત આવી ગયા છે.
ઉત્તરભારતમાં 25 જૂન અને 3 જુલાઇએ મોટી સંખ્યામા લગ્ન હોવાથી કારીગરો તે પછી પરત થશે
ઇન્ટુકના પ્રદેશ મહામંત્રી કામરાન ઉસ્માનીએ જણાવ્યું હતું કે ઉત્તરભારત અને ઓડિશામાં ગયેલા કારીગરો ખેતી અને અન્ય કામોમાં જોતરાઇ ગયા છે. તે ઉપરાંત ઉત્તરભારતમાં 25 જૂન અને 3જુલાઇએ મોટી સંખ્યામાં લગ્નો હોવાથી કારીગરો 26 જૂનથી 5 જુલાઇના સમયગાળામાં પરત આવી શકે છે. અત્યારે ટ્રેનોમાં કારીગરો આવી રહ્યા છે. પરંતુ એક ટ્રેનમાં 1600 પેસેન્જર અને કન્ફર્મ ટિકિટની જોગવાઇ હોવાથી કારીગરોનો પરત થવાનો ફલો ઓછો છે. ઉદ્યોગકારો 25 જુન પછી પ્રાઇવેટ વાહનો મોકલી કારીગરોને લાવવાનું આયોજન કરી રહ્યા છે. અત્યારે મિલ માલિકો હોય કે વીવર્સ તેમને કારીગરોને પરત લાવવાની કોઇ ઉતાવળ નથી. કારણ કે દક્ષિણ ભારતમાં લોકડાઉનને લીધે કાપડની મંડીઓ ખુલી નથી.
જુલાઇના પ્રથમ સપ્તાહથી કાપડ ઉદ્યોગમા સ્થિતિ સામાન્ય બનશે
પાંડેસરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ કમલવિજય તુલસ્યાને જણાવ્યું હતું કે ચાલુ માસના અંતથી લઇ જુલાઇના પ્રથમ સપ્તાહ સુધીમાં ટેક્સટાઇલ ઉદ્યોગ રાબેતા મુજબ ધમધમતો થઇ જશે. બધા આશા રાખીને બેઠા છે કે દક્ષિણ ભારતમાં કોરોનાની સ્થિતિમા સુધાર આવી જાય. અત્યારે દક્ષિણ ભારતના મોટા શહેરોની કાપડ માર્કેટ બંધ પડી છે.
ગ્રે કાપડની 40 ટકાજ ડિમાન્ડ છે તેને લીધે વીવર્સોને કારીગરોને લાવવાની કોઇ ખાસ ઉતાવળ નથી
ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળાએ જણાવ્યું હતું કે ગ્રે કાપડની ડિમાન્ડ માત્ર 40 ટકા છે. તેને લીધે 12 કલાકની એક પાળી કામ ચાલી રહ્યુ છે. વીવીંગમાં અત્યારે કારીગરોને લાવવાની કોઇ ઉતાવળ નથી. રાજસ્થાન, દિલ્હી, પંજાબ, હરિયાણા અને દક્ષિણ ભારતના રાજ્યોમાં કોરોનાની સ્થિતિ સુધરે નહી ત્યાં સુધી સુધારો જોવા મળશે નહી.
ગયા વર્ષે લોકડાઉન પછી કારીગરોને વિમાનમાં લાવવામાં આવ્યા હતા
2020માં લોકડાઉન ઉઠી ગયા પછી સુરતના કાપડ ઉદ્યોગમા તેજીનો કરંટ જોવા મળતા મિલ માલિકો અને વોટરજેટ, એરજેટ અને રેપિયર જેવા હાઇસ્પીડ લુમ્સ ચલાવતા વીવર્સોએ કારીગરોને લાવવા માટે ફ્લાઇટની વ્યવસ્થા કરી હતી. લખનૌ, બનારસ, ગોરખપુર, કોલકાતા, રાંચી, ભુવનેશ્વર અને પટનાથી કારીગરોને લાવવા માટે ઉદ્યોગકારોએ ફ્લાઇટની ટિકિટ મોકલાવી હતી. જેથી ચાવીરૂપ મહત્વના કારીગરોને સુરત લાવી શકાય પરંતુ અત્યારે ઉદ્યોગકારો મંદી અને દક્ષિણ ભારતની માર્કેટ બંધ હોવાથી એવી ઉતાવળ નથી કે કારીગરોને લાવવા ફ્લાઇટની ટિકિટ આપવી પડે.