સુરત: સુરત શહેર અને જિલ્લામાં ગરમીના કહેર વચ્ચે વીજળી વેરણ બનતા લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં વીજળીની લાઇ્ન તેમજ સબ સ્ટેશનના નિભાવને લઇને પાવર કટ શિડયુલ જાહેર કરાઇ રહ્યા છે. પાવર કટને કારણે ગરમી વચ્ચે લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે. ગઇકાલે સુરત શહેરમાં વિક્રમજનક ગરમીના પાર વચ્ચે લાખો ઘરોમાં દિવસ દરમિયાન વીજળી ડૂલ થઇ હતી. ગઇકાલે આખો દિવસ લોકો તોબા પોકારી ગયા હતા.
આ દરમિયાન ગઇકાલે રાતના અરસામાં ફરી પાલ અને અડાજણના કેટલાંક વિસ્તારમાં વીજળી ગઇ હતી. જેને કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. દિવસ દરમિયાન મેઇન્ટેનન્સ ચાલે તે સમજી શકાય છે. પરંતુ રાતે કયું મેઇન્ટેનન્સ હતું તે જાણી શકાયુ નથી. જોકે આ અંગે પુછપરછ કરતા ડીજીવીસીએલના અધિકારીઓએ કહ્યું હતું કે, ચોમાસા પહેલા નિભાવ કામગીરી કરવી પડે છે. જેથી આખી રાત કે આખો દિવસ ચોમાસામાં વીજળી ગૂલ ન થાય આ માટે તેઓ લોકોને આગોતરી જાણ પણ કરે જ છે.
પવનોની દિશા બદલાતા તાપમાન સાડા છ ડિગ્રી ઘટી ગયું પણ બફારો યથાવત
સુરતઃ શહેરમાં આજે મહત્તમ તાપમાનમાં એકાએક સડસડાટ સાડા છ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જોકે પારો ગગડ્યા પછી પણ ગરમી અને ઉકળાટથી લોકો તોબા પોકારી ઉઠ્યા હતા.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, શહેરમાં આજે મહત્તમ તાપમાનનો પારો સાડા છ ડિગ્રી ગગડ્યો હતો. ગઈકાલે શહેરમાં મહત્તમ તાપમાને એપ્રિલ મહિનાની ગરમીનો બે વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો હતો. આજે મહત્તમ તાપમાન સીધું સાડા છ ડિગ્રી ગગડીને 35.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન એક ડિગ્રી વધીને 27.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાતનું તાપમાન 28 ડિગ્રીની નજીક પહોંચતા રાત્રે અસહ્ય ગરમી અને ઉકળાટ અનુભવાઇ હતી. શહેરમાં આજે હવામાં ભેજનું પ્રમાણ પણ વધી જવા પામ્યું હતું. ૫૮ ટકા ભેજ નોંધાતા દિનભર તાપમાનમાં ઘટાડો નોંધાયો હોવા છતાં શહેરીજનો ગરમી અને ઉકળાટથી આકુળ-વ્યાકુળ થયા હતા. આજે તાપમાનમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ પવનની દિશામાં થયેલો ફેરફાર છે. આ શહેરમાં આજે ૯ કિલોમીટરની ઝડપે દક્ષિણ-પશ્ચિમનો પવન ફૂંકાયો હતો.છેલ્લા અઠવાડિયાથી શહેરમાં ઉત્તર અને ઉત્તર-પશ્ચિમનો પવન ફુંકાયો હતો.