સુરત: શહેરના બેગમપુરા (Begampura) ખાતે રહેતા યુવકે માતા (Mother) અને ભાઈને (Brother) હું બહુ વધારે સમય તમારી સાથે નહીં રહું, મારું દિલ કહે છે કે મને અલ્લાહ બોલાવે છે એવું કહીને આપઘાત (Suiside) કરી લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
બનાવ અંગે મળતી માહિતી મુજબ બેગમપુરા ખાતે વાણિયા શેરીના હાતિમ એપાર્ટમેન્ટમાં રહેતા 29 વર્ષીય તાહા યુસુફ વ્હોરા 6 મહિના પહેલા આણંદથી સુરત પોતાના મોટાભાઈની સાથે રહેવા માટે આવ્યો હતો. દરમિયાન ગઈકાલે બપોરે ઘરે પંખા સાથે દોરી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસે પરિવારની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તાહાના પિતા તે નવ મહિનાનો હતો ત્યારથી તેને છોડીને જતા રહ્યા હતા. ત્યારબાદ માતા મજૂરી કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવી રહી છે. તાહા તેની માતાને ‘ હું બહુ વધારે સમય તમારી સાથે નહીં રહી શકું, મારું દિલ કહે છે કે મને અલ્લાહ બોલાવે છે તેવું રટણ કરતો રહેતો હતો. પોલીસ દ્વારા આ અંગે વધારે તપાસ હાથ ધરાઈ છે.
વાંસદાના કામળઝરીની યુવતીએ ઝેરી દવા પી લેતા મોત
વાંસદા : પોલીસ સૂત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ વાંસદા તાલુકાના કામળઝરી ગામે નીચલા ફળિયા ખાતે રહેતા સ્વાતિબેન ભીમજુભાઈ ચવધરી જેણે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેની તબિયત લથડતા પ્રથમ તેને ધરમપુર સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, ત્યારબાદ વધુ સારવારની જરૂર પડતા તેને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
ભરૂચથી વલસાડ આવેલા વિદ્યાર્થીને અકસ્માત થતાં કોમામાં સરી પડ્યો
વલસાડ : વલસાડમાં પોલિટેક્નિક કોલેજમાં અભ્યાસ માટે આવેલા ભરૂચના વિદ્યાર્થીઓને કલ્યાણબાગ પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં એક વિદ્યાર્થી રોડ પર પડી જતાં તેને બ્રેઇન હેમરેજ થયું અને તેના ગુપ્તાંગ પરથી કાર ચાલી જતાં તે કોમામાં સરી પડ્યો હતો. જ્યારે અન્યને નાની મોટી ઇજા પહોંચી હતી. આ ઘટના ત્યારે બની હતી, જ્યારે તેઓ ચાલતા ચાલતા રોડ ક્રોસ કરી રહ્યા હતા.
ભરૂચના અંકલેશ્વરના બોઇડ્ર ગામે રહેતો હરમિત બળવંતસિંહ રાજ તેના જંબુસર ખાતે રહેતા મિત્ર દિવ્યરાજ ભરતસિંહ સિંધા, પ્રજ્ઞેશ વસાવા, ધ્રુવ સૂર્યવંશી, કિર્તી મકવાણા અને યશરાજ સાથે સ્ટેશન પર એક હોટેલમાં રાત્રી ભોજન કરી પરત થઇ રહ્યા હતા. તેઓ કલ્યાણબાગ પાસે પહોંચ્યા ત્યારે રોડ ક્રોસ કરી રહ્યા હતા. એ સમયે પુરપાટ ઝડપે આવતી એક ઇકો કાર (નં. જીજે-15-સીએચ-1527)ના ચાલકે તેમને અડફેટે લઇ ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં દિવ્યરાજ રોડ પર પડી જતાં તેને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી અને ટાયર તેના બે પગ વચ્ચેથી ફરી જતાં તેને ગુપ્તભાગે પણ ગંભીર ઇજા પહોંચી હતી. જેને સારવાર અર્થે પહેલાં વલસાડની હોસ્પિટલમાં અને પછી સુરતની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ અકસ્માતના પગલે દિવ્યરાજ કોમામાં સરી પડ્યો છે. આ ઘટનામાં હરમિત સહિત અન્યને નાની મોટી ઇજા પહોંચી હતી. આ ઘટનાના પગલે તમામ વિદ્યાર્થીઓ હતપ્રત થઇ ગયા હતા. આ અકસ્માત કરી ઇકો કારના ચાલકે કાર ભગાવી દીધી હતી. જોકે, વિદ્યાર્થીઓએ તેનો નંબર નોંધી લીધો હતો. આ સંદર્ભે હરમિતે વલસાડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઇકો કારના ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેને પકડવાની કવાયત હાથ ધરી છે.