સુરત: (Surat) શહેરના ગોડાદરા ખાતે રહેતા પતિએ ફરવા જવાની ના પાડતા રિસાઈ ગયેલી પત્નીએ (Wife) ગળે ફાંસો ખાઈ આપઘાત (Suicide) કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મૂળ યુપીના રાયબરેલીના વતની અને હાલ ગોડાદરા લક્ષ્મણ નગરમાં રહેતો દેવેન્દ્ર દિક્ષિત મોડલિંગ પ્રિન્ટીંગનું કામ કરે છે. 25 દિવસ પહેલા જ દેવેન્દ્રના રૂપાલી (ઉ.વ.17) સાથે યુપીના રાયબરેલીમાં લગ્ન થયા હતા. દેવેન્દ્ર થોડા દિવસ પહેલા જ સુરત આવ્યો હતો. નવા નવા લગ્ન થયા હોવાથી ગઈકાલે સવારે રૂપાલીએ પતિ દેવેન્દ્રને ફરવા જવાનું કહ્યું હતું. પરંતુ પતિ દેવેન્દ્રએ હાલમાં કોરોનાને કારણે વાતાવરણ સારુ નહીં હોવાનું કહી રૂપાલીને ફરવા જવાની ના પાડી હતી.
જેના કારણે રીસાઇ ગયેલી રૂપાલીએ ઘરના પહેલા માળે રૂમમાં સૂઇ જવા માટે જવાનું કહી ગઈ હતી. દરમિયાન દોઢેક કલાક બાદ ઘરમાં પાવર ચાલ્યો જતા દેવેન્દ્ર પત્ની રૂપાલીને ઉઠાડવા માટે ગયો હતો. રૂપાલીએ દરવાજો નહીં ખોલતા દેવેન્દ્ર ચિંતામાં મુકાઇ ગયો હતો. દેવેન્દ્રએ બારીમાંથી જોતા પત્ની રૂપાલી છત પરના પંખાની હુંક સાથે કપડું બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. પતિ દેવેન્દ્રએ ગોડાદરા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોતની નોંધ લઇ આગળની તપાસ શરૂ કરી છે.
વરાછામાં માનસિક અસ્વસ્થ યુવકે ચોથા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો
સુરત: વરાછા મારુતિ ચોક નજીક પ્રમુખ સેવા સોસાયટીમાં બે દિવસ પહેલાં ચોથા માળેથી પડતું મૂકી આપઘાત કરનારા માનસિક રીતે પડી ભાંગેલા યુવકનું શુક્રવારે સાંજે ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ વરાછા મારુતિ ચોક સ્થિત પ્રમુખ સેવા ફણી સોસાયટીમાં રહેતો 33 વર્ષિય વિપુલભાઇ બાલાભાઇ ગોલાણી હાલ માનસિક રીતે અસ્વસ્થ હતા. પરિવાર દ્વારા તેને છેલ્લાં 15 વર્ષથી માનસિક બીમારીની દવા કરવામાં આવી રહી હતી.
દરમિયાન વિપુલભાઇને પેરાલિસીસનો એટેક પણ આવી ચૂક્યો છે. જેના કારણે વિપુલ પડી ભાંગ્યો હતો. વિપુલે ગત ગુરુવારે વહેલી સવારે ત્રણ વાગ્યે ચોથા માળેથી નીચે પડતું મૂક્યું હતું. તેને મૂઢ ઇજા પહોંચતાં તેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં વિપુલનું શુક્રવારે સાંજે ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વરાછા પોલીસને જાણ થતાં પોલીસે અકસ્માત મોતની નોંધ લઇ આગળની તપાસ શરૂ કરી છે.