સુરત: દિકરીએ વિડીયો કોલ કરી પિતાને ફાંસીનો ફંદો બતાવી મોતને વ્હાલુ કર્યુ – Gujaratmitra Daily Newspaper

SURAT

સુરત: દિકરીએ વિડીયો કોલ કરી પિતાને ફાંસીનો ફંદો બતાવી મોતને વ્હાલુ કર્યુ

સુરત : ઉમરા (Umra) વિસ્તારમાં રહેતી પરિણીતાએ લગ્નના (Marriage) પાંચ જ માસમાં આપઘાત (Suicide) કરી લીધો હોવાની ઘટનામાં પોલીસે તેના પતિ અને કાકા સસરા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ (Complaint) નોંધી હતી. મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ચોપડા તાલુકામાં રહેતા 42 વર્ષીય બસ્તીમલ આત્મારામ વાનખેડે ખેતીકામ કરે છે. તેમની મોટી દિકરી ભારતીના સુરતમાં પાલ બ્રિજ પાસે જુના નવસાત મહોલ્લામાં રહેતા સચિન વિજય પાનપાટીલ સાથે લગ્ન કરાવ્યા હતા. ગત 28 તારીખે તેમની દિકરીએ રસોડામાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. દિકરીના આપઘાતના સમાચાર સાંભળી પિતા અને પિયરના લોકો સુરત દોડી આવ્યા હતા.

આ અંગે પોલીસે પુછપરછ કરતા બસ્તીમલે ઉમરા પોલીસ સ્ટેશનમાં તેની દિકરીના આપઘાત પાછળ પતિ સચિન અને સુનિલ ગુલાબરાવ પાનપાટીલ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. મે 2022 માં જ તેમના લગ્ન થયા હતા. લગ્ન બાદ દિકરી ઘરે આવી પછી એકાદ મહિનો પિયરમાં ગામમાં રોકાઈ હતી. ત્યારે ભારતીએ તેના પિતાને અમારે સુરતમાં મકાન લેવાનું છે. મારા કાકા સસરા તથા સચિને મને તારા બાપના ઘરેથી દસ લાખ રૂપિયા મંગાવી લેજે તેમ કહી શારિરીક અને માનસિક ત્રાસ આપ્યો હોવાનું કહ્યું હતું.

પિતાએ દિવાળી સુધી પૈસાની વ્યવસ્થા કરી આપીશ તેમ કહ્યું હતું. બાદમાં સચિન પત્નીને તેડવા આવ્યો હતો. ત્યારે સસરાએ દિવાળી સુધી પૈસાની વ્યવસ્થા કરી આપીશ તેમ કહ્યું હતું. પરંતુ સુરત આવ્યા બાદ દિકરી રોજ પિતાને ફોન કરીને સચિન દારૂ પીને મારતો હોવાની અને ચારિત્ર્ય પર શંકા કરતો હોવાની ફરિયાદ કરતી હતી. અને રૂમમાં પુરીને દરવાજો બંધ કરીને નોકરીએ જતો હતો. ગત 18 તારીખે રાત્રે ભારતીએ તેના પિતાને વિડીયો કોલ કરીને ગળે ફાંસો અને વેરવિખેર થયેલો સામાન બતાવ્યો હતો. જેથી બસ્તીમલે તેમની સાસુ સુરતમાં રહેતી હોવાથી તેને દિકરીને ઘરે મોકલી હતી. ત્યારે સચિને માફી માંગી લેતા સમાધાન થયું હતું. અને ત્યારબાદ 28 તારીખે સચિનના કાકા સુનિલનો ફોન આવ્યો હતો કે તમારી દિકરીને કઈ થઈ ગયું છે સુરત પહોંચો. એટલે સુરત આવીને તેમણે દિકરીની અંતિમ વિધી કરી ઉમરા પોલીસ સ્ટેશનમાં પતિ સચિન અને કાકા સસરા સુનિલ સામે ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top