સુરત: (Surat) સુરત શહેરમાં વિતેલા પંદરેક દિવસથી ચાલી રહેલો શ્રાદ્ધ પક્ષ પૂરો થતા પહેલા નોરતેથી જ મિલકતોના દસ્તાવેજની નોંધણીમાં 30 ટકા ઉછાળો જોવા મળ્યો છે. નોરતા પહેલાના સામાન્ય દિવસોમાં સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં (Sub Registrar Office) રોજેરોજની એપાઇમેન્ટ ખાલી રહેતી હતી, પરંતુ પહેલા નોરતે અઠવા, કતારગામ, ઉધના, નવાગામ અને હજીરા સબ રજિસ્ટ્રાર કચેરીની તમામ એપોઇમેન્ટ ફૂલ થઈ ગઈ હતી.
- નવરાત્રિના પહેલા દિવસથી જ મિલકતના દસ્તાવેજની નોંધણીમાં 30 ટકા ઉછાળો
- અલગ અલગ કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીમાં વધારો થતાં આગામી દિવસમાં એપોઇમેન્ટના સ્લોટ વધારાશે
- અઠવા, કતારગામ, ઉધના, નવાગામ સબ રજિસ્ટ્રાર કચેરીની તમામ એપોઇમેન્ટ ફૂલ થઈ ગઈ
આ કચેરીઓમાં એપોઇમેન્ટ માટે ત્રણ દિવસનું વેઇટિંગ જોવા મળી રહ્યું છે. હજીરા સબ રજિસ્ટ્રાર કચેરીમાં પહેલી ઓક્ટોબરની એટલે કે પાંચ દિવસ પછીની એપોઇમેન્ટ મળી રહી છે. દસ્તાવેજની નોંધણીમાં ઉછાળો થતાં આગામી દિવસમાં એપોઇમેન્ટના સ્લોટની સંખ્યામાં વધારો કરાશે.
સુરતની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં ગરવી ૨ના અમલીકરણના પહેલા દિવસે અંદાજિત ૩૦થી ૪૦દસ્તાવેજ નવી સિસ્ટમ મુજબ થયાં હતા. મોટાભાગની એપોઇમેન્ટ જૂની સિસ્ટમ પ્રમાણે બુક હોવાથી પહેલા દિવસે ગરવી ૨માં ઓછા દસ્તાવેજની નોંધણી થઈ હતી, જોકે, જૂની સિસ્ટમ મુજબ એપોઇન્ટમેન્ટ આપવાની બંધ કરી દેવાતા આ સપ્તાહના અંત સુધીમાં તમામ દસ્તાવેજોની નોંધણી ગરવી-૨ મુજબ જ થશે. જિલ્લા નોંધણી નીરિક્ષક સંદીપ સવાણીએ કહ્યું હતું કે, નવા સોફ્ટવરના અમલીકરણ અને નવરાત્રિના પાવન પર્વને પગલે સુરતની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. નવરાત્રિના પહેલા નોરતે સુરતના અઠવા, કતારગામ, ઉધના, નવાગામ અને હજીરા સબ રજિસ્ટ્રાર કચેરીઓની તમામ એપોઈમેન્ટ ફૂલ થઈ ગઇ હતી. અઠવામાં ૧૧૧, કતારગામ ૨૧૨, ઉધના ૭૪, નવાગામ ૭૪ અને હજીરામાં પણ ૭૪ સહિત કુલ 961 દસ્તાવેજની નોંધણી થઈ હતી.