SURAT

ધો.10માં માસ પ્રમોશન આપી દેવાતાં હવે 30 હજાર વિદ્યાર્થીઓને ધો.11માં સમાવવાનો મોટો પ્રશ્ન

સુરત: (Surat) ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપતા સુરત શહેર અને જિલ્લાની શાળાઓમાં ધોરણ-11ની સમસ્યા સર્જાઈ છે. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના (Students) પરિણામ હજુ જાહેર કરાયા નથી. પરંતુ શાળાઓએ રાબેતા મુજબની પ્રવેશ પ્રક્રિયા શરુ કરી દીધી છે. સુરત શહેર-જિલ્લાની શાળાઓમાંથી ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે રજિસ્ટર્ડ થયેલા ૯૩ હજાર ૫૮૭ વિદ્યાર્થીઓને પ્રમોશન (Promotion) મળ્યું છે. પરંતુ ધોરણ-૧૧ નાં વર્ગો મર્યાદિત હોવાથી આગામી દિવસોમાં શિક્ષણ જગતમાં નવી મુસીબત થશે. શહેર અને જિલ્લામાં શાળાઓએ ચાલુ કરેલા ધોરણ-11ના પ્રવેશ પછી પણ લગભગ ૩૦ હજાર વિદ્યાર્થીઓને કયાં બેસાડવા તે મોટો પ્રશ્ન સંચાલકોને સતાવી રહ્યો છે.

  • અગાઉ ધો.10નું 55થી 65 ટકા પરિણામ આવતું હતું, તે પ્રમાણે વર્ગો મર્યાદિત છે, હવે વિદ્યાર્થીઓ વધી જશે
  • શાળાઓએ રાબેતા મુજબની પ્રવેશ પ્રક્રિયા શરુ કરી દીધી છે
  • સુમન સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ભારે સંઘર્ષ કરવો પડશે
  • ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે રજિસ્ટર્ડ થયેલા 93 હજાર 587 વિદ્યાર્થીઓને પ્રમોશન મળ્યું છે

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું છેલ્લા ૧૦ વર્ષનું પરિણામ સરેરાશ ૫૫ થી ૬૫ ટકા વચ્ચે રહ્યું હતું. આ પરિણામ પ્રમાણે શાળાઓમાં ધોરણ ૧૧-૧૨ના વર્ગોની સંખ્યા પણ મર્યાદિત છે. તાજેતરમાં પરીક્ષા માટે થયેલી નોંધણીમાં જોવા જઇએ તો સુરત શહેર‌-જિલ્લામાં ધોરણ ૧૦ ની પરીક્ષા માટે ૯૩ હજાર ૫૮૭ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, જે તમામને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. જેની સામે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ૬૯ હજાર જેટલી છે. ધોરણ-11ના પ્રવેશ પછી પણ લગભગ ૩૦ હજાર વિદ્યાર્થીઓને કયાં બેસાડવા તે મોટો પ્રશ્ન સામે આવશે.

જેથી સીધો અંદાજો લગાવી શકાય છે કે ધોરણ-૧૧નાં વર્ગોની સંખ્યા ઓછી હોય અને વિદ્યાર્થીઓ ડિપ્લોમાં, સહિતના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા હોવાથી વર્ગોની સંખ્યા ઓછી રાખવામાં આ‍વી હતી. જો કે ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળતા વાલીઓ હાલ ધોરણ-૧૧ના પ્રવેશ માટે સ્કૂલમાં ધક્કા ખાઇ રહ્યા છે. હાલના સંજોગોમાં શાળાઓ પોતાના વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવા માટે ફોર્મ આપી રહી છે, પરંતુ જે શાળાઓમાં ધોરણ-૧૦ સુધીના જ વર્ગો છે તેમાં તેમજ ગ્રામ્ય વિસ્તારની કે પછી પાલિકા સંચાલિત સુમન સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ભારે સંઘર્ષ કરવો પડશે.

Most Popular

To Top