SURAT

ગુજકેટમાં પણ સુરતના વિદ્યાર્થીઓનો ડંકો, ઈજનેરી-ફાર્મસીમાં મેરિટ ઊંચુ જશે

કોરોનાની મહામારી વચ્ચે લેવામાં આવેલી ગુજકેટની પરીક્ષાનું ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ ઇજનેરી અને ફાર્મસીની અટકી પડેલી પ્રવેશ પ્રક્રિયાને પણ વેગ મળશે. ગુજકેટમાં સુરતમાં ૧૪૪૯૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. પરિણામમાં સુરતની પીપી સવાણી સ્કૂલનાં વિદ્યાર્થી પિયુષ રમેશભાઈ કલસરીયાએ અને જયદીપ રમેશભાઈ હડિયાએ ૧૧૭.૫૦ માર્ક્સ સાથે શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે.

ઇજનેરી અને ફાર્મસીના અભ્યાસક્રમના પ્રવેશ માટે મહત્વની ગણવામાં આવતી ગુજકેટની પરીક્ષામાં રાજયના રાજયના ૧,૧૩,૨૦૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. કુલ પરિણામમાં જોવા જઇએ તો ૯૯ કરતા વધુ પર્સન્ટાઇલ રેન્ક મેળવવામાં રાજયમાં એ-ગૃપના ૪૭૪ અને બી ગૃપનાં ૬૭૮ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જયારે ૯૮ કરતા વધુ પી.આર મેળવવામાં એ-ગૃપના ૯૪૦ અને બી-ગૃપના ૧૩૪૭ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ સુરતના નોંધાયા છે. વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પરિણામ મેળવીને સુરતનું ફરી એક વખત નામ રોશન કર્યું છે.

સુરતના પરિણામ અંગે જોવા જઇએ તો પી.પી.સવાણી સ્કૂલનાં વિદ્યાર્થી પિયુષ રમેશભાઈ કલસરીયાએ અને જયદીપ રમેશભાઈ હડિયાએ ૧૧૭.૫૦ માર્ક્સ (૯૯.૯૯ પીઆર) પી.આર. સાથે શ્રેષ્ઠ પરિણામ મેળવ્યંુ છે. આ ઉપરાંત આશાદીપ સ્કૂલનાં વિદ્યાર્થી ધ્રુવ બાલુભાઇ તંતીએ ગુજકેટમાં કુલ ૧૨૦ માંથી ૧૧૬.૨૫ માર્ક્સ મેળવ્યા છે.આ ઉપરાંત શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ પણ શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. સુરત શહેરની વિવિધ શાળાઓનાં વિદ્યાર્થીઓએ ગુજકેટમાં ધાર્યુ પરિણામ મેળવ્યું હોવાથી ઇજનેરી અને ફાર્મસીના પ્રવેશમાં કટોકટ મેરિટનો સામનો કરવો પડે તેમ છે. ખાસ કરીને આ વખતે ધોરણ-૧૨નું પરિણામ વધુ રહ્યું હોવાથી વિદ્યાર્થીઓની મેરિટ સિસ્ટમ અંત્યત કટોકટ ભરેલી રહે તેમ છે.

આશાદીપ સ્કૂલના ધ્રુવ તંતીએ ગુજકેટમાં 120માંથી 116.25 માર્ક્સ હાંસલ કરી રાજ્યમાં ટોપટેનમાં સ્થાન મેળવ્યું

આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સમાં ધો.12 મેથ્સમાં અભ્યાસ કરતા ધ્રુવ બાલુભાઇ તંતીએ ગુજકેટમાં કુલ 120માંથી 116.25 માર્કર્સ મેળવ્યા છે. ધુવ તંતીએ વાતચીત દરમિયાન જણાવ્યું કે તેને સોફ્ટવેર એન્જિનિયર બનવુંછે અને એટલે જ કમ્પ્યુટર સાયન્સમાં પ્રવેશ મેળવશે. ધ્રુવના પિતા બાલુભાઇ ડાયમંડના કારખાનામાં ફેન્સી કટિંગનું કામ કરે છે અને મહિને માંડ પંદરેક હજાર રૂપિયા કમાઇ શકે છે, તેની માતા સાડીઓ પર સ્ટોન ચોંટાડવાનું કામ કરીને પરિવારની આર્થિક મદદ કરે છે. ધુવ તંતીએ એક મહત્વની વાત કહી કે ધો.12નુંમાસપ્રમોશન યોગ્ય નથી. આને કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને નુકસાન થયું છે. તેણે કહ્યું કે, ધો.10માં તેના ફક્ત 83 ટકા જ આવ્યા હતા. ધો.12 સાયન્સ માસ પ્રમોશનમાં ધો.10ના કુલ 50 ટકા માર્ક્સ ગણતરીમાં લેવાયા હોઇ, તેના ધો.12માં આ વખતે ફક્ત 87 ટકા જેટલા માર્ક્સ જ આવ્યા છે. જો વાસ્તવમાં પરીક્ષા લેવાઇ હોત તો પરિણામ હજી વધુ સારું આવ્યું હોત.

ગુજકેટમાં 120માંથી 115.25 માર્ક્સ મેળવનાર પાર્થ લાઠીયાને ડોકટર બની લોકસેવા કરી છે.

આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સમાં ધો.12 બી ગ્રુપમાં અભ્યાસ કરનાર પાર્થ નિલેશભાઇ લાઠીયાએ આજે ગુજકેટમાં કુલ 120માંથી 116.25 માર્કર્સ મેળવ્યા છે. પાર્થના પિતા ડાયમંડ ફેક્ટરીમાં નોકરી કરે છે અને મહિને તેમને પંદરેક હજાર રૂપિયા પગાર મળે છે. તેમના દિકરા પાર્થે તબીબ બનવું છે અને હાલ તેઓ નીટની તૈયારી કરી રહયો છે.

સ્વામીનારાયણ ગુરુકુળના શ્વેત પટેલે વગર ટ્યુશને 200થી વધુ પરીક્ષાઓ જાતે આપી

સિંગણપોર સ્થિત શ્રી સ્વામીનારાયણ ગુરુકુળના ધો.12 મેથ્સ ગ્રુપના વિદ્યાર્થી શ્વેત સુરેશભાઇ લખાણી કહ્યું કે ગુજરાત બોર્ડની પરીક્ષા ભલે ના યોજાઇ હોય પરંતુ તેને પ્રેકટિશ ચાલુ રહે તે માટે પ્રમાણિકતા સાથે 200થી વધુ પરીક્ષાઓ આપી છે તેને કહયુ હતુ કે સતત પરીક્ષાની પ્રેકટિસને કારણે હું આ મુકામ સર કરી શક્યો છું.શ્વેત લખાણીએ કહ્યું કે કોરોના અને લોકડાઉનની પરિસ્થિતિમાં અભ્યાસની ગાડી વારે ઘડિએ પાટા પરથી ઉતરી જતી હતી, આમ છતાં મેં ફોકસ કરવાના અનેક પ્રયાસો કર્યા હતા અને તેમાં હું સફળ થયો છું. બોર્ડની ઓફલાઇન પરીક્ષા યોજાઇ ન હોવાથી ગુજકેટ પરીક્ષા જ નિર્ણાયક પરીક્ષા ગણાય છે ત્યારે 120માથી મારા 115.25 માર્કસ આવ્યા છે અને હું મારા પરફોર્મન્સથી ખુશ છું.શ્વેત લાખાણીએ મિડીયા સાથે વાતચીતમાં જણાવ્યું કે તેના પરફોર્મન્સનું શ્રેય તે ગુરુકુળને આપે છે. શ્વેત લખાણી એક મીડલ ક્લાસ પરિવારનો દિકરો છે અને તેના પિતા સુરેશભાઇ ડાયમંડ કંપનીમાં જોબ કરી રહ્યા છે. શ્વેત પટેલે કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરીને સોફ્ટવેયર એન્જિનિયર બનવું છે.

પીપી સવાણીનો પિયુષ કલસરીયા આખા રાજ્યમાં પ્રથમ ક્રમે હોવાનો દાવો

પી. પી. સવાણી સ્કૂલ હીરાબાગ ખાતે અભ્યાસ કરતા પિયુષ રમેશભાઈ કલસરિયાએ ૧૧૭.૫૦ માર્ક્સ, ૯૯.૯૯ પર્સનટાઈલ મેળવી સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.શિક્ષણ જ ભવિષ્યનો પાયો છે તેવા વિચાર ધરાવતા હીરા મજૂરીકામ કરતા પિયુષના પિતા રમેશભાઈએ પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે પોતાના બાળકોને અભ્યાસ કરાવવા માટે પરસેવો પાડ્યો અને બાળકો ડાયમંડ સિટીમાં ડાયમંડ તરીકે ઊભરી આવ્યા છે. તેમને ચાર સંતાનોમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. એક પુત્રી હાલ સ્મીમેર હોસ્પિટલમાં એમબીબીએસ અને બીજી પુત્રી બીએચએમએસનો અભ્યાસ કરે છે. પિયુષનું સપનું એમબીબીએસમાં જવાનું છે. હાલ તેઓ સુરતના વરાછા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે.

Most Popular

To Top