સુરત: (Surat) આગામી 14 માર્ચથી બોર્ડની પરીક્ષામાં (Board Exam) શહેરનો ટ્રાફિક વિદ્યાર્થીઓ (Student) માટે અડચણ ન બને તે માટે સુગમ અને સરળ વ્યવસ્થા કરી દેવાઈ છે. ટ્રાફિક પોલીસ (Traffic Police) દ્વારા અલગથી સ્ટાફ ફાળવી દેવાયો છે. અને જો જરૂર પડશે તો વિદ્યાર્થીને પોલીસ બાઈક પર પરીક્ષા કેન્દ્ર સુધી પણ પહોંચાડશે.
- ટ્રાફિકમાં અટવાયેલા વિદ્યાર્થીઓને પોલીસ બાઈક પર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે
- બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સુગમ ટ્રાફીક વ્યવસ્થા માટે 18 પોલીસ અધિકારી અને 78 ટીઆરબી તહેનાત કરાયા
આગામી 14 માર્ચથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ- ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની પરીક્ષા શરૂ થઈ રહી છે. શહેરમાં હાલ મેટ્રો રેલ્વે તથા સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ રોડ-રસ્તાના કામો ચાલુ છે. જેથી રસ્તાઓનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. મોટાભાગના વિદ્યાર્થીઓ સુરત રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, સીટી બસથી પોતાના પરીક્ષા કેન્દ્ર પર જતા હોય છે. તો ટ્રાફિકના કારણે કોઇ સમસ્યા ન ઉદ્દભવે તેના માટે ટ્રાફિક શાખા તરફથી ખડેપગે 18 પોલીસ અધિકારી અને કર્મચારી તથા 78 ટીઆરબીનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત દિલ્હીગેટથી ભાગળ વચ્ચે મસ્કતિ હોસ્પિટલ ખાતે મેટ્રો સ્ટેશનનું કામ ચાલુ હોવાથી રસ્તો બંધ કરાયો છે. જેથી ઝાંપાબજાર તથા ગલેમંડી તરફ રસ્તાનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ વિસ્તારમાં ટ્રાફીક નિયમન માટે કુલ 8 પોઇન્ટ ઉપર બન્ને સિફ્ટમાં મળી કુલ ૮ પોલીસ તથા 36 ટીઆરબી તથા મેટ્રો તરફથી મર્શલો ટ્રાફિકની મદદમાં મુકવામાં આવ્યા છે.
જે તે પોઈન્ટના કર્મી બાઈક લઈને પહોંચી જશે
ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે, પેટ્રોલિંગ ટીમમાં સેમી સર્કલ ઉપરાંત 2 ટીમ મુકવામાં આવી છે. તેમજ પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને ટ્રાફિક બાબતે કોઇ સમસ્યા થાય તો ટ્રાફિક હેલ્પ લાઇન નં- ૭૪૩૪૦૯૫૫૫૫ પર સંપર્ક કરી શકે છે. એસીપી દ્વારા જે તે રિજીયનના પીઆઈ અને ફાળવામાં આવેલા પોઈન્ટના પોલીસ કર્મીને મોકલવામાં આવશે.
બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ કેન્દ્રો ઉપર સીટ નંબર જોવા પહોંચ્યા
સુરત : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષા આગામી 14 માર્ચ મંગળવારથી શરૂ થવા જઈ રહી છે. ત્યારે આજરોજ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો ઉપર પોતાની બેઠક વ્યવસ્થા જોવા પહોંચ્યા હતા. આગામી બે દિવસ તેઓ પરીક્ષા કેન્દ્રો ઉપર બેઠક વ્યવસ્થા જોઈ શકશે.
વિદ્યાર્થી જીવનમાં બોર્ડની પરીક્ષાઓ એટલે જાણે આખો પરિવાર પરીક્ષા આપવાનો હોય તેવો માહોલ ઘરમાં જોવા મળે છે. આગામી મંગળવારથી બોર્ડની પરીક્ષાઓને લઈને તમામ તૈયારીઓ સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. સુરત શહેર અને જિલ્લામાં ધોરણ-10નાં 90,253 વિદ્યાર્થીઓ, ધોરણ-12 સામાન્ય પ્રવાહ 52,350 વિદ્યાર્થીઓ અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના 16,699 વિદ્યાર્થીઓ નોંધાયા છે. સુરત શહેર અને જિલ્લામાં કુલ 1 લાખ 59 હજાર 302 વિદ્યાર્થીઓની સાથે ચુસ્ત નિયમો અમલી બન્યા હોવાથી પરીક્ષા સ્ટાફ પણ અગ્નિ પરીક્ષા આપશે. પરીક્ષામાં કોઇપણ પ્રકારની ગેરરીતિ નહીં થાય અને ઉત્તરવહીમાં સ્ટીકરની કાળજીથી લઇ અનેક પ્રકારની ભુલોમાં આ વખતે બોર્ડ દ્વારા નવા નિયમો અમલમાં મુક્યા હોવાથી પરીક્ષા સ્ટાફે ગંભીરતા સાથે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી ફરજિયાત બનશે. ત્યા બીજી બાજુ આજે સવારથી વિદ્યાર્થીઓ વાલીઓ સાથે પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચ્યા હતા. તેમની બેઠક વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.