સુરત : (Surat) કતારગામ પાસે રસ્તા વચ્ચે જ ઊભેલી ટ્રકની (Truck) અડફેટે ધો.11 સાયન્સના વિદ્યાર્થીનું (Science Student) મોત (Death) નીપજતાં પરિવારમાં ગમગીની છવાઇ હતી. આ પરિવાર રાજકોટ એક લગ્નપ્રસંગમાં (Wedding) જવાનો હતો. પરંતુ તે પહેલા જ પુત્રના મોત નીપજ્યું હોવાની ઘટના બની હતી.
- મૂળ વેરાવળના વતની અને સુરતમાં સિંગણપોર ખાતે રહેતા બ્રાહ્મણ પરિવાર પર આભ તૂટી પડ્યો
- એકનો એક જુવાન પુત્ર પ્રિયાંશુગીરીના મોતથી પરિવાર આઘાતમાં સરી પડ્યો
- લગ્નમાં પહેરવા માટેનું પેન્ટ બદલવા ગયો ત્યારે ઉભેલી ટ્રક સાથે ભટકાતા રસ્તા પર જ કાળ ભરખી ગયો
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના વતની અને હાલ સિંગણપોર કંથેરીયા હનુમાન મંદિર સામે દેવપ્રયાગ રેસીડેન્સીમાં રહેતા 45 વર્ષીય નિમેષગીરી દિનેશગીરી ગૌસ્વામી એકાઉન્ટન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો એકનો એકનો પુત્ર પ્રિયાંશુગીરી પ્રાઇવેટ સ્કૂલમાં ધો.11 સાયન્સમાં અભ્યાસ કરે છે. નિમેશગીરીએ પુત્રને સ્કૂલે આવવા-જવા માટે મોપેડ એક્ટિવા આપી હતી. નિમેશગીરીના સંબંધીના રાજકોટમાં લગ્ન હોવાથી તેઓ રાજકોટ જવાની તૈયારી કરી રહ્યા હતા.
બીજી તરફ તેમનો પુત્ર પ્રિયાંશુ લગ્ન માટે ખરીદેલું પેન્ટ મોટુ હોવાથી વરાછા અશ્વિનીકુમાર રોડ ઉપર બદલવા માટે ગયો હતો. પેન્ટ બદલાવીને સાંજે સાડા સાત વાગ્યે પ્રિયાંશુ પરત આવી રહ્યો હતો. ત્યારે કતારગામ આંબાતલાવડી પાસે આદર્શ સોસાયટી નજીક રસ્તા વચ્ચે એક ટ્રક ઊભી હતી. દરમિયાન પ્રિયાંશુને ટ્રક દેખાઇ ન હતી અને મોપેડ ધડાકાભેર ટ્રકની સાથે ભટકાયું હતું. જેથી પ્રિયાંશુને માથામાં તેમજ છાતીના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે કતારગામ પોલીસે ટ્રક ડ્રાઇવરની સામે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
ઓલપાડમાં બે બાળકોના મોતની ઘટનામાં સીસીટીવી ફુટેજને આધારે પોલીસે તપાસ શરૂ કરી
સુરત: ઓલપાડમાં ટ્રેક્ટર પલ્ટી જતા બે માસુમ બાળકોના કરૂણ મોતની ઘટનામાં ઓલપાડ પોલીસ દ્વારા ટ્રેક્ટરના ડ્રાઇવરને શોધવા સીસીટીવી ફુટેજ ઉપરાંત સાયણ સુગર ફેક્ટરીમાં શેરડી લઇ જતા ટ્રેક્ટરોની તપાસ હાથ ધરી છે.
ઓલપાડ સેના ખાડી પાસે ગઇકાલે શેરડી ભરેલા ઓવરલોડ ટ્રેક્ટરની ટ્રોલી પલ્ટી જતા થયેલા અકસ્માતમાં બે માસુમ બાળકોએ જીવ ગુમાવ્યો હતો. આ પ્રકરણમાં ઓલપાડ પોલીસે સદોષ માનવ વધ અને અકસ્માત સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પંક્ચર પડતા શેરડી ભરેલા ટ્રેક્ટરની ટ્રોલીને ડ્રાઇવરે રસ્તા ઉપર જોખમકારક રીતે પાર્ક કરી હતી. દરમિયાન અહીંથી પસાર થઇ રહેલા અન્ય એક ટ્રેક્ટરના ચાલકે ટ્રોલીને ટક્કર મારતા ટ્રોલી પલ્ટી ગઇ હતી. આ સમયે ડિવાઇડર ઉપરથી સાઇકલ લઇને પસાર થતા 12 વર્ષિય બે બાળકો દબાઇ જતા મોતને ભેટ્યા હતા. ઓલપાડ પોલીસે બંને ટ્રેક્ટરના ડ્રાઇવરની ઓળખ કરવા સીસીટીવી ફુટેજ તપાસવાનું શરૂ કર્યું છે આ ઉપરાંત સાયણ સુગર ફેક્ટરીમાંથી ટ્રેક્ટરના ચાલકો કોણ હતા તેની વિગતો મંગાવવા ઉપરાંત આરટીઓમાંથી પણ નંબરોની તપાસ કરાવવામાં આવશે તેમ ઓલપાડ પોલીસ મથકના પી.આઇ. વસાવાએ જણાવ્યું હતું.