સુરત: (Surat) સુરતના માતા-પિતા અને સ્કૂલ શિક્ષકો (School Teachers) માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના અમરોલી ખાતે રહેતો ધોરણ 7 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની ફરિયાદ કરવા માટે તેની માતાને ટીચરે સ્કુલમાં બોલાવી હતી. બાદમાં ઘરે જતી વખતે પિતા તેને બોલશે, તેવા ડરથી માતાનો હાથ છોડાવી કિશોર ભાગી ગયો હતો. જે રવિવારે સવારે રેલવે સ્ટેશન (Railway Station) ઉપર મળી આવ્યો હતો.
- પિતાના ડરથી વિદ્યાર્થી માતાનો હાથ છોડી રસ્તામાંથી ભાગી ગયો
- સવારે વિદ્યાર્થી રેલવે સ્ટેશન ઉપર મળી આવ્યો
- વતન યુપી જવા માટેની ટ્રેન નહીં મળતા બેસી રહ્યો હતો
- અમરોલીમાં સ્કુલ ટીચરે ધોરણ-7 ના વિદ્યાર્થીની માતાને બોલાવી ફરિયાદ કરી તો બની આ ઘટના
અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી ખાતે રહેતો 13 વર્ષીય કીશોર સ્થાનિક શાળામાં ધોરણ 7 માં અભ્યાસ કરે છે. કીશોર તોફાની હોવાથી ગઈકાલે તેની માતાને ટીચરે સ્કુલમાં બોલાવી હતી. કીશોરની ફરિયાદ સાંભળી બાદમાં પુત્રને સાથે લઈને ઘરે જતી હતી ત્યારે તેના પિતા તેને બોલશે તેવું કહ્યું હતું. પિતા તેને બોલશે તેવા ડરથી માતાનો હાથ છોડાવી રસ્તામાંથી ભાગી ગયો હતો. તેની શોધખોળ કરતા તે મળી આવ્યો નહોતો. જેથી અમરોલી પોલીસે અપહરણની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતા આજે સવારે રેલવે સ્ટેશન પરથી મળી આવ્યો હતો. તે વતન યુપી તેની દાદી પાસે જવા માંગતો હતો. પરંતુ ટ્રેન નહીં મળતા સ્ટેશન પર બેઠો હતો. અમરોલી પોલીસે તેને પરિવારને સોંપ્યો હતો.