સુરત: સુરત ખાણીપીણી માટે પ્રખ્યાત છે અને સુરતીલાલાઓ પણ જુદી જુદી વાનગી ખાવાના શોખીન છે. સુરત(Surat) બહારથી આવતા લોકો સુરતની ફેમસ ડિશનો સ્વાદ માણવાનું ચૂકતા નથી અને એટલા જ માટે હવે સુરત મનપા(SMC) દ્વારા સુરતની ફેમસ ડિશ(Famous Food) એક જ સ્થળે મળી રહે એ રીતે સ્ટ્રીટ ફૂડ લેન(Street Food Lane) ડેવલપ કરવાનું આયોજન કરી રહી છે. ઈન્દોર શહેરમાં જેમ 56 સ્ટ્રીટ છે તેવી રીતે સુરતમાં પણ આવી એક લેન બનાવાશે. જેથી કોઈ પણ વ્યક્તિ સુરતની તમામ પ્રખ્યાત ખાણીપીણી અહીં જ મેળવી શકશે. જે માટે હવે મનપા જગ્યા શોધી રહી છે.
- ઈન્દોરની જેમ સુરતમાં પણ ખાણીપીણીની સ્ટ્રીટ ડેવલપ કરવા મનપાએ જગ્યાની શોધ શરૂ કરી
- સુરત બહારથી આવતા લોકો એક જ સ્થળે સુરતની પ્રખ્યાત વાનગીઓનો સ્વાદ માણી શકશે
હાલમાં જ સુરત શહેરમાં નેશનલ સ્માર્ટ સિટી સમિટ યોજાઈ હતી, જેમાં વિવિધ શહેરોના પ્રતિનિધિ આવ્યા હતા. અને સ્માર્ટ સિટી સમિટમાં પણ મનપા દ્વારા ખાણીપીણીની સ્ટોલ મૂકવામાં આવ્યા હતા, જેમાં લોચો, જલારામની ખીચડી વગેરેના સ્ટોલ હતા. જેના પરથી મનપા કમિશનર બંછાનિધિ પાનીને એવો વિચાર આવ્યો કે, સુરત બહારથી આવતા લોકો સુરતની ખાણીપીણીનો સ્વાદ માણી શકે એ માટે વિવિધ વાનગીઓ એક જ સ્થળેથી મળી જાય તેવી સ્ટ્રીટ ફૂડ લેન ડેવલપ કરી શકાય અને તે વિચારને હવે અમલમાં મૂકવા મનપાએ તૈયારી કરી લીધી છે અને આ પ્રકારની લેન માટે મનપા હવે જગ્યા શોધી રહી છે.
ખાવાના શોખીન સુરતીલાલાઓના ફૂડને સ્માર્ટ બનાવવા મનપા આ પોલિસી લાગુ કરશે
સુરત: હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય (MoHUA) દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ના સહયોગથી ‘ઈટ સ્માર્ટ સિટીઝ ચેલેન્જ’ની શરૂઆત કરવામાં આવી છે. આ ચેલેન્જ અંતર્ગત સ્માર્ટ સિટીઝ મિશન હેઠળનાં તમામ શહેરો, રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોની રાજધાની અને 500,000થી વધુ વસતી ધરાવતાં શહેરોને આ ચેલેન્જમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં ઈટ રાઈટ ઈન્ડિયા ફ્રેમવર્ક એક્ટિવિટી હેઠળ હાથ ધરવામાં આવેલી પાયલોટ પ્રવૃત્તિઓના આધારે 108 શહેર આ ચેલેન્જ માટે નોંધાયાં હતાં અને 36 શહેરે તેમના સ્કોર કાર્ડ અને વિઝન ફોર્મ સબમિટ કર્યાં હતાં.
15મી એપ્રિલે યોજાયેલી વર્ચ્યુઅલ ઈવેન્ટમાં જ્યુરી દ્વારા હાલ પ્રથમ તબક્કામાં 11 વિજેતા શહેરોનાં નામ જાહેર કરવામાં આવ્યાં હતાં, જેમાં સુરત શહેરની પણ આ ચેલેન્જમાં પસંદગી કરવામાં આવી હતી. પસંદગી થયેલા તમામ 11 શહેરોએ ઈન્ટરનેશનલ એગ્રીમેન્ટ મિલાન અર્બન ફુડ પોલીસી પેકટ(MUFPP) ભાગ લીધો છે. જેમાં સુરત શહેર દ્વારા પણ ભાગ લેવામાં આવ્યો છે. જે અંતર્ગત તા. 28 મી એપ્રિલે મેયર હેમાલીબેન બોઘાવાલા દ્વારા વર્ચ્યુઅલી જોડાયેલા વિવિધ શહેરોના પ્રતિનિધિઓ સમક્ષ મિલાન અર્બન ફુડ પોલિસી પેકટ માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મિલાન અર્બન ફુડ પોલીસી પેકટમાં ભારતનાં 11 ઉપરાંત જુદા જુદા દેશોનાં 9 શહેરોએ ભાગ લીધો છે.