SURAT

ભારત સરકારે સુરતમાં બનાવ્યો દેશનો સૌપ્રથમ ‘સ્ટીલ રોડ’

સુરત: (Surat) ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત સુરત શહેર હવે સ્માર્ટ રોડ માટે પણ જાણીતો બનશે. સુરતમાં ભારતનો પ્રથમ સ્ટીલ ફિનિશ્ડ રોડ (Steel Road) બનાવવામાં આવ્યો છે. ઔદ્યોગિક વિસ્તાર (Industrial Area) હજીરામાં તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. સ્ટીલ મંત્રાલય અને નીતિ આયોગના નિર્દેશ મુજબનો એક રિસર્ચ પ્રોજેક્ટ છે. મળતી માહિતી મુજબ રસ્તાના નિર્માણમાં 100% પ્રોસેસ્ડ સ્ટીલ એગ્રીગેટ્સ અને 100% અવેજી કુદરતી એગ્રીગેટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ ભારત સરકારના વેસ્ટ ટુ વેલ્થ અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શરુ કરવામાં આવ્યો છે.

સુરતના હજીરા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં બન્યો આ રોડ
જણાવી દઈએ કે આ રોડનું પરીક્ષણ શહેરના હજીરા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં કરવામાં આવ્યું છે કારણ કે ત્યા દરરોજ 1,200 થી વધુ ભારે ટ્રક પસાર થતી હોય છે. આગામી વર્ષોમાં દેશના રસ્તાઓને મજબૂત કરવા માટે સરકાર આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે છે. આ માર્ગ નિર્માણમાં પ્રોસેસ્ડ ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસ સ્ટીલનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે. તે 1.2 કિમી જેટલો લાંબો અને 6 લેન વિભાજિત કેરેજવે રોડ છે. આ રોડના નિર્માણમાં 100% પ્રોસેસ સ્ટીલ એગ્રીગેટ અને 100% અવેજી કુદરતી એગ્રીગેટનો ઉપયોગ કરવામાં આવેલો છે. દેશમાં દર વર્ષે લગભગ 90 મિલિયન ટન સ્ટીલ સ્લેગ ઉત્પન્ન થતુ હોય છે અને તેનું સુરક્ષિત નિકાલ સ્ટીલ ઉદ્યોગમાં થાય છે.

ભારત સરકારની નેશનલ સ્ટીલ પોલિસી અનુસાર વર્ષ 2030 સુધીમાં સ્ટીલનું ઉત્પાદન 300 મિલિયન ટન થઇ શકે તેવી સંભાવના છે. જો આટલા મોટા જથ્થામાં સ્ટીલનું ઉત્પાદન થાય તો ભારતમાં 45 મિલિયન ટન સ્ટીલ સ્લેગ ઉત્પન્ન થઇ શકશે. જેથી સ્લેગના આ જંગી જથ્થાનો ઉપયોગ કરવો એ ખૂબ જ પડકારજનક કાર્ય હશે. પરંતુ જો રોડના નિર્માણમાં સ્ટીલ સ્લેગનો ઉપયોગ કરવામાં આવે તો આ સ્લેગનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવશે. જો આમ થાય તો રસ્તાના નિર્માણ માટે પ્રાકૃતિક પદાર્થોની એકંદર જરૂરિયાત ઓછી થઇ જશે. જ્યારે બીજી બાજુ સારી ગુણવત્તાના રસ્તાઓ બનાવવામાં સફળતા મળી શકે છે. જણાવી દઈએ કે સુરતના હજીરામાં આ રોડ એક વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો. આખા વર્ષ દરમિયાન રોડનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રાહત આપનારી વાત એ છે કે જાડાઈ ધરાવતા સ્ટીલના રસ્તામાં 90% કોઈ ખામી જોવા મળી નથી.

આ રોડ અંગે સ્ટીલ મંત્રાલય અને નીતિ આયોગે કહ્યું કે સુરતમાં તૈયાર થયેલા રોડની જાડાઈ 30 ટકા જેટલી ઘટી ગઈ છે. છતાં તે મજબૂત અને ગુણવત્તાયુક્ત છે. છેલ્લા એક વર્ષથી ભારે ટ્રાફિક હોવા છતા તેમાં કંઈ વધુ ખામી થઇ નથી. 20 થી 22 ટનના ભારે વાહનો પસાર કર્યા પછી પણ તે મજબૂત છે અને ટકી શકે તેવુ છે.

Most Popular

To Top