સુરત: સુરત એસટી બસ ડેપો પર મુસાફરો માટે 5 જેટલા ગેટ બનાવી દેવામાં આવ્યા છે. ડેપો પર રોજના 30,000 જેટલા મુસાફરો અવર-જવર કરી રહ્યા છે. પરંતુ અહીં મુસાફરો માટે સુરક્ષા પ્રશ્નાર્થચિન્હ બની ગઈ છે. રોજના અંદાજિત 30,000 મુસાફરોના અવર-જવરવાળા વિસ્તારમાં ચેકિંગ માટે કોઈ જ નથી તેમજ શંકાસ્પદ વ્યક્તિ પર નજર રાખવા માટે માત્ર ભગવાન જ હોય તેમ લાગી રહ્યું છે.
- દિવસ-રાત મળી રોજના 30000 મુસાફરોની અવરજવર માટે 5 ગેટ, પરંતુ ક્યાંય કોઈ ચેકિંગ નહીં
- મુસાફરના સ્વાંગમાં કોઈ ગુનેગાર, દેશદ્રોહી, આતંકવાદી બિન્દાસ્ત ડેપોમાં ઘૂસી શકે, રોકનારું કોઈ જ નહીં!
‘ગુજરાત મિત્ર’ના ગ્રાઉન્ડ રિપોર્ટિંગમાં જાણવા છે હતું કે, સુરત એસટી બસ ડેપો 24 કલાક કાર્યરત રહેતા બસ ડેપો પૈકીનો એક છે. રેલવે સ્ટેશનની સામે અને શહેરની વચ્ચોવચ આવેલાં બસ ડેપોમાં રોજના 900 જેટલાં બસોના ફેરાઓ થાય છે. તેમજ અંદાજિત 30,000 કરતાં વધુ લોકો મુસાફરી કરતા હોય છે. સુરત બસ ડેપોમાં બસની એન્ટ્રી અને ઍક્ટિસ માટે એક ગેટ છે, પરંતુ લોકોને અવર-જવર માટે બસ ડેપોમાં અલગ-અલગ 5 ગેટ બનાવવામાં આવ્યા છે.
મોટી સંખ્યામાં એકત્રીત થતાં આ જગ્યા પર લોકોની અવર-જવર ઉપર બાજ નજર રાખવા માટે કોઈ જ વ્યક્તિ નથી. લોકોની સલામતી અને સુરક્ષા માટે સુરત બસ ડેપો ખાતે મીંડું જોવા મળી રહ્યું છે. ભૂતકાળમાં શહેરમાં ઘણી જગ્યાએ બોમ્બ મૂકવામાં આવ્યા હોવાના અફવાઓ અને ખબરો વચ્ચે એસટી બસ ડેપો પર કોઈપણ પ્રકારની તપાસ માટે કે સિક્યોરિટી ગાર્ડ ઉપલબ્ધ નથી. મુસાફરો કોઈ પણ તપાસ વિના હેન્ડબેગ અથવા સામાન સાથે ડેપો વિસ્તારમાં આસાનીથી પ્રવેશ મેળવી શકાય છે.
બસ ડેપોની અંદર આવેલી પોલીસ ચોકીની કોઈ માહિતી નથી
સુરત બસ ડેપોની અંદર મહિધરપુરા પોલીસ મથકની એક પોલીસ ચોકી આવેલી છે. પરંતુ તેની અંદર કેટલા પોલીસકર્મીઓ છે? છે કે નહિ? તેમજ આ પોલીસ ચોકીના સ્ટાફનું બસ ડેપોમાં શું કામ છે? તેવી કોઈ પણ અધિકારીને માહિતી નથી. શંકાસ્પદ વ્યક્તિ ઉપર બાજનજર રાખવા માટે કોઈ વ્યક્તિ જ નથી. બસ ડેપોમાં સીસીટીવી કેમેરા છે, પરંતુ તે પણ ચાલુ છે કે બંધ તેનો જવાબ પણ મળ્યો નથી.
બધા લોકોને ચેક કરવા પોસીબલ નથી : એસટી નિયામક
સુરત એસટી નિયામક પી.વી ગુર્જરે જણાવ્યું હતું કે, બસ ડેપો પર રોજના હજારો લોકો આવે છે. એટલે બધાને ચેક કરવા પોસીબલ નથી. અમે ડેપોની અંદર પોલીસ ચોકી માટે જગ્યા આપી છે. ત્યાં પોલીસકર્મીઓ હોય છે. મુસાફરોની સુરક્ષા માટે અમે તૈયારીઓ કરીશું.
દિલ્હી ગેટ પોલીસ મથકના પીએસઆઈ સહિતના પોલીસકર્મીઓ ત્યાં પેટ્રોલિંગ કરે છે: મહિધરપુરા પીઆઈ
મહિધરપુરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એચ.એમ ચૌહાણે જણાવ્યું હતું કે, ડેપોમાં આવેલ પોલીસ ચોકીમાં એક પોલીસકર્મી તેમજ રાત્રે પણ હોમગાર્ડ ત્યાં હોય છે. વિકેન્ડ જેવા એટલે કે શનિ-રવિવારે અમે હેડ ક્વાર્ટરના 5 જેટલા પોલીસકર્મીને ત્યાં રાખીએ છીએ. તેમજ દિલ્હી ગેટ પોલીસ ચોકીના પીએસઆઈ સહિતના પોલીસકર્મીઓ ત્યાં દિવસ-રાત પેટ્રોલિંગ પણ કરે છે.
દિવાળી સહિતના તહેવારોમાં અમે વધારાના પોલીસકર્મીઓ ત્યાં મૂકતા આવ્યા છીએ તેમજ આ દિવાળીમાં 15 પોલીસકર્મી ત્યાં હાજર હતા. પોલીસ તરફથી રેલવે સ્ટેશન તેમજ બસ ડેપો જેવા વિસ્તારમાં કોઈપણ લોકોને હાલાકી નહિ પડે તે માટેની અમે વધારાનું પેટ્રોલિંગ કરીએ છીએ.