સુરત: (Surat) સુરત એસટી નિગમમાં (ST Corporation) હાલમાં સુરતથી અલગ અલગ વિસ્તારોમાં કુલ 148 જેટલી બસો (Bus) દોડી રહી છે. દરમિયાન હાલમાં કુલ 172 બસ છે, તેમાંથી અન્ય બસનું મેઇન્ટેનન્સ કરાઇ રહ્યું નથી. એ માટે જરૂરિયાતની સાધન-સામગ્રી નહીં હોવાને કારણે 32 બસ કન્ડમ અવસ્થામાં છે. દરમિયાન રિપેરિંગ કોસ્ટ ઓછી બતાવવા આ બસો રિપેર કરવામાં નહીં આવી રહી હોવાના આક્ષેપો હવે એસટી નિગમના કર્મચારીઓ (Employee) કરી રહ્યા છે. હાલ પાડાના વાંકે પખાલીને ડામ તેમ મિકેનિક વિભાગના હેડ જગદીશ પટેલને સસ્પેન્ડ કરી દેવાતાં સુરત ડિવિઝનના હેડ સંજય જોષી ફિક્સમાં મુકાયા છે. તેમાં સુરત ડિવિઝનમાં 32 બસ અને અન્ય ડિવિઝન મળીને કુલ 70 બસને ટ્રીટમેન્ટ અપાઇ રહી નથી. હાલમાં જે બસો રસ્તા પર દોડી રહી છે તે પણ ભગવાનભરોસે હોવાના ગંભીર આક્ષેપ કરાઇ રહ્યા છે.
હેડ મિકેનિકને સસ્પેન્ડ કરાતાં આખો ભાંડો બહાર આવ્યો
ચાર દિવસ પહેલાં જગદીશ પટેલને હેડ મેઇન્ટેનન્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ હાલમાં એસટી નિગમમાં કર્મચારીઓ ઉગ્ર મૂડમાં આવી ગયા છે. તેમાં હવે મિકેનિક વિભાગ દ્વારા સીધા આક્ષેપ કરાયા છે કે જે બસો ચાલી રહી છે તેમાં પણ સ્પેર પાર્ટસના અભાવે લોકોના જીવ જોખમમાં મુકાય તેવી બસો રસ્તા પર દોડી રહી છે. જગદીશ પટેલને સસ્પેન્ડ કર્યા પછી બસોની સર્વિસની કામગીરીને ગંભીર અસર થઇ છે. દરમિયાન કટિંગ કોસ્ટ અને બચતના નામે સરવાળે લોકોની જાનમાલને જોખમમાં મુકાઇ રહ્યા હોવાના આક્ષેપ કરાઇ રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓને ખુશ કરવા નાના કર્મચારીઓને વગર વાંકે સજા કરવામાં આવી રહી છે. જ્યારે સ્પેરપાર્ટસ અને મેઇન્ટેનન્સ યોગ્ય ઢબે નહીં થઇ રહ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
શું કહે છે સંજય જોષી
સુરત ડિવિઝનના હેડ સંજય જોષીએ જણાવ્યું કે, આ આક્ષેપો પાયાવિહોણા છે. તેઓ દ્વારા જે કાર્યવાહી કરાઇ છે તે વિભાગીય છે. કોઇપણ કાર્યવાહી અમારે ત્યાં પુરાવા વગર થતી નથી. આ ઉપરાંત આ કાર્યવાહી ડીઇ દ્વારા કરાઇ છે. પરંતુ એસટી નિગમ સુરતમાં જો કોઇ ખોટું હશે તો ચલાવી લેવાશે નહીં. બાકી અન્ય તમામ આક્ષેપો જે કરવામાં આવ્યા છે તે પાયાવિહોણા છે.