SURAT

સુરતમાં લાલગેટ પોલીસમથકમાં યુવકે એસઆરપીની રાઇફલ આંચકવાનો પ્રયાસ કરી હોબાળો કર્યો

સુરત: જાહેરમાં થૂંકવા બાબતે થયેલી માથાકૂટમાં પોલીસ (Police) કંટ્રોલના આધારે પોલીસ એક યુવકની અટકાયત કરી લાલગેટ પોલીસમથકમાં લઇ આવી હતી. અહીં પોલીસમથકમાં યુવકે ગાળાગાળી કરી હોબાળો મચાવ્યો હતો, સાથે જ એક એસઆરપી જવાનની રાયફલ આંચકવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ ઉપરાંત યુવકે પીએસઓના ટેબલનો (Table) કાચ (Glass) તોડી નાંખતાં યુવકની સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તેની ધરપકડ (Arrest) કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ લાલગેટ પોલીસની પીસીઆર વાનમાં ઇનચાર્જ તરીકે કોન્સ્ટેબલ ગણપત છનાભાઈ તેમજ તેમની સાથે એસઆરપી ગ્રુપ-8ના કોન્સ્ટેબલ બ્રિજેશ દુબે, કાંતિ વાલજી પણ સાથે હતા. આ દરમિયાન અસારાવાલા હોસ્પિટલની પાસે એક યુવક થૂંકવા બાબતે માથાકૂટ કરી રહ્યો છે અને હથિયાર લઇ મારવા આવી રહ્યો છે એવી બાતમી મળી હતી. પોલીસની આ પીસીઆર વાન કંટ્રોલ મેસેજના આધારે અસારાવા સ્કૂલ પાસે પહોંચી હતી. ત્યાંથી ફોન કરનાર વ્યક્તિનો સંપર્ક કરી હિરેન સંજય ઢીમ્મરને પકડી પાડ્યો હતો. હિરેનની પૂછપરછ કરવા માટે લાલગેટ પોલીસમથક લાવવામાં આવ્યો હતો. અહીં અચાનક જ હિરેને ગાળાગાળી શરૂ કરી દીધી હતી અને તેમજ પીએસઆઇ લલ્લુભાઇની સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. તેને છોડાવવા માટે વચ્ચે પડેલા કોન્સ્ટેબલ ગણપત છનાભાઇની સાથે પણ ઝપાઝપી કરી તેના શર્ટનાં બટન તોડી નાંખ્યાં હતાં. આ ઉપરાંત એસઆરપી જવાનની પાસેથી રાયફલ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, ત્યાં જ અન્ય કોન્સ્ટેબલો આવી ગયા હતા અને હિરેનને પકડી પાડ્યો હતો. હિરેને ધક્કામુક્કી કરી પીએસઓના ટેબલ ઉપર જોરથી હાથ પછાડ્યો હતો અને કાચ તોડી નાંખ્યો હતો. આથી લાલગેટ પોલીસના સ્ટાફે હિરેનને પકડી પાડી તેની સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ધરપકડ પણ કરી હતી.

પાર્લે પોઈન્ટ ખાતે ફોર્ચ્યુનર કાર સહિત ત્રણ કારના કાચ તોડી 1.58 લાખની ચોરી
સુરત: શહેરના પાર્લે પોઈન્ટ સરગમ શોપિંગ સેન્ટર નજીક અલગ અલગ જગ્યાએ પાર્ક કરવામાં આવેલી ત્રણ કારના કાચ તોડી તસ્કરો રોકડ, મોબાઈલ, લેપટોપ સહિત 1.58 લાખની ચોરી કરી નાસી ગયા હોવાની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મગદલ્લાના બાપુનગરમાં રહેતા 30 વર્ષીય કુમાર ગૌરવ રામજીસીંગ ગવીયર ગામ મગદલ્લા પોર્ટ રોડ, રણછોડ રત્નાનગર ખાતે આવેલી ગગન કોલ પ્રા.લિ.કંપનીમાં અઢી વર્ષથી જનરલ મેનેજર તરીકે નોકરી કરે છે. તેઓ ગત તા.25મીએ ઓફિસ બંધ કરી તેના બે મિત્રો સાથે મોડી સાંજે પાર્લે પોઈન્ટર સરગમ શોપિંગ સેન્ટરની સામે આવેલી કપડાંની દુકાનમાં ગયા હતા. ત્યારે અજાણ્યા તેમની કારનો કાચ તોડી રોકડ 3300, લેપટોપ અને તેના મિત્રના રોકડા 22,830 મોબાઈલ સાથેની બેગ ચોરી ગયા હતા. કાચનો કાર તોડી ચોરી કરતી ટોળકીએ આ સિવાય બીજી બે કારને પણ ટાર્ગેટ બનાવી હતી.

પાર્લે પોઈન્ટ દિવ્યકાંતિ એપાર્ટમેન્ટમાં ઓફિસ ધરાવતી શ્વેતા દર્શન દેસાઈ (રહે., આશીર્વાદ એન્કલેવ, અલથાણ ચાર રસ્તા)એ તેની ઓફિસની સામે બ્રિજ નીચે પાર્ક કરેલી ફોર્ચ્યુનર ગાડીનો કાચ તોડી 10 હજારની કિંમતની બેગ, લેપટોપ, રોકડા 60 હજાર, બ્લુટુથની ચોરી કરી હતી. પાર્લે પોઈન્ટ પાસે જ જિજ્ઞેશ જિતેન્દ્ર પંડ્યા (રહે., ભુલાભાઈ પાર્ક એપાર્ટમેન્ટ, અડાજણ)ની ગાડીનો કાચ તોડી ૧૦ દસ્તાવેજો મળી ત્રણેય કારમાંથી કુલ રૂ.1.58 લાખની ચોરી કરી નાસી ગયા હતા. ઉમરા પોલીસે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top