સુરત: (Surat) દેશનાં જે રાજ્યોમાં ચૂંટણી થવાની હોય તે રાજ્યોમાં વિમાન સેવા શરૂ કરવા માટે સ્પાઇસ જેટ (Spice Jet) એરલાઇન્સનો ઉપયોગ વધી રહ્યો છે. એવું ચિત્ર ઉપસી રહ્યું છે કે, સત્તાધારી પક્ષની માંગણી પ્રમાણે એરલાઇન્સ ફ્લાઇટ ઓપરેશન ગોઠવી રહી છે. તેના લીધે આ એરલાઇન્સની વિશ્વસનીયતા અને નિયમિતતા સામે પ્રશ્નો ઊભા થયા છે. મંગળવારે અચાનક સ્પાઇસ જેટ એરલાઇન્સ (airlines) દ્વારા સુરત એરપોર્ટથી કનેક્ટેડ 7 ફ્લાઇટના ઓપરેશન 30 ઓક્ટોબરથી રદ કરી દીધાં હતાં. એટલે કે, 30 ઓક્ટોબર પછી સુરતથી મુંબઇ, બેંગ્લોર, ઉદયપુર, હૈદરાબાદ, ભાવનગર, જબલપુર અને પટનાની ફ્લાઇટનું બુકિંગ (Flight Booking) બંધ કરી દીધું છે. એટલે કે, વિન્ટર શિડ્યુલમાં સુરતથી આ 7 ફ્લાઇટ કાર્યરત રહેશે નહીં.
સ્પાઇસ જેટના નવા રિવાઇઝ વિન્ટર શિડ્યુલમાં સુરતથી દિલ્હી, ગોવા અને જયપુરની ફ્લાઇટ યથાવત રહેશે. ગયા મહિને એકસાથે 4થી 5 ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત શરૂ કરી એરલાઇન્સે સુરતના લોકોને ખુશ કરી દીધા હતા. પટના અને જબલપુરના રૂટ પર પેસેન્જરો ઓછા મળી રહ્યા હતા. જ્યારે બાકીના રૂટ પર સારો પેસેન્જર ગ્રોથ નોંધાયો હતો. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત ગ્રુપના સંજય જૈને જણાવ્યું હતું કે, જબલપુર સિવાયની તમામ ફ્લાઇટ માટે સ્પાઇસ જેટને પૂરતો પેસેન્જર લોડ મળી રહ્યો હતો. એરલાઇન્સની અનિયમિતતાને લીધે પેસેન્જરોને વિશ્વાસ રહ્યો નથી. તેની અસર સુરતના એર ટ્રાફિક પર પણ પડી રહી છે. એરલાઇન્સ પાસે એર ક્રાફ્ટની સંખ્યા ઓછી છે અને એક પછી એક તે નવા રૂટની જાહેરાતો કરે છે.
કોઇપણ ઠોસ કારણ વિના નવા અખતરા કરવા નવાં સેક્ટર શરૂ કરે છે. એવીએશન ક્ષેત્રના જાણકારો કહે છે કે, એરલાઇન્સના સંચાલકોનો ઝુકાવ કેન્દ્રના સત્તાધારી પક્ષ તરફ ઢળેલો હોવાથી જે રાજ્યોમાં ચૂંટણીઓ યોજાય એ પહેલાં તે રાજ્યોમાં નવી ફ્લાઇટ શરૂ કરવાની જાણે પરંપરા શરૂ થઇ છે. ઉત્તરપ્રદેશમાં ચૂંટણી હોવાથી ત્યાં કેટલીક નવી ફ્લાઇટ નવા એરપોર્ટ માટે શરૂ થઇ રહી છે. યુપીના કુશીનગર માટે પણ એરલાઇન્સે નવી ફ્લાઇટની જાહેરાત કરી છે. તે પહેલાં બંગાળમાં ચૂંટણી યોજાય ત્યારે પણ આ પ્રકારની જાહેરાત થઇ હતી. આ મામલે સ્પાઇસ જેટના સ્ટેશન મેનેજરનો સંપર્ક કરવામાં આવતાં તેઓ પ્રતિક્રિયા માટે ઉપલબ્ધ ન હતા.
- સ્પાઇસ જેટે 30 ઓક્ટોબર પછી સુરતથી આ ફ્લાઇટ રદ કરી
- મુંબઇ, બેંગ્લુરુ, ઉદયપુર, હૈદરાબાદ, ભાવનગર, જબલપુર, પટના