સુરત: ચેમ્બર દ્વારા આગામી તા. 20, 21 અને 22 ફેબ્રુઆરી 2021 દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સુરત સ્પાર્કલ– 21’ (SPARKLE-21)નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 100થી વધુ ડાયમંડ જ્વેલરી મેન્યુફેકચરર્સ એકજ પ્લેટફોર્મ પર એકત્રિત થશે અને સારો વેપાર મળશે તેવો આશાવાદ ચેમ્બર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
ચેમ્બર પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, સુરતમાં ડાયમંડ ટ્રેડિંગ અને જ્વેલરી મેન્યુફેકચરિંગ (DIAMOND TRADING AND JEWELRY MANUFACTURING) મોટાપાયા ઉપર થઇ રહ્યું છે. આથી ડાયમંડ જ્વેલરી મેન્યુફેકચરિંગ હબ તરીકે સુરતમાં વેલ્યુએડિશનનું કામ થઇ રહ્યું છે. ગુજરાત હીરા બુર્સ પહેલાંથી જ સુરતમાં કાર્યરત છે. થોડા મહિનાઓ બાદ સુરત ડાયમંડ બુર્સ ધમધમતું થઇ જશે. જેથી હવે ડાયમંડ સિટી સુરત, નેચરલ અને સિન્થેટીક ડાયમંડ (SYNTHETIC DIAMOND) મેન્યુફેકચરિંગનું હબ બનવાની દિશા તરફ આગળ વધી રહી છે. એના માટેનું તમામ ઇન્ફ્રાસ્ટ્રકચર જેવું કે એસઇઝેડ, કસ્ટમ, પોર્ટ અને એરપોર્ટ વિગેરે સુરતમાં ડેવલપ થઇ ગયું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશના નાણાં મંત્રી (Minister of Finance) નિર્મલા સીથારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટમાં સોના અને ચાંદીની આયાત ઉપર કસ્ટમ ડયુટી ઘટાડી છે. જેને પગલે ડાયમંડ જ્વેલરી મેન્યુફેકચરર્સને રાહત થશે અને ભારતમાં જ્વેલરી ઉદ્યોગને ડોમેસ્ટીક માર્કેટમાં ઘણો લાભ થશે. સાથે જ ડાયમંડ જ્વેલરીની માંગમાં પણ વધારો થશે. બીજી બાજુ, ફિનીશ્ડ સિન્થેટીક ડાયમંડની આયાત ઉપર કસ્ટમ ડયુટી વધારવાની જાહેરાત કરાઇ છે. જેને કારણે સુરતમાં સિન્થેટીક ડાયમંડ મેન્યુફેકચરર્સને ઘણો લાભ થશે.
દેશના અનેક શહેરોમાંથી જ્વેલર્સ આવશે
દેશના મુખ્ય શહેરો (METRO CITY) જેવા કે દિલ્હી, પંજાબ, ચંડીગઢ, ચેન્નાઇ, કોચી, ક્રિશુર, ત્રિવેન્દ્રમ, મલપ્પુરમ, કાલીકત, બેંગ્લોર, કોઇમ્બતુર, મુંબઇ, પૂણે તથા ગુજરાતના મુખ્ય શહેરો કે જ્યાં ડાયમંડ એન્ડ ડાયમંડ જ્વેલરીનું મોટાપાયા ઉપર કન્ઝમ્પ્શન થાય છે ત્યાંના મોટા ચેનલ સ્ટોરના સંચાલકોને તથા બાયર્સને રૂબરૂ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ તમામ સ્થળેથી મોટી સંખ્યામાં બાયર્સ તથા વિવિધ એસો.ના પ્રતિનિધી મંડળ સ્પાર્કલ એક્ઝિબિશનની મુલાકાત લેનાર છે. તદુપરાંત સોશિયલ મિડિયા અને ડિજીટલ માર્કેટીંગ (DIGITAL MARKETING)ના માધ્યમથી પણ દેશ-વિદેશના બાયર્સને સ્પાર્કલ માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
મુંબઇથી જ્વેલરી મેન્યુફેકચરર્સ સુરતમાં સ્થળાંતરિત થઇ રહ્યાં છે
સ્પાર્કલ એક્ઝિબિશનના ચેરમેન જયંતિ સાવલીયાએ જણાવ્યું હતું કે, સ્પાર્કલ પ્રદર્શનમાં નેચરલ ડાયમંડ એન્ડ જ્વેલરી મેન્યુફેકચરર્સ, સિન્થેટીક ડાયમંડ એન્ડ મશીનરી મેન્યુફેકચરર્સ, સમગ્ર હીરા ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ ઉત્સાહ દાખવ્યો છે. સુરત જ્વેલરી મેન્યુફેકચરર્સ એસો.ના સહયોગથી 100 જેટલા જ્વેલરી મેન્યુફેકચરર્સ ભાગ લઇ રહ્યાં છે. આમ કુલ 150 થી વધુ એક્ઝિબિટર્સ દ્વારા લુઝ ડાયમંડ, ડાયમંડ જ્વેલરી, મશીનરી અને સિન્થેટીક ડાયમંડનું પ્રદર્શન કરવામાં આવશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ-19 પછી જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી ઉભી નહીં થશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ અમેરિકા અને ચાઇના વચ્ચેના ટ્રેડવોરને કારણે મુંબઇથી જ્વેલરી મેન્યુફેકચરર્સ સુરતમાં સ્થળાંતરીત થઇ રહ્યા છે. જેનો સીધો લાભ સુરતના જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને થઇ રહ્યો છે. ડાયમંડ જ્વેલરીનું એક્ષ્પોર્ટ પણ સુરતથી વધી રહ્યું છે.