SURAT

ચેમ્બર ઓફ કોમર્સની લેડીઝ વીંગ દ્વારા ‘સ્માર્ટ ફોનનો શ્રેષ્ઠ ઉપયોગ’ વિશે સેમિનાર યોજાયો

સુરત : સુરત (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (The southern gujarat chamber of commerce) એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ (Ladies) વીંગ દ્વારા ગુરૂવાર, તા. 10ઓગષ્ટ, 2023 ના રોજ બપોરે 3:30 કલાકે સંહતિ બિલ્ડીંગ, સરસાણા, સુરત ખાતે ‘સ્માર્ટ ફોનનો શ્રેષ્ઠ ઉપયોગ’વિષય ઉપર સેમિનાર યોજાયો હતો. જેમાં ડિજીટલ મીડિયા (Digital Media) ક્ષેત્રના નિષ્ણાત ફોરમ મારફતિયાએ મહિલા સાહસિકોને સ્માર્ટ ફોનનો બિઝનેસ માટે સુરક્ષિત અને સ્માર્ટ ઉપયોગ વિષે માર્ગદર્શન આપ્યું હતું.

ફોરમ મારફતિયાએ જણાવ્યું હતું કે, આપણે સૌ સ્માર્ટ ફોનનો ઉપયોગ કરીએ છીએ પરંતુ આ ઉપયોગ માત્ર વોટ્‌સએપ કે ફેસબુક સુધી સીમિત હોય છે. આ ફોનમાં એટલી બધી વિશિષ્ટ સુવિધાઓ ઉપલબ્ધ છે કે જેનો મહિલા સાહસિકો પોતાના બિઝનેસના ડેવલપમેન્ટ માટે ઉપયોગ કરી શકે છે. તેમણે મહિલા સાહસિકોને અનવોન્ટેડ ટાઇમને ઓછો કરવા માટે સ્ક્રીન ટાઇમ ફિચર વિષે માહિતી આપી હતી. આ ઉપરાંત વોટ્‌સએપ અને વોટ્‌સએપ બિઝનેસ વચ્ચેના તફાવત વિષે સમજણ આપી હતી. ખાસ કરીને સ્ટાર્ટ–અપ કરનાર મહિલા સાહસિકને વોટ્‌સએપ બિઝનેસનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

વધુમાં તેમણે વોટ્‌સએપ બિઝનેસમાં પોતાના બિઝનેસ સંબંધિત સ્ટેટસ અને સ્ટોરી મુકીને સોશ્યલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરી શકાય? તેના વિષે જાણકારી આપી હતી. કેન્વા એપ્લીકેશન વિષે માહિતી આપી પ્રેકટીકલી તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન કરી બતાવ્યું હતું. કેન્વા એપ્લીકેશનથી પોતાના બિઝનેસની ઘર બેઠા ગ્રાફિકસ ડિઝાઇન બનાવી તેનું પ્રમોશન કેવી રીતે કરી શકાય? તેનું સેશનમાં પ્રેકટીકલ નોલેજ આપ્યું હતું.

તદુપરાંત સિકયોરિટી ફયુચર કયા – કયા ધ્યાનમાં રાખવા જોઇએ તેના વિષે માહિતી આપી હતી. તેમણે મોબાઇલમાં પોપઅપ આવે તો અનવોન્ટેડ પરમિશન નહીં આપવા, ઓટીપી શેર નહીં કરવા અને લોકેશન સર્વિસને ઓફ રાખવા સચેત કર્યા હતા. નવી એપ સાઇનઅપ કરતી વખતે અધર એપ્લીકેશન મારફત લોગઇન નહીં કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે સીસી કલીનર એપ અને નોટ ફિચરના ઉપયોગ વિષે પણ ચર્ચા કરી હતી. સેમિનારમાં તેમણે મહિલા સાહસિકોને ફેસબુક, વોટ્‌સએપ, ઈન્સ્ટાગ્રામ, લિંકડઇન, યુ ટ્‌યુબ જેવા સોશ્યલ મીડિયાનો શ્રેષ્ઠતમ ઉપયોગ કઈ રીતે કરી શકાય ? તે વિષે પણ વિસ્તૃત સમજણ આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. લેડીઝ વીંગના ચેરપર્સન મનિષા બોડાવાલાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ચેમ્બરના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસી અને માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મર તથા લેડીઝ વીંગના એડવાઇઝર રોમા પટેલ અને તત્કાલિન ભૂતપૂર્વ ચેરપર્સન જ્યોત્સના ગુજરાતી કાર્યક્રમમાં હાજર રહયા હતા. લેડીઝ વીંગના સેક્રેટરી પ્લવનમી દવેએ સમગ્ર કાર્યક્રમની સાથે સવાલ–જવાબ સેશનનું પણ સંચાલન કર્યું હતું. લેડીઝ વીંગના સભ્ય મયૂરી મેવાવાલાએ વકતા ફોરમ મારફતિયાનો પરિચય આપ્યો હતો અને અલ્પા મદ્રાસીએ સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

Most Popular

To Top